Mumbai

રૃા. 58 કરોડની ડિજિટલ એરેસ્ટ ઠગાઈમાં ગુજરાતના 6 સાયબર ફ્રોડ પકડાયા

By GS TEAM
18 Oct 20253 mins read
રૃા. 58 કરોડની  ડિજિટલ એરેસ્ટ ઠગાઈમાં ગુજરાતના 6 સાયબર ફ્રોડ પકડાયા

મુંબઈ પોલીસ દ્વારા અમદાવાદ અને મહેસાણાથી ધરપકડ

વૃદ્ધ બિઝનેસમેન સાથે મુંબઈમાં સૌથી મોટી રકમની ડિજિટલ એરેસ્ટ ઠગાઈ ઃ  ચીન અને કંબોડિયાથી દોરીસંચાર થતો હતો

એક ડિજિટલ એરેસ્ટની તપાસમાંથી બીજા કેસનો પર્દાફાશ થયોઃ આ ટોળકી સામે મહારાષ્ટ્ર, ગુજરાત, યુપી સહિતનાં રાજ્યોમાં ૩૧ કેસ

મુંબઈ -  મુંબઇના બિઝનેસમેન સાથે રૃા. ૫૮ કરોડની છેતરપિંડી અને અન્ય કેસમાં સામેલ ગુજરાતના છ સાયબર ઠગની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતના મહેસાણા અને અમદાવાદથી મુંબઇ પોલીસની ટીમે આરોપીઓને પકડયા  હોવાનું શુક્રવારે  પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. 

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ મુખ્ય આરોપી ચીન અને કંબોડિયામાં આ ગેંગના તેમના સાથીદારના સંપર્કમાં હતો. ચીન અને કંબોડિયાના ભેજાબાજો દ્વારા તેને વિદેશથી બેંક ખાતાઓ અને છેતરપિંડીની રકમ ટ્રાન્સફર કરવા બાબતે સૂચના આપવામાં આવતી હતી.

પોલીસે મધ્ય મુંબઇમાં રહેતા એક વૃદ્ધના કેસની તપાસ કરતી વખતે આરોપીને શોધી કાઢયો હતો. વૃદ્ધને ડિજિટલ એરેસ્ટની ધમકી આપી રૃા. ૭૦ લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. આ મામલે આર.એ.કે. માર્ગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાંથી જાણવા મળ્યું હતું કે આ જ ગેન્ગ શેરબજારના ૭૨ વર્ષીય અન્ય વૃદ્ધ વેપારી સાથે ૫૮ કરોડની ઓનલાઈન છેતરપિંડીમાં પણ સામેલ હતી. આરોપીઓએ આરોપીઓએ સીબીઆઇ અને ઇડી અધિકારીઓના સ્વાંગમાં બે મહિના સુધી બિઝનેસમેન અને તેમની પત્નીને ડિજિટલ એરેસ્ટમાં રાખી તેમની પાસેથી ૫૮ કરોડ રુપિયા પડાવ્યા હતા. 

આ કેસની તપાસ કરી રહેલી મહારાષ્ટ્ર સાયબર એજન્સી ધરપકડ કરાયેલા આરોપીઓની કસ્ટડી લેવાની છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપી શરૃઆતમાં છેતરપિંડીની રકમ બે બેંક ખાતામાં જમા કરતો હતો. બાદમાં તેને ૧૩૮ બેંક ખાતામાં ટ્રાન્સફર કરતો હતો. ત્યાર પછી તેને ક્રિપ્ટોકરન્સી અને યુએસ ડોલરમાં રૃપાંતરતિ કરતો હતો.

આરોપીઓએ સીબીઆઇ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીએ ઉપરાંત  એન્ટી ટેરરિઝમ સ્કવૉડ (એટીએસ) નવી દિલ્હી અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ના વરિષ્ઠ અધિકારીઓ હોવાનો પણ દાવો કર્યો હતો.  સાયબર ઠગે એનઆઇએ વડા અને વરિષ્ઠ આઇપીએસ અધિકારી સદાનંદ દાતે તરીકે પણ  પોતાની ઓળખ આપી હતી. 

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઝોન-૪) રાગ સુધા આરએ જણાવ્યું હતું કે  ગુજરાતથી ઝડપાયેલા આરોપીઓમાં સુરેશકુમાર મગનલાલ પટેલ (ઉં.વ.૫૧), મુસરાન ઇકબાલભાઇ કુંભાર (ઉં.વ.૩૦) ચિરાગ મહેશ ચૌધરી (ઉં.વ.૨૯), અંકિતકુમાર મહેશભાઇ શાહ (ઉં.વ.૪૦), વાસુદેવ ઉર્ફે વિવાન વાલજીભાઇ બારોટ (ઉં.વ.૨૭), યુવરાજ ઉર્ફે માર્કો ઉર્ફે લક્ષ્મણ સિંહ  સિકરવાર (ઉં.વ.૩૪)નો સમાવેશ છે.

યુવરાજ ગેંગનો મુખ્ય સૂત્રધાર છે જે ટ્રાન્સ- નેશનલ આરોપીઓ સાથે સીધા સંપર્કમાં હતો. તે છેલ્લા ત્રણ વર્ષથી છેતરપિંડીમાં સામેલ હતો છેતરપિંડી માટે ત્રણ ટકા કમિશન મેળવતો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીઓએ સ્થાનિક બિઝનેસમેન અને વેપારીઓના કરન્ટ એકાઉન્ટનો ઉપયોગ છેતરપિંડીની રકમ જમા કરવા માટે કર્યો હતો. ત્રણ ટકા કમિશન આપ્યું હતું.

આરોપીએ ગત સપ્ટેમ્બરમાં રૃા. ૪૦ લાખની છેતરપિંડીનો ભોગ બનેલા રાયગઢના ૬૮ વર્ષીય પીડિતને પહલગામ આતંકવાદી હુમલામાં સામેલ હોવાનો આરોપ કર્યો હતો. આમ ડિજિટલ એરેસ્ટના બહાને આરોપીઓ પૈસા પડાવતા હતા.

આ ટોળકી સામે મુંબઇ, બેંગલુરુ, ભોપાલ, આગ્રા, યુપી, તામિલનાડુ, ઝારખંડ, ગુજરાત, તેલંગણા, દિલ્હી, હરિયાણા, કેરળ, પશ્ચિમ બંગાળમાં ૩૧ કેસ નોંધાયેલા છે.  અત્યાર સુધીમાં ૧૫  બેંક ખાતામાં રૃા. ૧૦.૫ લાખ ફ્રીઝ કરવામાં આવ્યા છે. ગુજરાત અને રાજસ્થાનમાં ફરાર આરોપીની શોધખોળ ચાલી રહી છે.

ચીન અને કંબોડિયામાં રહેતા આરોપીઓ તેમના નિશાન પર હોય એવી વ્યક્તિના મોબાઇલ ફોન નંબર પર એપીકે ફાઇલો મોકલતા હતા. એકવાર આ ફાઇલો ડાઉનલોડ થઇ જાય પછી સંબંધિત વ્યક્તિ મોબાઇળ ફોન પરથી પોતાનું નિયંત્રણ ગુમાવી દેતો હતો. ત્યારબાદ સાયબર ગેંગ ફોનમાંથી તેની માહિતી મેળવી છેતરપિંડી કરતા હતા.