Mumbai

તબીબી ચમત્કારની આશાએ પુત્રીએ પિતાના મૃતદેહને ૪ વર્ષથી ફ્રીઝરમાં સાચવ્યો

By GS Team
1 Oct 20263 mins read
TukuTouch Logo
મુંબઈના મલાડમાં એક પુત્રીએ 80 વર્ષીય પિતાના મૃતદેહને છેલ્લા 4 વર્ષથી ફ્રીઝરમાં રાખ્યો હતો. વિજ્ઞાનની પ્રગતિથી પિતા ફરી જીવિત થશે તેવી આશાએ પરિવારે મૃતદેહ સાચવી રાખ્યો. અમેરિકાના ક્રાયોનિક્સ સેન્ટરમાં મોકલવાની યોજના હતી, જેમાં 50 લાખ રૂપિયા ખર્ચાયા. પોલીસે કાયદેસરતા અંગે તપાસ શરૂ કરી છે. મૃતકનું જૂન 2022માં કુદરતી મૃત્યુ થયું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

તબીબી ચમત્કારની આશાએ પુત્રીએ પિતાના  મૃતદેહને ૪ વર્ષથી ફ્રીઝરમાં  સાચવ્યો

અમેરિકાના ક્રાયોનિક્સ સેન્ટરમાં પુનઃજીવીત થશે તેવી આશા હતી

અમેરિકામાં ક્રાયોનિક્સના પ્રયોગોની  માહિતી ઉપરાંત તમામ કાનૂની સલાહ પણ લઈ રાખી હતીઃ મૃતદેહ સાચવવા ૫૦ લાખ ખર્ચી નાખ્યા

મુંબઈના મલાડનો અનોખો કિસ્સોઃ ભવિષ્યમાં વિજ્ઞાાન એટલી પ્રગતિ કરી લેશે કે મૃત વ્યક્તિ પણ જીવંત થશે તેવી આશાએ અંતિમ સંસ્કાર ન કર્યા

મુંબઈ  -  મુંબઈના મલાડ વિસ્તારમાં એક પુત્રીએ પોતાના ૮૦ વર્ષીય પિતાના મૃતદેહને છેલ્લા ચાર વર્ષથી ફ્રીઝરમાં રાખ્યો હોવાની ઘટના સામે આવી હતી. વિજ્ઞાાનની પ્રગતિથી ભવિષ્યમાં પિતાને ફરી જીવિત કરી શકાશે તેવી આશા સાથે પરિવારે મૃતદેહને સાચવી રાખ્યો હતો. મૃતદેહને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માટે અમેરિકાના ક્રાયોનિક્સ સેન્ટરમાં મોકલવાની પણ પરિવારની યોજના હતી. પરિવારે મૃતદેહ સાચવવામાં જ અત્યાર સુધીમાં ૫૦ લાખ રુપિયા ખર્ચી નાખ્યા હતા.  આ ઘટનાને પગલે મુંબઈ પોલીસ દ્વારા મૃતદેહને આ રીતે સાચવી રાખવાની કાયદેસરતા અંગે તપાસ શરૃ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકનું જૂન ૨૦૨૨માં હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. તેઓ કેન્સરથી પણ પીડિત હતા. તબીબે તેમના મૃત્યુને કુદરતી ગણાવીને મૃત્યુનું પ્રમાણપત્ર પણ આપ્યું હતું. જો કે, મૃતકની પુત્રી જે તેના પિતાને અપાર પ્રેમ કરતી હતી. તેણે તેના પિતાના અંતિમ સંસ્કાર ન કરવાનો અને  મૃતદેહ સાચવી રાખવાનો નિર્ણય લીધો હતો.   આ માટે તેણે ઈન્ટરનેટ પર મૃતદેહને કઈ રીતે સાચવી રાખવો વગેરે બાબતે તપાસ પણ કરી હતી.

શરુઆતમાં પરિવારે મૃતદેહને ઘરમાં સાચવ્યો હતો. પરંતુ, બાદમાં તેમનું બિલ્ડિંગ રિવેડલપમેન્ટમાં જતાં તેમણે તેને ડે કેર સેન્ટર તથા ક્લિનકનાં ફ્રીઝરમાં ખસેડયો હતો. કેટલાક  પડોશીઓ તથા પરિવારજનોને આ સમગ્ર ગોઠવણની જાણ હોવાનું કહેવાય છે. જોકે, તાજેતરરમાં કુરાર પોલીસને કોઈએ આ રીતે અહીં મૃતદેહ  રાખી મૂકવામાં આવ્યો હોવાની બાતમી આપી હતી.  પોલીસે ક્લિનક પર જઈ તપાસ કરતાં ફ્રીઝરમાં ચાર વર્ષથી સચવાયેલો મૃતદેહ મળ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતકનો પુત્ર મુંબઈમાં રહે છે અને  પુત્રી યુનાઇટેડ સ્ટેટ્સમાં રહે છે. પુત્રી તેના પિતાની ખૂબ નજીક હોવાનું કહેવાય છે અને પુનર્જન્મમાં પણ  માનતી હોવાથી, તેણે અને તેના ભાઈએ કથિત રીતે તેમના પિતાના મૃતદેહને સાચવવાનું નક્કી કર્યું હતું. જેથી તેમને વિજ્ઞાાનની મદદથી  ફરીથી જીવિત કરી શકાય. પરિવાર દર મહિને પિતાના શરીરને ડે કેર સેન્ટરમાં રાખવા માટે આશરે રુ. ૧.૬૦ લાખ ચૂકવતો હોવાનું કહેવાય છે.

મૃતકની પુત્રીની યોજના પિતાના મૃતદેહને અમેરિકામાં આવેલા ક્રાયોનિક્સ સેન્ટરમાં મોકલવાની હતી. આ માટે તેણે અમેરિકાની એક સંસ્થાનો અને ભારતમાં વકીલોનો સંપર્ક પણ કર્યો હતો. આ પ્રક્રિયાનો ખર્ચ ૨૮,૦૦૦ ડોલર (લગભગ રુ. ૨૭ લાખ) થી વધુ છે.

દરમિયાન, જે મિલકતમાં ક્લિનિક ચાલતું હતું તેના માલિકે  રિડેવલપમેન્ટના કારણે જગ્યા ખાલી કરાવવાની પ્રક્રિયા શરૃ કરી હતી. મિલકતના માલિકે શરૃઆતમાં આ જગ્યા અબ્દુલ રહેમાન નામના વ્યક્તિને ભાડે આપી હતી. ત્યારબાદ ત્યાં ક્લિનિક શરૃ કરવામાં આવ્યું હતું. જોકે, મિલકતના માલિક અને ક્લિનિકના સંચાલકોએ ફ્રીઝરમાં મૃતદેહ રાખવામાં આવ્યો હોવાની જાણ ન હોવાનું જણાવ્યું હતું.

પોલીસે  મૃતકના પરિવારજનો, મિલકતના માલિક અને ક્લિનિકના સંચાલકોનાં નિવેદનો નોંધ્યાં હતા. પોલીસના જણાવ્યા  અનુસાર, મૃતકનું મૃત્યુ કુદરતી થયું હોવાનું પ્રમાણપત્ર ઉપલબ્ધ હોવાથી હાલ કોઈ શંકાસ્પદ ગુનાહિત પ્રવૃત્તિ સામે આવી નથી. જોકે, મૃતદેહને આટલા લાંબા સમય સુધી ફ્રીઝરમાં રાખવાની કાયદેસરતા અને તેના માટે જરૃરી મંજૂરી અંગે પોલીસ નિષ્ણાતોનો અભિપ્રાય મેળવી રહી છે.

પાલિકાએ ત્રણ મહિના પહેલા જ કિલનિક સીલ કર્યું હતું

(પ્રતિનિધિ દ્વારા)   મુંબઈ તા.૨૯

વૃદ્ધનો મૃતદેહ સાચવી  રખાયો હતો એ ક્લિનિક મુંબઈ મહાપાલિકાએ સીલ કરી દીધું હતું. જોકે, તે સમયે મહાપાલિકા કર્મચારીઓએ સમગ્ર ક્લિનિકની યોગ્ય તપાસ કેમ ન કરી તેવા સવાલો હવે ઉઠયા છે.