મ્હાત્રે દ્વારા ડોક્ટરો પર હુમલાના વિરોધમાં ૨૦મીએ રાજ્યભરમાં તમામ ઓપીડી બંધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સોમવારથી ૨૪ કલાક સુધી રાજ્યભરમાં હડતાલ
સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઈમરજન્સી સિવાયની સેવાઓ બંધ, એલોપથી ઉપરાંત આયુર્વેદ, હોમિયોપેથી તબીબોની પણ હડતાલ
મુંબઇ - ડોમ્બિવલીમાં શિવસેનાના કોર્પોરેટર રમેશ મ્હાત્રે દ્વારા પાલિકા હોસ્પિટલોના ડોક્ટરો પર થયેલા હુમલાના વિરોધમાં આગામી સોમવાર, ૨૦મી જુલાઇએ ૨૪ કલાક માટે મહારાષ્ટ્રમાં ડોક્ટરોની સેવાઓ બંધ રાખવાનું એલાન ધ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને શુક્રવારે જાહેર કર્યું હતું. ૨૦મી જુલાઇથી ૨૧મી જુલાઇ ૨૦૨૬ સુધી તમામ નિયમિત સ્વાસ્થ્ય સેવાઓ (ઓપીડી- આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ) બંધ રહેશે તેવું મહારાષ્ટ્રના આઇએમએએ જાહેર કર્યું છે.
ડોમ્બિવલીની શાસ્ત્રીનગર હોસ્પિટલોમાં ડોક્ટરો પર છઠ્ઠી જુલાઇએ મ્હાત્રે તથા તેમના કાર્યકરો દ્વારા હુમલો થયો હતો તેના વિરોધમાં આઇએમએએ હડતાલનું એલાન આપ્યું છે. સોમવારે સવારે છ વાગ્યાથી મંગળવારે સવારના છ વાગ્યા સુધી તમામ હેલ્થકેર સર્વિસિસ (ઇમર્જન્સી સિવાય), બંધ રહેશે. એલોપેથી, આર્યુવેદ, હોમિયોપેથીના ડોક્ટરોએ અને નર્સિંગ એસોસિયેશનોએ પેરામેડિકલ સ્ટાફ દ્વારા વિરોધ આંદોલનને સમર્થન અપાયું છે.
ડોક્ટરો પરના હુમલાના આરોપીઓ સામે કડક પગલાં ભરવામાં ન આવે તો એસોસિયેશન અચોક્કસ મુદતનું આંદોલન શરૃ કરશે તેવું આઇએમએ (મહારાષ્ટ્ર)ના પ્રમુખે કહ્યું હતું. તેમણે કહ્યું કે આઇએમએમાં ૫૦,૦૦૦ સભ્યો છે અને આ ઘટનાએ તેમને ખૂબ જ આઘાત આપ્યો છે. ફરજ બજાવી રહેલા ડોક્ટરો સામે હિંસા ન કેવળ વ્યક્તિ પર હુમલો છે પણ સમગ્ર હેલ્થકેર સિસ્ટમ પર હુમલો છે.
આઇએમએના સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વિરોધ આંદોલન દર્દીઓ સામે નથી પણ હેલ્થકેર સર્વિસિસને હિંસાથી મુક્ત કરાવવા માટે, પીડિતોને ન્યાય અપાવવા માટે અને તબીબી સારવાર આપી રહેલા તમામ પ્રોફેસન્લસ માટે સુરક્ષિત, ગૌરવપૂર્ણ અને ડર રહિત વાતાવરણ સર્જવા માટે છે.હેલ્થકેર ક્ષેત્રના કર્મચારીઓ જો સુરક્ષિત હોય તો દર્દીને સુરક્ષિત હેલ્થકેર મળી શકે છે આથી આંદોલન કોઇ વ્યક્તિ માટે નહીં પણ ન્યાય, સુરક્ષા અને ક્વોલિટી હેલ્થકેર સિસ્ટમ માટે છે.
સોમવાર સવારથી મંગળવાર સવાર સુધી ઓપીડી બંધ રહેશે, તે દિવસે નક્કી થયેલી સર્જરી નહીં થશે અને સામાન્ય તકલીફો માટેની સારવાર મળી શકશે નહીં. જો કે ઇમર્જન્સી, આઇસીયુ, પ્રસૂતિ સેવાઓ અને અન્ય જીવનરક્ષક સારવાર ચાલુ રહેશે.
આ કેસના ચાર આરોપીઓ જ્યુડિસિયલ કસ્ટડીમાં છે જ્યારે શિવસેનાના નગરસેવક રમેશ મ્હાત્રેને તાજેતરમાં જામીન મળ્યા હતા. મ્હાત્રે બે દિવસ પોલીસ કસ્ટડીમાં રહ્યા હતા.









