Mumbai

ફિલ્મ સ્ટુડિયોમાં સેટ પર ખરાબ ક્વોલિટીના ભોજન પર રેડ પાડો

By GS Team
13 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં ફિલ્મ ઉદ્યોગના સંગઠને FDA કમિશનર તુકારામ મુંઢેને સ્ટુડિયો અને શૂટિંગ લોકેશન પર રેડ પાડવા આમંત્રણ આપ્યું છે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝે પત્ર લખી ફરિયાદ કરી છે કે, કલાકારો, ટેકનિશિયનો અને કર્મચારીઓને કેટરર્સ દ્વારા હલકી ગુણવત્તાનું ભોજન પીરસવામાં આવે છે. આનાથી તેમના સ્વાસ્થ્યને જોખમ છે. ફેડરેશને જવાબદાર પ્રોડક્શન હાઉસ અને કેટરર્સ સામે કાર્યવાહીની માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ફિલ્મ સ્ટુડિયોમાં સેટ પર ખરાબ  ક્વોલિટીના ભોજન પર રેડ પાડો

ફિલ્મ ઉદ્યોગનાં સંગઠન દ્વારા તુકારામ મુંઢેને રેડ પાડવા નોતરું

કલાકારો, સિને ટેકનિશિયનોને કેટરર્સ બહુ હલ્કી કક્ષાનું ભોજન આપે છેઃ  નિર્માતાઓની પણ જવાબદારી નક્કી કરવા માંગ

મુંબઇ -  દૂધની ડેરીઓ, ખાદ્યતેલના એકમો, હોટેલો, રેસ્ટોંરા સહિત અન્ન- ઔષધ એકમો પર ઠેર ઠેર રેડ પાડીને તરખાટ મચાવી દેનારા ફૂડ એન્ડ  ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)ના કમિશ્નર બોલિવુડના ફિલ્મ સ્ટુડિયો કે શૂટિંગના લોકેશન સ્થળ પર રેડ પાડે તો કહેવાય નહીં. કારણ સિનેમાના કર્મચારીઓના સંગઠને સ્ટુડિયોમાં અથવા શૂટિંગના સ્થળે કેટરર્સ તરફથી પીરસવામાં આવતા ખાણાંની અત્યંત ખરાબ ક્વોલિટી બાબત મુંઢેને ફરિયાદ કરી છે.

ફેડરેશન  ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ દ્વારા મુંઢેને  પત્ર લખી સ્ટુડિયોમાં અથવા શૂટિંગના સ્થળે ઓચિંતી રેડ પાડી કેટરર્સ દ્વારા પીરસવામાં આવતા ખાણાંની ક્વોલિટી ચકાસવાની અપીલ કરવામાં આવી છે.

ફેડરેશન તરફથી એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે કેટરર્સ દ્વારા પૂરા પાડવામાં આવતા ખાણાની ક્વોલિટી વિશે કેટલાય વર્ષોથી ફરિયાદો આવતી રહી છે. કલાકારો, સિને કર્મચારીઓ અને ટેક્નિશિયનો શૂટિંગ લોકેશન ઉપર અથવા તો સ્ટુડિયોમાં કલાકોના કલાકો સુધી ફરજ બજાવતા હોય છે. આ બધાને હલકી ક્વોલિટીનું ફૂડ આપવામાં  આવે છે તેને લીધે કર્મચારીઓ અને કલાકારોના આરોગ્ય સામે જોખમ ઉભું થયું છે. આ બધાને સત્ત્વવાળુ, સુરક્ષિત અને પૌષ્ટિક ભોજન મળવું જોઇએ. આ કોઇ લકઝરી નથી, મૂળભૂત જરૃરિયાત છે. આપણાં મનોરંજન ઉદ્યોગને સદાય ધમધમતો રાખતા આ સહુ કલાકારો અને કર્મચારીઓની ફરિયાદોની નોંધ લઇને એફડીએ દ્વારા કર્મચારીઓને કેવું ખાણું આપવામાં આવે છે તેની તપાસ હાથ ધરવામાં આવે અને ચૂક જણાય તો તેને માટે જવાબદાર પ્રોડક્શન હાઉસ અને કેટરર્સ સામે પગલાં લેવામાં આવે, એમ ફેડરેશનના જનરલ સેક્રેટરી અશોક દુબેએ જણાવ્યું હતું.

ફિલ્મ કે સિરિયલોનું શૂટિંગ ચાલતું હોય ત્યાં પહોંચીને ફૂડ સેમ્પલ એકઠાં કરીને લેબોરેટરીમાં તપાસ્યા બાદ જવાબદાર સામે પગલાં લેવા માટે એફડીએને અનુરોધ કરવામાં આવ્યો છે.

દરમિયાન મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં મુંઢે તરફથી પાડવામાં આવતી રેડને 'મુંઢે ઇફેક્ટ' તરીકે ઓળખવામાં આવે છે. ખાદ્ય પદાર્થના એકમ પર રેડ પાડે અને અન્ન સુરક્ષાના  નિયમનો ભંગ થયો છે એવું જોવા મળે કે તરત સાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે. આમાં નોટિસ પણ નથી અપાતી કે ભૂલ સુધારવાની તક પણ નથી અપાતી.