ચંદ્રપુરની કેન્સર હોસ્પિટલના સર્વર પર સાયબર હુમલો

હોસ્પિટલ
ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ સંપૂર્ણપણે
ખોરવાઈ
દર્દીઓનો
ડેટા હેક કરી હેકર્સે બિટકોઈનના રૃપમાં ખંડણી માંગી
મુંબઈ -
ચંદ્રપુર શહેરમાં કેન્સર કેર ફાઉન્ડેશનના મુખ્ય સર્વર પર
સાયબર એટેક કરવામાં આવ્યો છે. હેકર્સ દ્વારા હોસ્પિટલનો મહત્વપૂર્ણ ડેટા લીક કરીને
બિટકોઈનના રૃપમાં ખંડણી માંગવામાં આવતા તબીબી ક્ષેત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
આ ઘટનાથી હોસ્પિટલની કામગીરી પર અસર પડી છે અને દર્દીઓની માહિતીની સુરક્ષા પર પણ
સવાલો ઉભા થયા છે.
પ્રાપ્ત
માહિતી અનુસાર આ હોસ્પિટલના આઇટી વિભાગને
મુખ્ય સર્વરમાં ટેકનિકલ ખામી જોવા મળી
હતી. શરૃઆતમાં તે સામાન્ય લાગતું હતું. જોકે તપાસ કર્યા પછી સર્વર પર
ખંડણીની ધમકીનો સંદેશ જોવા મળ્યો હતો. બાદમાં જાણવા મળ્યું કે અજાણ્યા
સાયબર ગુનેગારોએ હોસ્પિટલની ડિજિટલ સિસ્ટમમાં ઘૂસણખોરી કરી હતી અને તમામ ડેટા હેક
કર્યો હતો.
સાયબર
હુમલાથી હોસ્પિટલ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ
સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. પરિણામે,
દર્દીઓની માહિતી, સારવારના રેકોર્ડ અને ઘણી મહત્વપૂર્ણ
વહીવટી માહિતી અસ્થાયી રૃપે લોક થઈ ગઈ હતી. આનાથી ડોકટરો, સ્ટાફ
અને દર્દીઓ માટે મુશ્કેલીઓ ઊભી થઈ ગઈ હતી. હેકર્સે સર્વર પર મોકલેલા સંદેશમાં બિટકોઈનના રૃપમાં ખંડણી
માંગી હતી.
ડેટા
અનલોક કરવા માટે જરૃરી ડિક્રિપ્શન કી
માંગવામાં આવેલી ખંડણીની રકમ ચૂકવ્યા પછી જ આપવામાં આવશે, નહીંતર સમગ્ર ડેટા
કાયમ માટે ડિલીટ થઈ શકે છે, એવી ધમકી પણ આપવામાં આવી
હતી. આ
ઘટનાની માહિતી મળતાં હોસ્પિટલ પ્રશાસને તાત્કાલિક સાયબર પોલીસનો સંપર્ક
કર્યો હતો. આ સંદર્ભે રામનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા સાયબર ગુનેગારો સામે કેસ
નોંધવામાં આવ્યો છે અને સાયબર નિષ્ણાતોની મદદથી તપાસ શરૃ કરવામાં આવી છે.
દરમિયાન આ ઘટનાને કારણે ચંદ્રપુર સહિત રાજ્યની અન્ય હોસ્પિટલોની સાયબર
સુરક્ષાનો મુદ્દો ફરી એકવાર સામે આવ્યો છે.









