Mumbai

અબ કી બાર ૧૦૦ કે પાર, અનેક શાકના ભાવે સેન્ચૂરી વટાવી

By GS Team
7 Oct 20262 mins read
TukuTouch Logo
મુંબઈની વાશી APMC માર્કેટમાં શાકભાજીની આવક 25-30% ઘટતા ભાવ આસમાને પહોંચ્યા છે. મહારાષ્ટ્રમાં દુષ્કાળ જેવી સ્થિતિ અને વરસાદની અછતને કારણે શાકભાજીનું ઉત્પાદન ઘટ્યું છે. તુરીયા, કારેલાં, ફ્લાવર 100 રૂપિયા પાર, લીંબુ 12 રૂપિયા નંગ અને વટાણા 200 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. પિતૃપક્ષમાં વધતી માંગને કારણે ગ્રાહકોનું બજેટ ખોરવાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અબ કી બાર ૧૦૦ કે પાર, અનેક શાકના ભાવે સેન્ચૂરી વટાવી

દુકાળને પગલે શાકો મોંઘાદાટ બન્યાં

તુરીયા, કારેલા,ં ફલાવર બધું ૧૦૦ને પાર,  લીંંબુ એક નંગના ૧૨ રુપિયા, વટાણા ૨૦૦ રુપિયે કિલો

મુંબઈ - નવી મુંબઈની વાશી કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસી) માર્કેટમાં શાકભાજીની આવક ઘટતાં ભાવમાં મોટો વધારો થયો છે. મહારાષ્ટ્રમાં દુષ્કાળ સમી સ્થિતિ તેમજ વરસાદની અછતની અસર શાકભાજીના ઉત્પાદન પર પડી છે, જેના કારણે બજારમાં પુરવઠાને અસર થઈ છે. ખેતરમાંથી બજારમાં આવતી શાકભાજીનું પ્રમાણ ઘટતાં જથ્થાબંધ તેમજ છૂટક બજારમાં ભાવ વધ્યા છે. પરિણામે સામાન્ય ગ્રાહકોના ઘરખર્ચનું બજેટ ખોરવાયું છે.

પિતૃપક્ષ  દરમિયાન શાકભાજીની માંગ વધી છે, ત્યારે બજારમાં તેની આવકમાં આશરે ૨૫થી ૩૦ ટકાનો ઘટાડો થયો છે. પરિણામે કોથમીર, ગુવાર, મેથી, ભીંડા સહિત વિવિધ શાકભાજીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ઓછી આવક અને વધતી માંગને કારણે કેટલીક શાકભાજીના છૂટક ભાવ પ્રતિ કિલો ૧૦૦ રૃપિયાથી પણ વધુ થઈ ગયા છે. તહેવારોના સમયમાં શાકભાજીના વધેલા ભાવનો આર્થિક બોજ ગ્રાહકોને સહન કરવો પડી રહ્યો છે.

એપીએમસી માર્કેટમાં અગાઉ દરરોજ આશરે ૬૦૦થી ૭૦૦ વાહનો મારફતે શાકભાજીની આવક થતી હતી. જોકે, દુષ્કાળજન્ય પરિસ્થિતિને કારણે આ આવકમાં ઘટાડો થયો છે. હાલ રીંગણ ૮૦ રૃપિયા, તુરીયા ૧૦૦ રૃપિયા, કારેલા ૧૦૦ રૃપિયા, કોબી ૬૦ રૃપિયા,  ફલાવર ૧૦૦ રૃપિયા, ગાજર ૮૦ રૃપિયા, કાકડી ૭૦ રૃપિયા અને વટાણા ૨૦૦ રૃપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. ટામેટાં ૫૦ રૃપિયા અને ડુંગળી ૭૦ રૃપિયા પ્રતિ કિલો, જ્યારે લીંબુનો ભાવ ૧૨ રૃપિયા નંગ સુધી પહોંચી ગયો છે. કોથમીર, મેથી અને પાલકની જુડીના ભાવ પણ ૫૦ રૃપિયા સુધી પહોંચી ગયા છે.