Mumbai

બીએમસીના અધિકારી દ્વારા મહિલા કર્મચારીની સતામણી

By GS Team
9 May 20261 min read
બીએમસીના અધિકારી દ્વારા મહિલા કર્મચારીની સતામણી

હોદ્દાનો દુરુપયોગ કરી ગેરવર્તન   

હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા અધિકારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ

મુંબઈ     બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના અધિકારી  વિરુદ્ધ આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં એક મહિલા કર્મચારી દ્વારા છેડતી અને ઉત્પીડનના આરોપો પર એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે ફરિયાદીએ બીએમસી હેડક્વાર્ટરની અંદર સત્તાવાર કામ માટે મળતી વખતે અધિકારી દ્વારા ગેરવર્તણૂક કરવાનો આરોપ લગાવ્યો હતો.

પાલિકાએ આ મામલાની આંતરિક તપાસનો આદેશ આપ્યો છે.

    પીડિતા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે આઝાદ મેદાન પોલીસ સ્ટેશને ભારતીય ન્યાય સંહિતાની કલમ ૭૮ અને ૩૫૧(૨) હેઠળ બીએમસી અધિકારી ઇરફાન વિરુદ્ધ કેસ દાખલ કરી વધુ તપાસ શરૃ કરી છે.

   પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આરોપી અધિકારીને નોટિસ જારી કરવામાં આવી છે અને કેસના સંદર્ભમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. ફરિયાદી બીએમસીની કર્મચારી છે.તેણે આરોપ લગાવ્યો છે કે તે સત્તાવાર કામ માટે અધિકારીને મળવા ગઈ હતી.ત્યારે તેણે કથિત રીતે પોતાના પદનો દુરુપયોગ કર્યો હતો અને તેની સાથે અયોગ્ય વર્તન કર્યું હતું. તેણે વધુમાં દાવો કર્યો હતો કે અધિકારી વારંવાર તેનો પીછો કરતો અને હેરાન કરતો હતો.

    દરમિયાન બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્રે પણ આ આરોપોની ગંભીર નોંધ લીધી છે અને આ મામલાની આંતરિક તપાસનો આદેશ આપ્યો છે.