Mumbai

ખરાતે બિલ્ડરને નાગદેવતાના દંશથી મોતનો ભય દેખાડી કરોડો પડાવ્યા

By GS Team
27 Mar 20263 mins read
ખરાતે બિલ્ડરને નાગદેવતાના દંશથી મોતનો ભય દેખાડી કરોડો પડાવ્યા

અશોક ખરાત સામે દસમો ગુનો નોંધાયો

નાગદેવતા કોપાયમાન થશે તેવી બીક બતાવી બિલ્ડરને ખર્ચે અનેક દેશોનો વિદેશ પ્રવાસ ખેડયો, મર્સિડિઝ કાર પણ પડાવી લીધી

મુંબઈ -  નાસિકના બની બેઠેલા 'ગોડમેન' અને ઢોંગી અશોક ખરાત સામે નાસિકના સરકારવાડા પોલીસ મથકમાં દસમો ગુનો નોંધાયો છે. અશોક ખરાત સામે મહિલા શોષણ સંબંધી કુલ આઠ ગુના અને બે અન્ય મળી કુલ દસ ગુનાની નોંધ કરવામાં આવી છે.

પુણેના  એક બિલ્ડરને મોતનો ભય દેખાડી તેના પાસેથી કરોડો રૃપિયાની ખંડણી વસૂલવા પ્રકરણે આ દસમો ગુનો નોંધાયો છે. પુણેના બિલ્ડર રાજેન્દ્ર જાસૂદે અશોક ખરાત સામે આ  ફરિયાદ નોંધાવી છે. 

આ પહેલાં અશોક ખરાતે સામેથી બાવી પોલીસ મથકમાં રાજેન્દ્ર જાસૂદ અને દિેનેશ પરબ સામે બનાવટી વીડિયો દેખાડી પાંચ કરોડ રૃપિયા માગ્યા હોવા બાબતે ગુનો નોંધાયો હતો. જોકે ખરાતના પાસે ઊંધા પડયા હતા અને ખરાત સામે જ પોલીસે ખંડણીનો ગુનો નોંધી તપાસ શરૃ કરી છે.

ખરાતે લોજિસ્ટિકનો બિઝનેસ શરૃ કરવા ફરિયાદી પાસેથી અવતાર પૂજા કરવાના બહાને છેતરપિંડી આચરી ખંડણી વસૂલી હોવાનો આરોપ કરવામાં આવ્યો છે તેવું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.

આ બાબતે જાસૂદે નોંધાવેલી ફરિયાદ મુજબ ખરાતે અવતાર પૂજા કરાવવાના નામે મર્સિડીઝ કાર પડાવી હતી. વર્ષ ૨૦૧૮માં (એમએસ ૧૫ જીએલ ૮૧૮૧) જાસૂદે ખરાતના કહેવાથી મર્સિડીઝ ભેટમાં આપી હતી. આટલેથી ન અટકતા અવતાર પૂજા કરવા પહેલાં ઈચ્છિત ફળ અને શક્તિ મેળવવા ૨૧ દેશનું ભ્રમણ કરવું પડશે. જો એમ નહીં કરે તો નાગદેવતા દંશ મારશે તેવો ભય દર્શાવી ખરાતે પણ વિદેશ પ્રવાસ કરી લીધો હતો.

આ ઉપરાંત ગુરુની સેવાનું કારણ દર્શાવી અમેરિકામાં અમુક તબીબી ઉપચાર માટે જાસૂદ પાસે લગભગ ૩૦ લાખનો ખર્ચ કરાવ્યો હતો. ૨૦૧૮થી ડિસેમ્બર, ૨૦૨૫ દરમિયાન ખરાતે અવારનવાર છેતરપિંજી કરી ૪થી ૫ કરોડ રૃપિયાની છેતરપિંડી કરી હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.

૧ ઓક્ટોબર, ૨૦૧૮ના રોજ ખરાતે રાત્રે ૮ વાગ્યે ફરિયાદી જાસૂદને ઈશાનેશ્વર મંદિરના પાછળના ભાગમાં લઈ જઈ નાગદેવાતા દર્શન આપશે તેવું  દર્શાવી  ખોટો નાગ દેખાડી, ભય ઉભો કરી ખરાતે છેતરપિંડી કરી હોવાનો આરોપ કરવામાં આવ્યો છે.

ખરાતે ફરિયાદી જાસૂદને નાગદેવતાએ દર્શન આપ્યા હોવાથી હવે સારો કાળ અને ચઢતી થવાની છે પણ તે પહેલાં ૨૧ દેશની માટીનૌો સ્પર્શ કરવો પડશે અને તેમ કરવાથી લોજિસ્ટિકના ધંધો ધમધોકાર ચાલશે તેવું જણાવ્યું હતું અને જો આ વિદેશ પ્રવાસમાં ખરાતને નહીં લઈ જવામાં આવે તો નાગદેવતા કોપાયમાન થશે અને નાગદંશથી મોત થશે તેવું જુઠ્ઠાણું ચલાવી મફતમાં વિદેશ યાત્રાઓનો આનંદ મેળવ્યો હતો. ખરાતે પૂજા વિધિના નામે પારકે પૈસે યુગાન્ડા, ઈજિપ્ત, આયર્લેન્ડ, શ્રીલંકા, કમ્બોડિયા, બાંગ્લાદેશ, ગ્રીનલેન્ડ સહિતના વિવિધ દેશોની યાત્રાઓ કરી હતી.

આટલેથી ન અટકતા ખરાતે જાસૂદ પાસે મિરગાવમાં ફાર્મહાઉસ બનાવવા માટે ૧.૧૧ કરોડ, નવા બાંધકામમાં ટર્કીનું ટકાફ લાકડું, લોખંડના ફરિચાર માટે બીજા ૨૯ લાખ પડાવ્યા હતા. આ ઉપરાંત ફાર્મહાઉસમાં કિચન બનાવવા બીજા ૪૨.૫૦ લાખ વસૂલ્યા હતા.

જાસૂદને જ્યારે તેની સાથે છેતરપિંડી થઈ રહી હોવાનું જણાયું ત્યારે તેણે ખરાત પાસેથી તમામ નાણાં પાછા આપવાની માગણી કરી હતી. આ વાતથી ખરાત રોષે ભરાયો હતો અને તેના 'ઉપર સુધીના' કોન્ટેક્ટનો ઉપયોગ કરી સિન્નરના વાવી પોલીસ મથકમાં રાજેન્દ્ર જાસૂદ સામે ખંડણીનો ગુનો નોંધાયો હતો.