Mumbai

મહારાષ્ટ્રમાં એક વાઘ ૪૦૦ કિમીનો પ્રવાસ કરી ધારાશિવ પહોંચ્યો

By GS Team
2 Sep 20262 mins read
TukuTouch Logo
મુંબઈ: મહારાષ્ટ્રના યવતમાળથી એક વાઘ 400 કિલોમીટરથી વધુ પ્રવાસ કરીને ધારાશિવ જિલ્લામાં પહોંચ્યો છે. બીડ જિલ્લામાં કેમેરા ટ્રેપમાં તેની હાજરી નોંધાઈ હતી. વન્યજીવ નિષ્ણાતો અનુસાર, વાઘનું આટલું લાંબુ સ્થળાંતર રાજ્યની પર્યાવરણીય સ્થિતિ અને જૈવવિવિધતા માટે સકારાત્મક સંકેત છે. પૂરતો શિકાર-પાણી મળતાં વન્યજીવ કોરિડોર સક્રિય હોવાનું પુરવાર થયું.

Summarized by AI; it may make mistakes. Check important info

મહારાષ્ટ્રમાં એક વાઘ ૪૦૦ કિમીનો પ્રવાસ કરી ધારાશિવ પહોંચ્યો

બાયોડાયવર્સિટી, પર્યાવરણ માટે પોઝિટિવ સંકેત

મુંબઈ - મહારાષ્ટ્રના યવતમાળ સ્થિત તિપેશ્વર વન્યજીવ અભયારણ્યનો એક વાઘ ૪૦૦ કિલોમીટરથી વધુનો પ્રવાસ કરીને હવે ધારાશિવ જિલ્લામાં પહોંચ્યો છે. તાજેતરમાં બીડ જિલ્લાના ડુંગરાળ વિસ્તારમાં લગાવવામાં આવેલા કેમેરા ટ્રેપમાં આ વાઘની હાજરી નોંધાઈ હતી. વન્યજીવ નિષ્ણાતો અનુસાર, વિદર્ભથી મરાઠવાડાના ડુંગરાળ વિસ્તારો સુધી વાઘનું આટલું લાંબું સ્થળાંતર રાજ્યની પર્યાવરણીય સ્થિતિ અને જૈવવિવિધતા માટે સકારાત્મક સંકેત છે.

પૂરતો શિકાર-પાણી મળતાં વન્યજીવ કોરિડોર સક્રિય હોવાની સાબિતી, પાંચ જિલ્લામાં થયું ભ્રમણ

છેલ્લા બે વર્ષથી આ વાઘ કાયમી નિવાસસ્થાનની શોધમાં બીડ, લાતુર, ધારાશિવ, સોલાપુર અને અહિલ્યાનગર એમ પાંચ જિલ્લાઓમાં ફરી રહ્યો છે. બીડના આષ્ટી વિસ્તારમાં ૧૦ ડિસેમ્બર ૨૦૨૫ અને ૨૭ જુલાઈ ૨૦૨૬ના રોજ તેની હાજરી નોંધાઈ હતી. ૧૩ ઓગસ્ટે બ્રહ્મગાંવમાં પશુનો શિકાર કર્યા બાદ વન વિભાગે કેમેરા ટ્રેપ લગાવ્યા હતા, જેમાં ૨૦ ઓગસ્ટે વાઘની હિલચાલ કેદ થઈ હતી. ત્યારબાદ લગભગ ૧૦ દિવસ સુધી તેની કોઈ હિલચાલ નોંધાઈ નહોતી, પરંતુ ૨૯ ઓગસ્ટે ધારાશિવ જિલ્લાના વાશી તાલુકાના યેસવંડી નજીક ફરી તેની હાજરી નોંધાઈ હતી.

વન અધિકારીઓના જણાવ્યા મુજબ, વાઘનું આ વિસ્તારમાં લાંબા સમય સુધી રહેવું એ પૂરતો શિકાર અને પાણીની ઉપલબ્ધતા દર્શાવે છે. તેની સતત હિલચાલથી તિપેશ્વરથી ધારાશિવના યેડશી-રામલિંગ ઘાટ અભયારણ્યને જોડતો કુદરતી વન્યજીવ કોરિડોર સક્રિય અને કાર્યરત હોવાનો પણ પુરાવો મળે છે. યેડશી વિસ્તાર હવે વાઘના વિશાળ નિવાસી વિસ્તારનું મુખ્ય કેન્દ્ર બન્યો હોવાનું જણાવાયું છે. હાલમાં વાઘ ભૂમ અને ધારાશિવની સરહદ નજીકના તેરખેડા-યેસવંડી વિસ્તારમાં ફરી રહ્યો છે અને આગળ નળદુર્ગ તથા યેડશી તરફ જવાની શક્યતા હોવાનું આષ્ટીના વન અધિકારી અમોલ મુંડેએ જણાવ્યું છે.