Mumbai

ટેન્કરમાં ભરાતા પાણી પર હવે બીએમસીની સીધી ચાંપતી નજર

By GS Team
20 Sep 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં પાણીની ચોરી રોકવા BMCએ મહત્વનો નિર્ણય લીધો છે. શહેરમાં 31 ટેન્કર ફિલિંગ સેન્ટર પર 11 કરોડના ખર્ચે IoT આધારિત અલ્ટ્રાસોનિક વોટર મીટર લગાવવામાં આવશે. આ નવા મીટર દ્વારા દર 15 મિનિટે પાણીના પ્રવાહ અને જથ્થાની માહિતી એક્વા સર્વર પર પહોંચશે. આનાથી ટેન્કર દ્વારા થતા પાણીના વિતરણ પર ચાંપતી નજર રાખી શકાશે અને ગેરવહીવટ અટકશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટેન્કરમાં ભરાતા પાણી પર હવે બીએમસીની સીધી ચાંપતી નજર

રૃ. ૧૧ કરોડના ખર્ચે પાણીની ચોરી પર લગામ

૩૧ ટેન્કર ફિલિંગ સેન્ટર પર આઈઓટી અલ્ટ્રાસોનિક વોટર મીટર લાગશે

મુંબઈ  -  મુંબઈમાં ટેન્કર મારફતે થતા પાણી પુરવઠામાં હવે મુંબઈ મહાનગરપાલિકાની ચાપતી નજર રહેશે.ટેન્કર ફિલિંગ સેન્ટર પરથી કેટલું પાણી ભરાયું અને કેટલા ટેન્કર મારફતે કેટલું પાણી બહાર ગયું તેની ચોક્કસ માહિતી મેળવવા માટે બીએમસી શહેર, પશ્ચિમ અને પૂર્વ ઉપનગરોના ૩૧ ટન્કર ફિલિંગ સેન્ટર પર આઈઓટી આધારિત અલ્ટ્રાસોનિક વોટર મીટર લગાવશે. આ માટે અંદાજે રૃ. ૧૧ કરોડનો ખર્ચ કરવામાં આવશે.

       અત્યાર સુધી ટેન્કર ફિલિંગ સેન્ટરો પર વર્ષે ૨૦૧૯માં લગાવવામાં આવેલા ૮૦ અને ૧૦૦ મિમી કદના કુલ ૬૪ મિકેનિકલ વોટર મીટર દ્વારા પાણીનું માપન કરવામાં આવતું હતું. જોકે, આ મીટરમાંથી પાણીના વપરાશની દૈનિક માહિતી સીધી બીએમસીના એક્વા સર્વર સુધી પહોંચતી નહોતી. પરિણામે ટેન્કર મારફતે કેટલું પાણી વિતરણ થયું તેની એકત્રિત અને તાત્કાલિક માહિતી મેળવવામાં મુશ્કેલી પડતી હતી.

    ખાસ કરીને ફેબુ્રઆરીથી મે ૨૦૨૬ દરમિયાન પાણીની અછતને કારણે ટેન્કર પર નિર્ભરતા વધતાં આ વ્યવસ્થાની ખામી વધુ સ્પષ્ટ બની હતી. હવે નવા મીટર દ્વારા દર ૧૫ મિનિટે પાણીના પ્રવાહ અને જથ્થાની માહિતી એક્વા સર્વર પર પહોંચશે. જેના કારણે પાણીના બેફામ વપરાશ, ગેરવહીવટ કે ચોરી પર નજર રાખવાનું સરળ બનશે.

 ટેન્કર ફિલિંગ સેન્ટર પર ભારે ધસારો હોય ત્યારે માત્ર ૧૦ મિનિટમાં આશરે ૧૦ હજાર લિટર, જ્યારે એક કલાકમાં લગભગ ૬૦ હજાર લિટર પાણીનો પ્રવાહ રહે છે. આવા ઊંચા દબાણ અને પ્રવાહમાં જૂના મિકેનિકલ મીટરની ચોકસાઈ ઘટવાની શક્યતા રહે છે. તેની સરખામણીમાં અલ્ટ્રાસોનિક મીટરમાં મિકેનિકલ ભાગો ન હોવાથી ઊંચા પ્રવાહમાં પણ વધુ ચોક્કસ માપણી શક્ય બનશે.

 બીએમસીના જણાવ્યા મુજબ, ભવિષ્યમાં ટેન્કર મારફતે થતા પાણી પુરવઠાની સમગ્ર માહિતી એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે અને તેના આધારે નાગરિકો માટે ટેન્કર એપ્લિકેશન પણ વિકસાવી શકાય છે.