Mumbai

નાશિકમાં કાર કૂવામાં ખાબકતાં 6 બાળકો સહિત એક જ પરિવારના 9 સભ્યોનાં મોત

By GS Team
5 Apr 20263 mins read
નાશિકમાં કાર કૂવામાં ખાબકતાં 6 બાળકો સહિત એક જ પરિવારના 9 સભ્યોનાં મોત

ખાનગી ટયુશન ક્લાસના સાંસ્કૃતિક કાર્યક્રમમાંથી પાછા ફરતાં 

મુખ્યમંત્રીએ જાહેર વિસ્તારોમાં ખુલ્લા કુવાઓનું સેફ્ટી ઓડિટ કરવાનો આપ્યો આદેશઃ મૃતકોના પરિવારને પાંચ લાખની સહાયતા જાહેર

મુંબઈ -  મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં ખુલ્લા કૂવામાં એક કાર પડી જતાં છ બાળકો સહિત એક જ પરિવારના નવ સભ્યોના મોત થતાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. આ અકસ્માત શુક્રવારે રાત્રે ૧૦  વાગ્યાની આસપાસ દિડોરીના શિવાજી નગર વિસ્તારમાં થયો હતો.

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે  બાળકો સહિત અન્યના મોત પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે તેમણે જાહેર વિસ્તારોમાં ખુલ્લા કુવાઓનું તાત્કાલિક સેફ્ટી ઓડિટ કરવાનો આદેશ આપ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર મૃતકો આ વિસ્તારના એક બેન્ક્વેટ હોલમાં એક કાર્યક્રમમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની કાર રસ્તાની બાજુમાં આવેલા કૂવામાં પડી ગઈ હતી. 

સ્થાનિક પોલીસ અને ઇમરજન્સી સવસના  કર્મચારીઓ બનાવની જાણ થતા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે રેસ્ક્યુ ઓપરેશન હાથધરી  મધ્યરાત્રિની આસપાસ બે ક્રેન અને તરવૈયાઓની મદદથી કાર અને અંદરથી પ્રવાસીઓને બહાર કાઢયા હતા.

અધિકારીએ જણાવ્યું કે મૃતકો  દરગોડે પરિવારના સભ્યો હતા અને  ઇન્દોર ગામમાં રહે છે. બે ભાઈઓ સુનીલ અને અનિલ  સાથે રહેતા હતા.જ્યારે તેમના પિતરાઈ ભાઈઓ નજીકના ખેતરમાં રહેતા હતા.આ પરિવારમાં અંદાજે ૨૦થી વધુ સભ્યો હતા. ખેતી તેમનો મુખ્ય વ્યવસાય હતો.શુક્રવારે એક ખાનગી ટયુશન ક્લાસનો સાંસ્કૃતિક કાર્યક્રમ હોવાથી ઘરમાં બધા ઉત્સાહિત હતા.

નાસિકના શિવાજીનગર વિસ્તારમાં બેન્ક્વેટ હોલમાં આયોજિત કાર્યક્રમમાં ગયા હતા. એમાં  શહેર અને આસપાસના ગામડાઓના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ હાજર રહ્યા હતા.

  કાર્યક્રમ પૂરો થયા બાદ ૧૦ વાગ્યાની આસપાસ દરગોડે પરિવારના બાળકો સહિત  નવ સભ્યો  કારમાં ઘરે પાછા જઈ રહ્યા હતા.તે સમયે રસ્તાની નજીક આવેલા કૂવામાં કાર પડી ગઈ હતી.  

 આ ઘટનાની જાણ થતાં  ફાયર બ્રિગેડ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ અને પોલીસ ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેમણે  બચાવ કામગીરી શરૃ કરી હતી. કૂવો પાણીથી ભરેલો  હતો.જેના કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં અવરોધ આવી રહ્યો હતો. મોડી રાત સુધી બચાવ કામગીરી ચાલુ રહી હતી.

    છેવટે કૂવામાં કારમાંથી  સુનિલ દત્તાત્રેય દરગોડે (૩૪),તેની પત્ની રેશ્મા (૨૯), પુત્રી રાખી ઉર્ફે ગુણવંતી સુનીલ દરગોડે (૧૦), તથા  આશા અનિલ દરગોડે (૩૪), તેની પુત્રી શ્રુષ્ટિ અનિલ દરગોડે (૧૪), માધુરી ઉર્ફે શ્રદ્ધા અનિલ દરગોડે (૧૩),શ્રાવણી અનિલ દરગોડે (૧૧),  પુત્ર શ્રેયશ અનિલ દરગોડે (૧૧), સાત વર્ષીય  ભત્રીજી સમૃદ્ધિ રાજેન્દ્ર દરગોડેને ભારે જહેમત બાદ ભાર કાઢવામાં આવ્યા હતા.તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. 

અધિકારીએ જણાવ્યું હતું કે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે.

રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રી ગિરીશ મહાજને અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે વહીવટીતંત્રને કૂવો બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે અને સરકાર મૃતકોના પરિવારને પાંચ  લાખ રૃપિયાની સહાય આપશે. મહાજને જણાવ્યું હતું કે નાસિક કલેક્ટરને ઘટનાની તપાસ કરવા અને તપાસ અહેવાલ સુપરત કરવા માટે કહેવામાં આવ્યું છે.

જાહેર વિસ્તારોમાં આવેલાકૂવાઓની સમીક્ષા થશે

નાગપુરમાં પત્રકારો સાથે વાત કરતા ફડણવીસે આ અકસ્માતને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પ્રાથમિક માહિતી દર્શાવે છે કે કૂવાની પાળ નીચી હતી.રાજ્ય સરકારે અસરગ્રસ્ત પરિવાર માટે નાણાકીય સહાયની જાહેરાત કરી છે.રસ્તાઓ પર અથવા જાહેર અવરજવરવાળા વિસ્તારોમાં આવેલા તમામ કૂવાઓની સમીક્ષા કરવા સૂચનાઓ જારી કરવામાં આવી છે.

આવા સ્થળોનું ઓડિટ થવું જોઈએ જેથી આ  કૂવાઓ જરૃરી છે કે નહીં અને કયા સલામતીનાં પગલાં અમલમાં મૂકી શકાય તેનો નિર્ણય લેવામાં આવે.કૂવાની ઊંચી રક્ષણાત્મક દિવાલ આ દુર્ઘટનાને અટકાવી શકી હોત.એમ  તેમણે કહ્યું હતું. 

 શનિવારે સવારે મૃતકના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સ્મશાનમાં એક સાથે નવ ચિતાઓ પ્રગટાવતી જોઈને હાજર દરેક વ્યક્તિની આંખો આંસુથી છલકાઈ ગઈ હતી.