Mumbai

દાઉદના ખાસ સાથી અને ડ્રગ સિન્ડિકેટના સૂત્રધાર દાનિશ ચિકનાની ધરપકડ

By GS TEAM
30 Oct 20252 mins read
દાઉદના ખાસ સાથી અને ડ્રગ સિન્ડિકેટના સૂત્રધાર દાનિશ ચિકનાની ધરપકડ

દાઉદ ગેંગનું  ડ્રગનું નેટવર્ક સંભાળતો હતો 

ગોવાના એક હોલીડે રિસોર્ટમાં પત્ની સાથે છૂપાયો હતોઃ એક કિલોથી વધુ મેફેડ્રોનનો જથ્થો પણ  મળ્યો

મુંબઇ  -  ભાગેડુ  ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમના નજીકના સાથીદાર અને ડ્રગ સિન્ડિકેટના મુખ્ય સૂત્રધાર દાનિશ ચિકનાની નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)એ ગોવાથી ધરપકડ કરી  હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. 

ફરાર દાનિશ ચિકના ઉર્ફે દાનિશ મર્ચન્ટ દેશમાં દાઉદ ગેંગ સાથે જોડાયેલા ડ્રગ નેટવર્કની કામગીરી સંભાળતો હતો.

અધિકારીએ કહ્યું હતું કે એનસીબીએ દાનિશ અને અન્ય ત્રણ આરોપીની ધરપકડ કરી છે. તેમના કબજામાંથી ૧.૩૪૧ કિલો મેફેડ્રોન જપ્ત કર્યું છે. એનસીબી મુંબઇની ટીમે ગુપ્ત માહિતીના આધારે ૧૮ સપ્ટેમ્બરના પુણેમાં એક વ્યક્તિને અટકાવી ૫૦૨ ગ્રામ મેફેડ્રોન કબજે કર્યું હતું. ત્યાર બાદ તાત્કાલિક કાર્યવાહી કરે મુંબઇમાં દાનિશ અને તેની પત્નીના ઘરેથી અન્ય સાથીદાર પાસેથી ૮૩૯ ગ્રામ મેફેડ્રોન  મળી આવ્યુ ંહતું.

એનસીબીને તપાસ દરમિયાન ડ્રગ સિન્ડિકેટના મુખ્ય સૂત્રધાર દાનિશ અને તેની પત્ની હોવાનું જાણવા મળ્યું હતું. તેઓ ફરાર હતા. અને ધરપકડથી બચવા જુદાજુદા  રાજ્યોમાં નાસી રહ્યા હતા.

એનસીબીને ઝીણવટભરી તપાસ  દરમિયાન આરોપી ગોવાના એક હોલિડે રિસોર્ટમાં હોવાની ખબર પડી હતી.

છેવટે એનસીબીની ટીમે ગોવાના રિસોર્ટમાંથી પૂછપરછ બાદ બંનેની ધરપકડ કરવામાં આવી હતી, એમ એનસીબીએ જણાવ્યુ ંહતું.

દાનિશ એક રીઢો ગુનેગાર છે. અધિકારીના જણાવ્યા મુજબ એનસીબીએ અને  રાજસ્થાન પોલીસે અગાઉ તેની વિરૃદ્ધ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટ હેઠળ ત્રણ કેસ નોંધ્યા હતા.

મુંબઇ પોલીસે તેની સામે સાત ક્રિમિનલ કેસ પણ દાખલ કર્યા છે. તેને મુંબઇમાંથી  તડીપાર કરવામાં આવ્યો હતો.

૨૦૧૯માં એજન્સીએ ડોંગરીમાં દાઉદના નેટવર્ક સાથે જોડાયેલી એક મોટી ડ્રગ ફેકટરીનો પર્દાફાશ કર્યો હતો. ત્યારે કરોડો રૃપિયાનો  નશીલો પદાર્થ જપ્ત કરવામાં આવ્યોહતો.

અગાઉ રાજસ્થાનથી મર્ચન્ટની ધરપકડ કરવામાં આવી હતી. થોડા સમય પછી તેને જામીન પર છોડી દેવામાં આવ્યો હતો.