વસઈ વિરારમાં ડમ્પિંગ ગ્રાઉન્ડમાંથી કચરાના પ્રોસેસિંગમાં ૬૯ કરોડનું કૌભાંડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પ્રોસેસિંગ, પરિવહન, વેચાણનાં ખોટાં બિલો બનાવાયાનો આરોપ
મ્યુ. કોર્પોરેશને કોન્ટ્રાક્ટ રદ કર્યો પરંતુ હાઈકોર્ટમાંથી સ્ટેઃ કોન્ટ્રાક્ટરે ત્રાહિત એજન્સી દ્વારા બિલિંગનો દાવો કરી હાથ ઊંચા કર્યા
મુંબઈ - વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનના ડમ્પિંગ ગ્રાઉન્ડમાં કચરાના પ્રોસેસિંગ અને પરિવહન પ્રોજેક્ટમાં ૬૯ કરોડ રૃપિયાના કૌભાંડનો ગંભીર આરોપ ભાજપે લગાવ્યો છે. ભાજપના નેતાઓએ આરોપ મૂક્યો છે કે કોન્ટ્રાક્ટરો અને કેટલાક અધિકારીઓની કથિત મિલીભગતથી ખોટા બિલ રજૂ કરીને કરોડો રૃપિયાની નાણાકીય ગેરરીતિ કરવામાં આવી છે. આ મામલે જવાબદાર કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે છેતરપિંડી અને નાણાકીય ઉચાપતનો ગુનો નોંધવાની માંગ કરવામાં આવી છે.
વર્ષ ૨૦૨૩ માં વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશને ડમ્પિંગ ગ્રાઉન્ડમાં એકઠા થયેલા અંદાજે ૧૩ લાખ ટન કચરાના પ્રોસેસિંગનું કામ સાઈ યુટિલિટી પ્રાઇવેટ લિમિટેડને સોંપ્યું હતું. આ કામ માટે પ્રતિ ટન ૮૩૫ રૃપિયાનો દર નક્કી કરવામાં આવ્યો હતો. ભાજપનો આરોપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા વાસ્તવમાં કચરાનું પ્રોસેસિંગ કરવામાં આવ્યું નહોતું, પરંતુ પ્રોસેસિંગ થયું હોવાનું દર્શાવી અંદાજે ૩૯ કરોડ રૃપિયાના બનાવટી બિલ તૈયાર કરવામાં આવ્યા હતા.
ભાજપે કચરામાંથી તૈયાર થતા ઇંધણ એટલે કે આરડીએફના પરિવહનમાં પણ કથિત ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ મૂક્યો છે. ભાજપના જણાવ્યા મુજબ, ૨૭ ટન આરડીએફનું ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર મારફતે પરિવહન દર્શાવી કંપનીઓને વેચાણ કરવામાં આવ્યું હોવાનું કાગળો પર દર્શાવવામાં આવ્યું હતું અને આ માટે નકલી બિલ રજૂ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, કચરાના વર્ગીકરણ માટેના મટિરિયલ રિકવરી ફેસિલિટી (એમઆરએફ) પ્રોજેક્ટના નામે પણ ગેરરીતિ થઈ હોવાનો આરોપ છે. ભાજપના દાવા મુજબ, પ્રોજેક્ટના બહાને અંદાજે ૧૭ હજાર બ્રાસ પથ્થરો ખોદવામાં આવ્યા હતા અને તેના નામે મ્યુનિસિપલ કોર્પોરેશનના નાણાંની ઉચાપત કરવામાં આવી હતી.
ભાજપના જણાવ્યા મુજબ, આ સમગ્ર પ્રકરણને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનને અંદાજે ૬૪ કરોડ રૃપિયાનું નાણાકીય નુકસાન થયું છે. વિપક્ષી નેતા મનોજ પાટીલે આ મામલે જવાબદાર કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે તાત્કાલિક ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરી છે. દરમિયાન, મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર (સોલિડ વેસ્ટ) અર્ચના દિવેએ જણાવ્યું હતું કે સંબંધિત કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો છે. જોકે, કોન્ટ્રાક્ટરે હાઇકોર્ટમાં જઈને સ્ટે મેળવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
બીજી તરફ, સાઈ યુટિલિટી પ્રાઇવેટ લિમિટેડના કોન્ટ્રાક્ટર યાદવે આરોપોને નકારી કાઢતાં જણાવ્યું હતું કે ટ્રાન્સપોર્ટેશનના બિલ તૈયાર કરવાનું કામ ખાનગી કંપનીને સોંપવામાં આવ્યું હતું અને તેમના દ્વારા રજૂ કરાયેલા બિલ સાથે તેમનો કોઈ સીધો સંબંધ નથી. તેમણે દાવો કર્યો હતો કે પ્રોજેક્ટનું કામ નિયમો અનુસાર ચાલી રહ્યું છે.




