૨૬/૧૧ બાદ બેરિકેડ્સ પેટે બીએમસી દ્વારા તાજ હોટલ પાસે ૨૨ કરોડની ઉઘરાણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અગાઉ ૧૦ કરોડનાં કન્સેશનનો પ્રસ્તાવ રદ કરાયો હતો
ફૂટપાથ પર બેરિકેડ્સ માટે ફી ચૂકવવી પડે, ૧૮ વર્ષમાં રકમ વધતાં વધતાં ૨૨ કરોડ પર પહોંચી ગઈ
મુંબઇ - મુંબઇ પર થયેલા ૨૬/૧૧ના સૌથી ખોફનાક ટેરરિસ્ટ એટેક વખતે આતંકવાદી હુમલાનો ભોગ બનેલી તાજપેલેસ હોટેલ બહાર સુરક્ષા માટે બીએમસી દ્વારા બેરીકેડ્સ ગોઠવવામાં આવ્યાં હતાં. હવે બીએમસીએ આ સુરક્ષા વ્યવસ્થા પેટે તાજ હોટલ પાસેથી પાસે ૨૨ કરોડ રૃપિયાની જંગી રકમની માગણી કરતી નોટિસ આપી છે.
૨૦૦૮ની સાલમાં આતંકવાદી હુમલો થયા પછી હોટેલની સુરક્ષા માટે બીએમસી તરફથી બેરિકેડ્સ ગોઠવવામાં આવ્યા હતા અને થાંભલા (બોલાર્ડ્સ) સાથે દોરડા બાંધીને સુરક્ષા વાડ ઉભી કરવામાં આવી હતી. હોટેલની આસપાસના રસ્તા અને ફૂટપાથો ઉપર કરવામાં આવેલી આ સુરક્ષા વ્યવસ્થાના ખર્ચ માટે હુમલાનો ઘટનાને વર્ષો વિત્યા પછી બીએમસીએ તકાદો કર્યો છે. જ્યારે હોટેલ મેનેજમેન્ટે સુરક્ષાનું કારણ આપી આ રકમ જતી કરવા બીએમસીને જણાવ્યું હતું.
આતંકવાદી હુમલા પછી આ વૈભવશાળી હોટેલની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. કોઇ વ્યક્તિ કે વાહન સીધેસીધા હોટેલ સુધી પહોંચી ન શકે માટે બેરિકેડ્સ ગોઠવીને સુરક્ષાની અભેધ વાડ ઉભી કરવામાં આવી હતી.
બીએમસીના અધિકારીઓએ જણાવ્યું હતું કે જાહેર રસ્તા પર અને ફૂટપાથો પર બેરિકેડ્સ ઉભા કરવા માટે પાલિકાના નિયમ મુજબ ફી ચૂકવવી જ પડે છે. હવે ટેરરિસ્ટ હુમલાની ઘટનાને ૧૮ વર્ષ વિત્યા હોવાથી આ રકમ વધતાં વધતાં ૨૨ કરોડ ઉપર પહોંચી ગઇ છે. હોટેલ મેનેજમેન્ટ તરફથી થોડી રકમ ચૂકવવામાં આવી છે. પણ મોટા ભાગની રકમ હજી ચૂકવી નથી. એટલે નોટિસ આપવામાં આવી છે.
હોટેલના મેનેજમેન્ટે એવી દલીલ કરી છે કે સલામતીની વાડ ઉભી કરવા માટે દોરડા બાંધવા માટેના થાંભલા (બોલાર્ડ્સ) ઉભા કરવામાં આવ્યા હતા. સુરક્ષાના કારણસર આ વ્યવસ્થા કરવામાં આવી હતી. એટલે તાજપેલેસ હોટેલે ખર્ચની રકમમાં કન્સેશન આપવાની બીએમસી સમક્ષ માગણી કરી છે.
મહાપાલિકાના 'એ' વોર્ડના એક સિનિયર ઓફિસરે જણાવ્યું હતું કે ૨૨ કરોડની રકમ વસૂલ કરવા બાબત અત્યારે હોટેલ મેનેજમેન્ટ સાથે વાટાઘાટો ચાલી રહી છે. આવતા અઠવાડિયે અંતિમ નિર્ણય લેવામાં આવશે.
આમ તો તાજપેલેસ પાસેથી ૨૨ કરોડની રકમની વસૂલાત માંડી વાળવા માટે ૨૦૨૦ની સાલથી ચર્ચા ચાલી રહી છે, પણ આ મામલાનો કોઇ નિવેડો નથી આવ્યો.
૨૦૨૦માં શિવસેના (યુબીટી)ના અધ્યક્ષસ્થાન હેટલની સ્થાયી સમિતિએ તાજપેલેસ હોટેલને ૧૦ કરોડ રૃપિયાનું કન્સેશન આપવાનું મંજૂર કર્યું હતું. જોકે ગયા વર્ષે બીએમસીના વહિવટ માટે રાજ્ય સરકારે એડમિનીસ્ટ્રેટરની નિમણૂંક કર્યા બાદ ૧૦ કરોડના કન્સેશનનો પ્રસ્તાવ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.









