દિલ્હી હાઇકોર્ટે સંજયકપૂરની સંપત્તિઓને કેસનો નિકાલ ન આવે ત્યાં સુધી જાળવી રાખવા જણાવ્યું

કરિશ્માકપૂરના સંતાનોની તરફેણમાં હાઇકોર્ટે વચગાળાની રાહત આપી
સંજયકપૂરના વિદેશી બેન્ક ખાતાઓમાંથી થતી લેવડદેવડને પણ તત્કાળ અટકાવી દઇ એકાઉન્ટ સ્ટેટમેન્ટ નોંધાવવાનો કોર્ટનો આદેશ
બોલિવૂડની હિરોઇન કરિશ્માકપૂરના સંતાનો દ્વારા કરવામાં આવેલી અરજીને સ્વીકારી કરિશ્માકપૂરના સદગત પતિ સંજયકપૂરની ૩૦ હજાર કરોડ રૃપિયાની સંપત્તિના વિવાદમાં દિલ્હી હાઇકોર્ટે આદેશ આપ્યો હતો કે કરિશ્માકપૂરના સંતાનો દ્વારા નોંધાવવામાં આવેલાં વસિયતની ખરાઇ વિશેના મુકદ્દમાનો નિકાલ ન આવે ત્યાં સુધી તેમની સંપત્તિઓને સુરક્ષિત રાખવામાં આવે.કરિશ્માકપૂરના સંતાનોએ સંજયકપૂરના વસિયતનામાની પ્રમાણિકતાને કોર્ટમાં પડકારી હતી. અદાલતના આ આદેશને પગલે કરિશ્માકપૂરના સંતાનોને વચગાળાની રાહત મળી છે.
અદાલતે જણાવ્યું હતું કે આ વસિયતની અસલિયત એ ખટલાનો મામલો છે. જેના કારણે વસિયત કરનારની સંપત્તિને સુરક્ષિત રાખવી જરૃરી છે. જસ્ટિસ જ્યોતિસિંહના વડપણ તળેની બેન્ચે સંજય કપૂરની બીજી પત્ની પ્રિયા કપૂર પર ભારતીય કંપનીઓના શેર્સ વેચવા, ટ્રાન્સફર કરવા, ગિરવી મુકવા કે બદલવા પર પ્રતિબંધ મુકી દીધો છે. અદાલતે પ્રિયા કપૂરને ખાનગી સામાન,કળાકૃત્તિઓ વગેરેને પણ વેચતા અટકાવી દીધી છે.
દિલ્હી હાઇકોર્ટે આ કેસમાં વચગાળાની રાહત માંગતી કરિશ્માકપૂરના સંતાનોની અરજીને મંજૂર કરી જણાવ્યું હતું કે સંજય કપૂરની સંપત્તિ પર હાલ કોઇ થર્ડ પાર્ટી રાઇટ ઉભો ન કરી શકાય. બીજા શબ્દોમાં કહીએ તો કેસનો નિકાલ ન આવે ત્યાં સુધી આ સંપત્તિને વેચી કે બીજાના નામે ટ્રાન્સફર કરી શકાશે નહીં. અદાલતે પુરી સંપત્તિને યથાવત જાળવી રાખવાનો આદેશ આપ્યો છે જેથી બાળકોના અધિકારોનું રક્ષણ થઇ શકે.
હાઇકોર્ટે સંજયકપૂરના વિદેશી બેન્ક ખાતાઓમાંથી થતી લેવડદેવડને પણ તત્કાળ અમલમાં આવે એ રીતે અટકાવી દઇ એકાઉન્ટ સ્ટેટમેન્ટ નોંધાવવાનો આદેશ આપ્યો હતો. જેથી નાણાંની લેવડદેવડની પુરી માહિતી મળી રહે. સુનાવણી દરમ્યાન અદાલતે સ્પષ્ટતા કરી હતી કે આ કેસમાં પ્રતિવાદી નંબર વન એટલે કે પ્રિયા કપૂરની જવાબદારી વધી ગઇ છે. જે પણ શંકા અને સવાલ કરવામાં આવ્યા છે તેનું નિરાકરણ કરવાની જવાબદારી પ્રિયા કપૂરની છે. અદાલતના આ આદેશને પગલે કરિશ્માકપૂરના સંતાનોનો પક્ષ મજબૂત બન્યો છે જ્યારે પ્રિયા કપૂરને ફટકો પડયો છે.









