Mumbai

એઆઈ જનરેટેડ મેરેજ પ્રોફાઈલ દ્વારા છેતરપિંડીના કિસ્સા વધ્યા

By GS Team
19 Jun 20262 mins read
એઆઈ જનરેટેડ મેરેજ પ્રોફાઈલ દ્વારા છેતરપિંડીના કિસ્સા વધ્યા

એઆઈ દ્વારા અસલ જેવો અવાજ જનરેટ કરાય છે

ફ્રોડસ્ટરો પોતાને ડોક્ટર, પ્રોફેશનલ , ઉદ્યોગપતિ તરીકે ઓળખાવી  જાળ પાથરે છે

મુંબઈ  - મુંબઈ સાયબર પોલીસે નાગરિકોને એક નવા પ્રકારની ઓનલાઈન છેતરપિંડી અંગે ચેતવણી આપી છ. આમાં સાયબર ફ્રોડસ્ટરો કૃત્રિમ બુદ્ધિમત્તા (એઆઈ) અને ડીપફેક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ખોટી ઓળખ ઉભી કરે છે અને લગ્નના પ્રસ્તાવના બહાને લોકોને નિશાનો બનાવી રહી છે. આ પ્રકારની છેતરપિંડીમાં ફ્રોડસ્ટરો આકર્ષક પ્રોફાઇલ, નકલી ફોટા અને બનાવટી વ્યક્તિગત વિગતોનો ઉપયોગ કરીને લોકોના વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરે છે અને તેમની સાથે છેતરપિંડી કરે છે.

સાયબર  પોલીસના જણાવ્યા અનુસાર,સાયબર ફ્રોડસ્ટરો પોતાને વિદેશમાં રહેતા વ્યાવસાયિક, સૈનિક અધિકારી, ડોક્ટર અથવા સફળ ઉદ્યોગપતિ તરીકે પોતાને રજૂ કરે છે. તેઓ સોશિયલ મીડિયા, મેટ્રિમોનિયલ વેબસાઇટ્સ અને મેસેજિંગ એપ્સ દ્વારા સંપર્ક સાધે છે અને ટૂંકા સમયમાં જ સામેવાળી વ્યક્તિ સાથે ભાવનાત્મક સંબંધ સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે. ત્યારબાદ તેઓ વીડિયો કોલ દરમિયાન ડીપફેક ટેક્નોલોજી અને એઆઈ આધારિત અવાજનો ઉપયોગ કરીને પોતાની ઓળખને વધુ વિશ્વસનીય બનાવે છે.

વિશ્વાસ કેળવ્યા પછી ફ્રોડસ્ટરો વિવિધ બહાનાં હેઠળ પૈસાની માંગ કરે છે. ક્યારેક તેઓ ભેટ મોકલવાના ખર્ચ, કસ્ટમ ડયૂટી, તાત્કાલિક સારવાર, મુસાફરી ખર્ચ અથવા અન્ય કટોકટીની પરિસ્થિતિ દર્શાવીને નાણાં ટ્રાન્સફર કરાવવાનો પ્રયાસ કરે છે. અનેક કિસ્સાઓમાં યુવક અથવા યુવતીઓને લાંબા સમય સુધી છેતરપિંડીનો ભોગ બન્યાની જાણ પણ થતી નથી.

સાયબર પોલીસે લોકોને અજાણ્યા વ્યક્તિઓના લગ્નપ્રસ્તાવ અંગે સાવચેત રહેવાની  સલાહ આપી છે. કોઈપણ વ્યક્તિની ઓળખ માત્ર ફોટા, વીડિયો કોલ અથવા સોશિયલ મીડિયા પ્રોફાઇલના આધારે સાચી હોવાનું માની લેવું જોખમી બની શકે છે. શંકાસ્પદ સંજોગોમાં સંબંધિત વ્યક્તિની વિગતોની સ્વતંત્ર રીતે ચકાસણી કરવી અને કોઈપણ પ્રકારની નાણાકીય મદદ કરતા પહેલાં પૂરતી તપાસ કરવી જરૃરી છે.