શિંદે સેનાના રમેશ મ્હાત્રેના હુમલાથી વ્યથિત બંને તબીબોનાં રાજીનામાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અપમાન, ડર તથા હિણપતને લીધે નોકરી થઈ શકે તેમ નથી
શિંદે સેનાના નેતાના હુમલાથી ડોક્ટરો ભારે માનસિક આઘાતમાં, તેમની સલામતી બાબતે પરિવારજનો પણ ચિંતિત
મુંબઈ - થાણે જિલ્લાની કલ્યાણ ડોમ્બીવલી મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલમાં શિવસેનાના નગરસેવક રમેશ મ્હાત્રે તથા તેમના સાથીઓએ કરેલા હુમલાથી ભારે અપમાન,હિણપત તથા ડરની લાગણી અનુભવતા બે ડોક્ટરોએ રાજીનામાં ધરી દીધાં છે. રાજીનામાં ધરી દેનારામાં એક મહિલા ડોક્ટરનો પણ સમાવેશ થાય છે.
હોસ્પિટલમાં નવજાત શિશુની સારવાર માટે આવેલાં પરિવારને નિયોનેટલ ઈન્ટેન્સિવ કેર યુનિટમાં જગ્યાના અભાવ તથા કેટલીક સવલતો નહીં હોવાથી અન્ય હોસ્પિટલમાં ખસેડવાની સલાહ તબીબોએ આપી હતી. તે બાબતે રોષે ભરાયેલા રમેશ મ્હાત્રેએ ડોક્ટરો તથા નર્સો પર હુમલો કરી તેમને માર માર્યો હતો. પોલીસે શાસક પક્ષના નેતાને છાવરી શરુઆતમાં ફરિયાદ નોંધવા આનાકાની કરી હતી. જોકે, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ ભારે જનાક્રોશ બાદ પોલીસે શરમના માર્યા ફરિયાદ નોંધી હતી અને મ્હાત્રેની ધરપકડ પણ કરી હતી.
કેડીએમસી મેડિકલ હેલ્થ ઓફિસર ડો. દીપા શુક્લાએ જણાવ્યું હતું કે આઉટસોર્સ્ડ એજન્સી દ્વારા નિમણૂક બાદ હોસ્પિટલમાં કામ કરતા ડો. સાલુંખે અને ડો. બાવિસ્કરે ફર્મને રાજીનામા સુપરત કર્યા છે.
તેમણે જણાવ્યું હતું કે બંને ડોકટરોની નિમણૂક આઉટસોસગ એજન્સી દ્વારા કરવામાં આવી હતી. ભલે તેમણે રાજીનામા આપ્યા હોય, પણ તેમણે સીધા તેમની કંટ્રોલિંગ એજન્સીને સુપરત કર્યા હોવા જોઈએ. તેમના સત્તાવાર કાગળો હજુ સુધી અમારા વિભાગ સુધી પહોંચ્યા નથી.
તેમના સાથીદારોના જણાવ્યા મુજબ, આ ઘટના બાદ હુમલો કરાયેલા ડોકટરો માનસિક રીતે બહુ જ હચમચી ગયા છે. તેમના એક સાથીએ કહ્યું કે અમારા માતા-પિતાએ તેમના મહેનતના પૈસા અને પ્રયત્નો ખર્ચીને અમને શિક્ષિત કર્યા જેથી અમે નિયમિત રીતે સામાન્ય અને ગરીબ દર્દીઓની સેવા કરી શકીએ. દર્દીઓની સારવાર કરતી વખતે કોઈ બહારનો વ્યક્તિ હોસ્પિટલના વિભાગમાં ઘૂસીને અમારા પર શારીરિક હુમલો કરે તે આઘાતજનક અને સંપૂર્ણપણે અસહ્ય છે.ડા. બાવિસ્કરના પરિવારના સભ્યોએ કહ્યું કે તેઓ હોસ્પિટલમાં ડોકટરોની સલામતી અંગે ચિંતિત છે.
મ્હાત્રે દાખલ થયા તે હોસ્પિટલમાં પણ ડોક્ટરો દ્વારા તેમના વિરુદ્ધ સૂત્રોચ્ચાર
રમેશ મ્હાત્રે ગઈ રાતે તેમની ધરપકડ પછી થોડીવારમાં જ તબિયત ખરાબ હોવાનું જણાવી થાણેની જિલ્લા હોસ્પિટલના આઈસીયુમાં દાખલ થઈ ગયા હતા. જોકે, આ જ હોસ્પિટલના તબીબોએ પણ મ્હાત્રે દ્વારા ડોંમ્બિવલીની હોસ્પિટલના તબીબો પર કરાયેલા હુમલાનો વિરોધ કરાયો હતો.
ડોક્ટર તરીકે મ્હાત્રેની સારવાર અમારી ફરજ પણ તેમનું કૃત્ય સાંખી નહિ લેવાય
તબીબો તથા અન્ય કર્મચારીઓએ મ્હાત્રેના બહાર જ વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે ડોક્ટરો પર હુમલા બંધ થવા જોઈએ અને આરોગ્ય કર્મચારીઓને સુરક્ષા પૂરી પાડો જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા, અને ભારપૂર્વક જણાવ્યું હતું કે ફ્રન્ટલાઈન મેડિકલ સ્ટાફ પર હુમલો કરનાર જનપ્રતિનિધિને જાહેર પદ સંભાળવાનો કોઈ નૈતિક અધિકાર નથી.
એડિશનલ ડિસ્ટ્રિક્ટ સિવિલ સર્જન અને સિનિયર ઓર્થોપેડિક નિષ્ણાત ડા. ધીરજ એસ. મહંગડેએ ડાક્ટરો પરના હુમલાની સખત નિંદા કરી હતી, પરંતુ કહ્યું હતું કે હોસ્પિટલ (નગરસેવકની સારવાર કરવાની) તેની તબીબી જવાબદારીઓ પૂર્ણ કરશે.તેમણે કહ્યું કે મ્હાત્રેને ફક્ત એક જ કિડની છે અને તેઓ હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે.
તેમણે કહ્યું કે તેમની યોગ્ય સંભાળ રાખવામાં આવી રહી છે અને તેમને ગુરુવાર સાંજ કે શુક્રવાર સવાર સુધીમાં રજા આપવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે શું કોઈ નેતા પર તેમના મતદારો હુમલો કરે તો તે ચલાવી લેવાશે? તમામ ડોક્ટરો તથા પેરામેડિકલ સ્ટાફની સલામતી માટે પગલાં ભરાવાં જોઈએ. આ વિરોધ પ્રદર્શનમાં હોસ્પિટલના વિવિધ વિભાગોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા.









