Mumbai

મહારાષ્ટ્રની બધી બોયઝ સ્કૂલ- ગર્લ્સ સ્કૂલ મર્જ કરવામાં આવશે

By GS TEAM
9 Oct 20252 mins read
મહારાષ્ટ્રની બધી બોયઝ સ્કૂલ- ગર્લ્સ સ્કૂલ મર્જ કરવામાં આવશે

હાઈકોર્ટના આદેશને પગલે નિર્ણય 

જેેન્ડર આધારિત અસમાનતા દૂર કરવા નિર્ણય  ઃ હવે  પછી કોઈ અલાયદી  ગર્લ્સ સ્કૂલને મંજૂરી નહિ અપાય 

મુંબઇ -  મહારાષ્ટ્ર સરકારે બોમ્બે હાઇકોર્ટના આદેશને પગલે એક જ પરિસરમાં ચાલતી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ માટેની અલાયદી સ્કૂલો એકમેકમાં વિલીન કરીને સહશિક્ષણ (કો-એજ્યુકેશન) સંસ્થામાં ફેરવવાનો નિર્ણય લીધો છે.

શાળાના  શિક્ષણના ક્ષેત્રે જાતિભેદની ભાવના નિવારવા, એકાત્મતા વધારવા અને શાળેય શિક્ષણમાં સંતુલીત રીતે સહભાગ માટે મહારાષ્ટ્રમાં એક જ પરિસરમાં આવેેલી ગર્લ્સ- સ્કૂલ અને બોયઝ- સ્કૂલ એકમેકમાં વિલીન કરવાનો સરકારે નિર્ણય લીધો છે.

બોમ્બે હાઇકોર્ટે એવો નિર્દેશ કર્યો હતો હવેથી ગર્લ્સ સ્કૂલ માટેની પરવાનગી ન આપવી જોઇએ. આ નિર્દેશને પગલે મહારાષ્ટ્રના શાળેય શિક્ષણ અને ખેલકૂદ વિભાગે તેના અગાઉના ૨૦૦૩થી ૨૦૦૮ના પ્રસ્તાવમાં સુધારો કર્યો હતો. આમ સ્કૂલોમાં જાતિ આધારિત અલગ પાડવાની પ્રણાલીને અંત લાવવા તેમ જ સમાનતાના વાતાવરણમાં  વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ શિક્ષણ મેળવી શકે એ આશયથી સહશિક્ષણનો નિર્ણય લેવામાં આવ્યો છે. શાળેય શિક્ષણના સ્તરથી જ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ મોકળાશભર્યા વાતાવરણમાં ભણીને પોતાની પ્રતિભા વિકસાવી શકશે. સરકારનું સ્પષ્ટપણે માનવું છે કે કો-એજ્યુકેશન સમાનતા એકમેક પ્રત્યે આદર તેમજ વિદ્યાર્થી અને વિદ્યાર્થિની વચ્ચેની ભેદરેખા મિટાવવામાં  મહત્વનો ભાગ  ભજવશે.

સહ- શિક્ષણના આદેશના અમલની સત્તા એજ્યુકેશન કમિશનરને આપવામાં આવી છે. એક જ પરિસરમાં આવેલી ગર્લ્સ સ્કૂલ અને બોયઝ સ્કૂલને એકમેકમાં વિલીન કરવાની પ્રક્રિયા તાત્કાલિક શરૃ કરવ ામાં આવી છે કે નહીં તેનું કમિશનર ધ્યાન રાખશે. ઉપરાંત અત્યારે  ગર્લ્સ- બોયઝ સ્કૂલ જુદી જુદી ચલાવતી હોઇ શિક્ષણ સંસ્થા સહશિક્ષણ અપનાવવાનો પ્રસ્તાવ રજૂ કરશે તો તેને મંજૂરી આપવાની સત્તા પણ કમિશનરના હાથમાં હશે.