Mumbai

પરિણામ જાહેર થયાનાં 21 દિવસ બાદ પણ ધો.10ની માર્કશીટ મળી નથી

By GS Team
31 May 20262 mins read
પરિણામ જાહેર થયાનાં 21 દિવસ બાદ પણ ધો.10ની માર્કશીટ મળી નથી

મહારાષ્ટ્ર બોર્ડની વિલંબિત કામગીરીથી વિદ્યાર્થી-વાલીઓ નારાજ

દસ્તાવેજને અભાવે વિદ્યાર્થીઓની પાસેથી કૉલેજોએ ખાતરીપત્રક લેવા પડે છે, બાદમાં એલસી, માર્કશીટ લેવા માટે અલગથી ફરી પ્રક્રિયા કરવી પડશે

 મુંબઈમહારાષ્ટ્ર બોર્ડે ૮ મે ૨૦૨૬ના રોજ દસમા (એસએસસી)નું પરિણામ જાહેર કર્યું હતું, પરંતુ પરિણામ જાહેર થયા બાદ લગભગ ૨૧ દિવસ વિતી ગયા છતાં વિદ્યાર્થીઓને મૂળ માર્કશીટ, પાસિંગ સટફિકેટ અને સ્કૂલ લિવિંગ સટફિકેટ (એલસી) મળ્યાં નથી. તેના કારણે ધો.૧૧ (એફવાયજેસી)ની પ્રવેશ પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓ અને વાલીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ધો.૧૧ના પ્રવેશની પ્રથમ યાદી જાહેર થઈ ચૂકી છે અને પ્રવેશ પ્રક્રિયા શરૃ થઈ ગઈ છે. જરૃરી દસ્તાવેજો સમયસર ન મળતાં વિદ્યાર્થીઓના પ્રવેશ અટકી ન જાય તે માટે શિક્ષણ નિયામક મંડળે કોલેજોને તાત્કાલિક રાહતરૃપે માર્કશીટ અને એલસી ફરજિયાત ન રાખવાની સૂચના આપી છે. તેના બદલે વિદ્યાર્થીઓ પાસેથી લેખિત 'ખાતરીપત્રક' (અંડરટેકિંગ) લેવામાં આવી રહ્યું છે, જેમાં તેઓ બાદમાં જરૃરી દસ્તાવેજો જમા કરાવશે તેવી ખાતરી આપે છે.

વાલીઓ અને વિદ્યાર્થીઓએ આ વિલંબ સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે, પરિણામ વહેલું જાહેર કરવાની જાહેરાત તો કરવામાં આવી, પરંતુ ત્યારબાદ જરૃરી દસ્તાવેજો પહોંચાડવામાં થયેલા વિલંબના કારણે પ્રવેશ પ્રક્રિયામાં અનિશ્ચિતતા ઊભી થઈ છે. અનેક વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ સમયે ખાતરીપત્ર લખવાની ફરજ પડી રહી છે, જેના કારણે તેઓ અને તેમના વાલીઓ મૂંઝવણમાં મુકાયા છે.

કોલેજોના પ્રાચાર્યો પણ આ પરિસ્થિતિથી અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે વિદ્યાર્થીઓને સંપૂર્ણ દસ્તાવેજ વગર પ્રવેશ આપવાથી બાદમાં બાકી રહેલા દસ્તાવેજો મેળવવા માટે કોલેજોને સતત અનુસરણ કરવું પડશે. ઘણી વખત વિદ્યાર્થીઓ પ્રવેશ બાદ દસ્તાવેજો જમા કરાવવાનું ભૂલી જાય છે, જેના કારણે વહીવટી અને શિક્ષકેતર સ્ટાફ પર વધારાનો ભાર પડે છે.