Mumbai

ક્રિકેટર યુસુફ પઠાણના સસરાને કોર્ટે જામીન આપ્યા

By GS Team
6 May 20262 mins read
ક્રિકેટર યુસુફ પઠાણના સસરાને કોર્ટે જામીન આપ્યા

પાણી ઉડવાને લઈને કાર ચાલકની મારપીટનો આરોપ

અસ્પષ્ટ આરોપો, જૈફ વય અને તપાસના તબક્કાને ધ્યાનમાં લઈ રાહત અપાઈ

મુંબઈ -   મઝગાંવ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટે  રોડ રેજ એસોલ્ટ કેસમાં ક્રિકેટર યુસુફ પઠાણના સસરા ખાલિક ખાનની જામીન અરજી નકાર્યા બાદ સેશન્સ કોર્ટે તેમને રાહત આપીને જામીન મંજૂર કર્યા છે. કોર્ટે અસ્પષ્ટ આરોપો, તેમની વય અને તપાસના તબક્કાને ધ્યાનમાં લઈને આદેશ આપ્યો હતો.  

કોર્ટે નોંધ કરી હતી કે ઈજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે અને વધુ કોઈ જપ્તી બાકી નથી. આથી ૧૫ હજારના પર્સનલ બોન્ડ અને શ્યોરિટી પર સશર્ત મુક્તિનો આદેશ આપ્યો હતો. 

 ભાયખલા પોલીસે સોમવારે ખાલિક ખાન (૬૬), તેના પુત્ર ઉમરશાદ અને એક સંબંધી સોહેબ ખાનની ધરપકડ કરી હતી. આ ઘટના શનિવારે રાત્રે બની હતી જ્યારે ફરિયાદી યુસુફ ખાન પોતાની કારમાં ઘરે પરત ફરી રહ્યા હતા. તેમણે કથિત રીતે ખાડામાંથી ગાડી ચલાવી અને શોએબ પઠાણ પર પાણી ઉડયું હતું. યુસુફ ખાને રોકાઈને માફી માંગી, પરંતુ શોએબે ગુસ્સામાં આવીને તેમના પર હુમલો કર્યો અને તેમની કારના કાચને નુકસાન પહોંચાડયું.    

 ત્યારબાદ યુસુફ ખાન ઘરે ગયો અને તેના પરિવારને જાણ કરી, જેમણે પોલીસ ફરિયાદ નોંધાવવાનો આગ્રહ રાખ્યો. બાદમાં, જ્યારે યુસુફ ખાન અને તેનો પરિવાર તેમના મકાનમાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે શોએબ પઠાણ, ખાલિક ખાન અને ઉમરશાદ (એક બિલ્ડર) સાથે મળીને કથિત રીતે ફરીથી તેમનો સામનો કર્યો અને યુસુફ ખાન અને તેના ભાઈ સલમાન પર વાંસની લાકડીઓથી હુમલો કર્યો હોવાનો આરોપ છે.