બિલ ન ભરાતાં સ્મશાનનું વીજ જોડાણ કપાયું,મોબાઈલ ટોર્ચના સહારે અંતિમવિધિ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવી મુંબઈમાં મૃત્યુ બાદ પણ હાલાકીમાંથી મુક્તિ નહીં
સ્મશાનમાં કોઈ બેક અપ નહિઃ ૮૨ વર્ષની વૃદ્ધાના અંતિમ સંસ્કાર માટે આવેલા પરિવારજનોમાં કચવાટ
મુંબઈ - નવી મુંબઈના કરંજડે ગામની એક સ્મશાનભૂમિમાં અત્યંત દુઃખદ અને ચિંતાજનક ઘટના સામે આવી છે. વીજ પુરવઠો અચાનક બંધ થઈ જતાં ૮૨ વર્ષીય વૃદ્ધાના અંતિમ સંસ્કાર મોબાઇલ ફોનની ટોર્ચના અજવાળામાં કરવા પડયા હતા. પરિવારજનોને અંધકાર વચ્ચે તમામ ધામક વિધિઓ પૂર્ણ કરવી પડી હતી. જેના કારણે શોકગ્રસ્ત પરિવારે ભારે માનસિક વ્યથા અનુભવી હતી. આ ઘટનાએ સ્મશાનભૂમિ જેવી આવશ્યક જાહેર સુવિધાઓમાં મૂળભૂત વ્યવસ્થાના અભાવ પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
પરિવારજનોએ જણાવ્યું કે, વીજળી જતાં તેમણે સંબંધિત અધિકારીઓને જાણ કરી હતી, પરંતુ લાંબા સમય સુધી વીજ પુરવઠો શરૃ ન થતાં અન્ય કોઈ વિકલ્પ બચ્યો નહોતો. અંતિમવિધિમાં હાજર ૩૦ જણામાંથી ૧૫ જણે પોતાના મોબાઈલની ફ્લેશલાઈટ શરુ કરી હતી. અંતે મોબાઇલની ફ્લેશલાઇટના સહારે અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડી. આવી સંવેદનશીલ પરિસ્થિતિમાં પણ પૂરતી સુવિધા ઉપલબ્ધ ન હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. મહાવિતરણના અધિકારીએ કહ્યું કે, બિલ ભર્યું ન હોવાથી લાઈટ કપાઈ હતી. જ્યારે ગામના સરપંચે આ વાતને રદિયો આપ્યો હતો.
આ ઘટનાને લઈને નાગરિકો અને સ્થાનિક સંગઠનોએ નગરપાલિકાની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે સ્મશાનભૂમિ જેવી સેવા ૨૪ કલાક ચાલુ રહેતી હોવાથી ત્યાં જનરેટર અથવા અન્ય બેકઅપ વીજ વ્યવસ્થા ફરજિયાત હોવી જોઈએ. આવી બેદરકારીને કારણે શોકમાં ડૂબેલા પરિવારજનોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે.
ઘટના બાદ સ્થાનિક સ્તરે તાત્કાલિક તપાસ અને સ્મશાનભૂમિઓમાં કાયમી વીજ બેકઅપ સુવિધા ઉભી કરવાની માંગ ઉઠી છે. નાગરિકોએ જણાવ્યું કે અંતિમ સંસ્કાર જેવી માનવીય અને સંવેદનશીલ પ્રક્રિયા દરમિયાન આવી પરિસ્થિતિ ફરી સર્જાય નહીં તે માટે તંત્રએ તાત્કાલિક પગલાં લેવા જરૃરી છે.









