મની લોન્ડરિંગ કેસમાં આર્મસ્ટ્રોંગ એક્સ.ના સ્થાપકને ત્રણ દિવસની કસ્ટડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઓનલાઈન ગેમિંગ, સટ્ટાબાજી પ્લેટફોર્મ અને સંબંધિત સાયબર છેતરપિંડી
અગાઉ મુંબઈ, પુણે, બેંગલુરુ, હૈદરાબાદ ઉપરાંત ગુજરાતના સુરત અને મહેસાણામાં અનેક સ્થળોએ દરોડા પડયા હતા
મુંબઈ - એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ આર્મસ્ટ્રોંગ એક્સચેન્જ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક સાગર દાશની ઓલ પેનલ એક્સચેન્જ દ્વારા ચલાવવામાં આવતા ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજીના સંચાલન સાથે જોડાયેલા બોગસ ખાતાઓ અને શેલ એન્ટિટીઓના નેટવર્ક દ્વારા સેંકડો કરોડ રૃપિયાની છેતરપિંડી કરવાના આરોપમાં ધરપકડ કર્યા બાદ કોર્ટે તેને ત્રણ દિવસની ઈડી કસ્ટડી આપી હતી. એજન્સીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી. તપાસમાં અનેક સાયબર છેતરપિંડીના કેસ સામેલ છે.
આ ધરપકડ ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાબાજી પ્લેટફોર્મ અને સંબંધિત સાયબર છેતરપિંડીના કથિત મની લોન્ડરિંગની ચાલી રહેલી તપાસનો એક ભાગ છે. ઇડીએ અનેક ફરિયાદીઓ સાથે કરોડો રૃપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાના કેસોના સંદર્ભમાં નોંધાયેલી ત્રણ એફઆઈઆરના આધારે તેની તપાસ શરૃ કરી હતી.
ઈડીની તપાસ મુજબ ગેરકાયદેસર ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાબાજીના ઓપરેશન્સ દ્વારા મેળવેલ રકમ હૈદરાબાદમાં કોઓપરેટિવ બેંકના બોગસ બેંક ખાતાઓથી અનેક શેલ એન્ટિટીઝમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.
મની ટ્રેલના વધુ વિશ્લેેષણમાં જાણવા મળ્યું છે કે આ એન્ટિટીઝમાંથી નોંધપાત્ર રકમ પાછળથી બેંગલુરુમાં કોઓપરેટિવ સોસાયટીના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. જે સાગર દ્વારા સ્થાપિત કંપની આર્મસ્ટ્રોંગ એક્સચેન્જ પ્રાઇવેટ લિમિટેડ વતી જાળવવામાં આવે છે.
એજન્સીનો આરોપ છે કે સાગરે કથિત રીતે ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના કેવાયસી વિગતો અને બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને ક્રિપ્ટોકરન્સી ખાતું ખોલાવ્યું અને ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી અને ગેમિંગ કામગીરી દ્વારા બનાવેલા સેંકડો કરોડ રૃપિયા ટ્રાન્સફર કર્યા હતા.ઈડી હવે સાગરની ભૂમિકા અને નાણાકીય નેટવર્ક સાથે જોડાયેલા અન્ય વ્યક્તિઓ સાથેના તેના કથિત સંબંધોની તપાસ કરી રહી છે.
એક અઠવાડિયા પહેલા ઈડી એ ગુજરાતના મુંબઈ, પુણે, બેંગલુરુ, હૈદરાબાદ, સુરત અને મહેસાણામાં અનેક સ્થળોએ દરોડા પાડયા હતા. દરોડામાં ગુનાહિત દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા અને અનેક બેંક ખાતાઓમાં રહેલા આશરે નવ કરોડ રૃપિયા ફ્રીઝ કરવામાં આવ્યા હતા. તપાસના સંદર્ભમાં એજન્સીએ એડસોમ ફિનટેક પ્રાઇવેટ લિમિટેડના સીઈઓ રામ યુ રામધાનીની પણ ધરપકડ કરી હતી.




