કેનેડા રહેતાં દંપતીએ કોર્ટમાં વિડીયો કોન્ફરન્સથી હાજર થઈ છૂટાછેડા લીધા

વર્ચ્યુઅલી કોર્ટ સમક્ષ હાજર થઈ દંપતીએ છૂટાછેડા માટે મક્કમ હોવાનું જણાવ્યું
મીરા રોડમાં ૨૦૨૨માં લગ્ન થયાં હતાં. જોકે, મતભેદોને પગલે દોઢ વર્ષ બાદ અલગ અલગ રહેવા લાગ્યાં હતાં
મુંબઈ - થાણે ની એક કોર્ટે કેનેડા રહેતાં દંપતીના છૂટાછેડા વિડીયો કોન્ફરન્સ હાથ ધરીને મંજૂર કર્યા હતા. દંપતીએ પરસ્પર સંમતિથી છૂટાછેડા મેળવ્યા હતા.
જિલ્લા ન્યાયાધીશ આર.એસ. ભાકરેએ સોમવારે આપેલા આદેશમાં જણાવ્યું હતું કે પક્ષકારોએ સ્વેચ્છાએ અરજી દાખલ કરી હતી અને લગ્ન રદ કરવાનું ન્યાયી અને યોગ્ય રહેશે.
પરિણામે, છૂટાછેડાના હુકમનામા દ્વારા લગ્ન રદ કરવામાં આવ્યા અને આ સાથે સાત મહિનાથી વધુ સમય સુધી ચાલેલી કાનૂની પ્રક્રિયાનો અંત આવ્યો હતો. ૩૧ વર્ષીય પૂરુષ તથા ૨૪ વર્ષીય મહિલા બંને હાલ કેનેડાના ઓન્ટારિયોના અલગ અલગ ભાગોમાં રહે છે, તેમના લગ્ન ૯ માર્ચ, ૨૦૨૨ ના રોજ મહારાષ્ટ્રના થાણે શહેરના મીરા રોડ વિસ્તારમાં થયા હતા. મતભેદોને કારણે તેઓ ૧૦ ડિસેમ્બર, ૨૦૨૩ થી અલગ રહેવા લાગ્યા હતા.
છૂટાછેડા માટેની અરજી ૧૮ જૂન, ૨૦૨૫ ના રોજ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ દાખલ કરવામાં આવી હતી. ભારતની બહાર તેમના હાલના નિવાસસ્થાનને ધ્યાનમાં રાખીને કાર્યવાહી પાવર ઓફ એટર્ની દ્વારા શરૃ કરવામાં આવી હતી.
છ મહિનાની ફરજિયાત રાહ જોવાની અવધિ પછી, દંપતી અલગ થવાના તેમના નિર્ણય પર અડગ રહ્યા હતા અને સોમવારે વર્ચ્યુઅલી કોર્ટ સમક્ષ હાજર થઈને છૂટાછેડા માટે તેઓ મકક્મ હોવાનું જણાવ્યું હતું.
સોગંદનામા અને વર્ચ્યુઅલ જુબાની દ્વારા પૂરા પાડવામાં આવેલા પુરાવાઓની સમીક્ષા કર્યા પછી, ન્યાયાધીશ ભાકરેએ તેમને છૂટાછેડા આપ્યા હતા.
અરજદારોએ એકબીજાના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય માટે ભરણપોષણ અંગેના વિવાદો પરસ્પર ઉકેલી લીધા છે. અરજદારો વચ્ચેના તમામ મુદ્દાઓનું સમાધાન થઈ ગયું છે,એમ કોર્ટે જણાવ્યું હતું.









