Mumbai

મહાબળેશ્વર પાસે એસયુવી 1500 ફૂટ ઊંડે ખાબકતાં 8 મિત્રોનાં મોત

By GS Team
26 May 20264 mins read
મહાબળેશ્વર પાસે એસયુવી 1500 ફૂટ ઊંડે  ખાબકતાં 8 મિત્રોનાં મોત

એક મિત્રનો બર્થ ડે હોવાથી મિત્રો પિકનિક માટે નીકળ્યા હતા

નિયત સમયે પરત ન આવતાં પરિવારે શોધખોળ શરુ કરી, ખીણ પાસે મોબાઈલ લોકેશન મળ્યુઃ  દૂર દૂર પડેલા મૃતદેહો શોધતાં  વાર લાગી

મુંબઈ    રાયગઢ જિલ્લામાં  પોલાદપુર- મહાબળેશ્વર રોડ પર આંબેનળી ઘાટમાં   રવિવારે પરોઢે એક એસયુવી અંદાજે ૧૫૦૦  ફૂટથી વધુ ઊંચાઈથી  ખીણમાં ખાબકતાં પિકનિકમાંથી પાછા આવી રહેલા આઠ  મિત્ર મોતના મુખમાં ધકેલાઈ ગયા  થયા હોવાનું અધિકારીએ સોમવારે જણાવ્યું હતું.આ દુર્ઘટનાની બનાવના કલાકો સુધી જાણ થઈ નહોતી.ખીણમાંથી મૃતદેહો  બહાર કાઢવા એનડીઆરએફની મદદ લેવામાં આવી હતી.

      એક  મૃતક મહેશ પવારનો જન્મદિવસ રવિવારે હતો. તેના બાકીના મિત્રો જન્મદિવસ ઉજવવા માંગતા હતા. આથી તેમણે પિકનિકનો પ્લાન ઘડયો હતો. ,   ૧૯ થી ૩૫ વર્ષની વયના પીડિતો શનિવારે રાત્રે બે વાગ્યે દાપોલીના હાર્નેથી  રવાના થયા હતા. જોકેતેમને સતારા પહોંચવામાં વિલંબ થતાં પરિવારજનોએ શોધખોળ શરુ કરી હતી.  જ્યારે તેઓ સાતારા ન પહોંચ્યા  ત્યારે તેમના સંબંધીઓએ રવિવારે બપોરે શોધખોળ શરૃ કરી અને બાદમાં પોલીસનો સંપર્ક કર્યો હતો. મૃતકનું લાસ્ટ મોબાઈલ લોકેશન પોલાદપુર પાસે મળ્યું  હતું. પોલીસે આંબેનળીી ઘાટ વિસ્તારમાં તપાસ  કરતાં ઊંડી ખીણમાં એસયુવી જોઈ હતી.

પોલીસને શંકા છે કે ઘાટ વિસ્તારમાં ડ્રાઇવરે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો.જેના કારણે વાહન ખીણમાં ખાબક્યું હતું.

    પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોની  ઓળખ રિતેશ લોખંડે (૨૨), સુહાસ લોખંડે (૨૦), ઉત્કર્ષ શિંગટે (૨૧), નિખિલ શિંગટે (૨૫ ), મહેશ પવાર (૨૫), આદિત્ય સાળુંખે (૨૧), રાજેશ કાટકર (૩૫ , તમામ સાતારાના રહેવાસીઓ) અને  રત્નાગીરીના અંશ ચવ્હાણ (૧૯) તરીકે કરવામાં આવી છે.

 

મૃતદેહો શોધવા માટે  પોલીસ ઉપરાંત એનડીઆરએફની ટીમો પણ કામ લાગી હતી. જુદી જુદી  ટીમોએ અલગ અલગ દિશામાં શોધખોળ હાથ ધરી હતી.

એક જ શેરીમાં રહેતા પાંચ યુવકો  ભરખાયાઃ  આસગાંવમાં ઘરે ઘરે માતમ

આ ભયંકર અકસ્માતમાં સાતારા તાલુકાના આસગાંવ ગામના પાંચ યુવાનોના જીવનનો  કરુણ અંત આવ્યો છે. આ પાંચ યુવાનો એક જ ગામની એક જ શેરીમાં રહેતા હતા. આ કારણે આખા ગામમાં શોક ફેલાઈ ગયો હતો. આસગાંવના દરેક ઘરમાં રડવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો અને  ભારે હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયાં હતાં.  ભગવાન તમને તમારા જન્મદિવસના દિવસે જ પોતાની પાસે બોલાવી લીધા. જે દિવસે  ઉજવણી કરવાના હતા, તે દિવસે દુઃખનો પહાડ તૂટી પડયો.તમારી  ખૂબ જ યાદ  આવશે... ભાવનાત્મક શ્રદ્ધાંજલિ! આ વોટ્સએપ સ્ટેટસ  સાતાર તાલુકામાં વાયરલ  થયું હતું.

૫૦થી ૬૦ ફોન કર્યા પણ રિંગ જ વાગતી રહી એટલે પરિવારને ધ્રાસ્કો પડયો

મૃતકોમાંથી એક રિતેશ લોખંડેના પિતાએ જણાવ્યું કે અમારી વારંવાર ના પાડવા  છતાં રિતેશ તેના મિત્રો સાથે પિકનિક પર ગયો હતો. તે શુક્રવારે રાત્રે સાતારાથી નીકળ્યો હતો. તે શનિવારે વહેલી સવારે હર્ણે પહોંચ્યો હતો. તેણે   દરિયામાં પિકનિકના ફોટા તથા સ્ટેટસ  પણ પોસ્ટ કર્યા હતા. રિતેશ તેની માતાને ફોન કરીને કહ્યું કે અમે માછલી ખાધી છે. રિતેશ શનિવારે સાંજે સાત  વાગ્યે મને ફોન  કરીને કહ્યું કે અમે ૧૦  વાગ્યે નીકળીશું. તેઓ રાત્રે ૧૦ વાગ્યે ભોજન કરીને સાતારા જવા નીકળ્યા હતા. રવિવારે સવારે હું કામ પરથી ઘરે આવ્યો હતો. મારો દીકરો ઘરે ન આવ્યો હોવાથી મને ચિંતા થવા લાગી હતો.  અમે આખો દિવસ ટેન્શનમાં રહ્યાં હતાં.

     હું આખો દિવસ તેને ફોન કરતો રહ્યો હતો.મેં તેને ૫૦થી ૬૦  વાર ફોન કર્યો હતો. રિંગ વાગી રહી હતી , પણ કોઈ ઉપાડતું નહોતું. પછી મેં સાંજે સાત  વાગ્યે મારા મોટા ભાઈને ફોન કર્યો હતો. તેણે મારી ભત્રીજીને ફોન કરીને કહ્યું કે છોકરાઓ  ઘરે આવ્યા નથી. ત્યાંથી, અમે શોધખોળ શરૃ કરી હતી.  હું અજિંક્યતારા હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરું છું. ત્યાંના ડોક્ટરોએ મને મદદ કરી હતી. અમે પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો હતો. છોકરાઓનો  ફોન ટ્રેક કર્યા પછી અમને ખબર પડી કે તેમની ગાડી  ખીણમાં પડી ગઈ છે. આ જાણ્યા પછી  મારા પગ નીચેથી જમીન ખસી ગઈ હતી, એમ  રિતેશ લોખંડેના પિતાએ કહ્યું હતું.

    ત્યારબાદ ટ્રેકર્સને બોલાવવામાં આવ્યા હતા અને અકસ્માતગ્રસ્ત વિસ્તારમાં શોધખોળ શરૃ કરવામાં આવી હતી. તે સમયે  ખીણમાં એક કાર જોવા મળી હતી. જોકે, જાણવા મળ્યું કે આ કાર અગાઉના અકસ્માતની છે. બીજી વખત ફરી તપાસ કર્યા પછી જાણવા મળ્યું કે સ્કોપયો  ગાડી ઊંડી ખીણમાં પડી ગઈ હતી. ગાડીમાંથી  મૃતદેહો કાઢવા શક્ય નહોતા. આથી સોમવારે સવારે ટ્રેકર્સે દોરડાની મદદથી તમામ મૃતદેહોને સ્ટ્રેચર સાથે બાંધીને ઉપર લાવવામાં આવ્યા હતા.