Mumbai

નવી મુંબઈ એપીએમસીમાં કેમિકલથી પકાવાતાં ૧૪૦૦ કિલો કેળાં જપ્ત

By GS Team
7 Oct 20262 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્ર FDAએ ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરનારા 8 એકમો સામે કાર્યવાહી કરી છે. બોરીવલીની નોમ નોમ રેસ્ટોરાં અને કૂપર હોસ્પિટલની કેન્ટિનના લાઇસન્સ સસ્પેન્ડ કરાયા. પુણેમાં ડિટર્જન્ટ પાવડરથી બનતું 16,730 લિટર દૂધ ઝડપાયું, જેની કિંમત આશરે 6.69 લાખ હતી. ઉપરાંત, 1,394 કિલો કેમિકલથી પકવેલા કેળાં જપ્ત કરાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નવી મુંબઈ એપીએમસીમાં કેમિકલથી પકાવાતાં ૧૪૦૦ કિલો કેળાં જપ્ત

પુણેમાં ડિટર્જન્ટ પાવડરથી બનાવાતું દૂધ પકડાયું

કૂપર હોસ્પિટલની કેન્ટિન, બોરીવલી નોમ નોમ રેસ્ટોરાં સહિત આઠ એકમો સામે એફડીએની કાર્યવાહી

મુંબઈ -  ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)એ કાર્યવાહી વધુ વેગ આપ્યો છે . રાજ્યમાં આઠ ખાણીપીણી સંસ્થાના લાઇસન્સ સસ્પેન્ડ, ૧,૩૯૪ કિલો કેમિકલથી પકવેલા કેળાં જપ્ત કરવા ઉપરાંત ગુટખા, પ્રતિબંધિત પાનમસાલા અને ભેળસેળયુક્ત દૂધનો જથ્થો કબજે કર્યો છે.

નવી મુંબઈના એપીએમસી પોલીસ મથકે ફળના સ્ટોલના કર્મચારી સામે કેસ નોંધાયો છે. કેળાંને ઇથેફોન નામના દ્રાવણમાં ડુબાડીને પકવતા તે ઝડપાયો હતો.એફડીએએ રૃ.૬૭,૮૧૪ની કિંમતના ૧,૩૯૪ કિલો કેળાં જપ્ત કર્યા હતા.

મુંબઈ વિભાગમાં ખાદ્ય સુરક્ષા, સ્વચ્છતા, સંગ્રહ અને દસ્તાવેજોની ખામીઓ બદલ ૧૧  એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેમાં આઠ ખાણીપીણી સંસ્થાના લાઇસન્સ અને ત્રણ સંસ્થાના રજિસ્ટ્રેશન સટફિકેટ સસ્પેન્ડ કરાયા છે. પાંચ સંસ્થાઓ પશ્ચિમ ઉપનગરમાં અને છ દક્ષિણ મુંબઈમાં આવેલી છે.

બોરીવલીના નોમ નોમ રેસ્ટોરાંમાં ફ્રોઝન અને સંગ્રહિત ખોરાકનું અયોગ્ય તાપમાન, ખરીદીના બિલો અને ઓડિટ રેકોર્ડનો અભાવ, માખી-જીવાતો તથા ફૂડ હેન્ડલર્સના આરોગ્ય રેકોર્ડમાં ખામી મળી હતી.

વિલે પાર્લેની મુંબઈ મહાનગર પાલિકા સંચાલિત આર.એન. કૂપર હોસ્પિટલની સ્ટાફ કેન્ટીનના સત્કાર કેટરર્સમાં માખી-વંદા, કાચા અને રાંધેલા ખોરાકના અયોગ્ય વિભાજન સહિતની ખામીઓ મળી હતી.

અંધેરીના સૂરજ લામા મોમોઝમાં ખાદ્ય સામગ્રી અને સફાઈ માટેના કેમિકલ એકસાથે રાખવામાં આવ્યા હતા. સફાઈની અપૂરતી વ્યવસ્થા તથા કર્મચારીઓના આરોગ્ય અને તાલીમના રેકોર્ડ પણ નહોતા. ફરિયાદ બાદ મુંબઈ સેન્ટ્રલના તાડદેવ લંચ હોમ અને શગુન વેજ રેસ્ટોરાંમાં પણ અયોગ્ય રેફ્રિજરેશન, ખુલ્લો ખોરાક, માખી તથા સફાઈ અને દસ્તાવેજોની ખામીઓ મળી હતી.

મઝગાંવની રોશન બેકરીમાં કાટ લાગેલા અને ગંદા બેકિંગ સાધનો, ખુલ્લો ખોરાક, નોન-ફૂડ-ગ્રેડ પેકેજિંગ અને વપરાયેલા તેલનો પુનઃઉપયોગ જોવા મળ્યો હતો.

મુંબઈની ત્રણ સંસ્થાઓમાંથી કુલ મળી ને રૃ.૩૧.૧૪ લાખનો પ્રતિબંધિત ખાદ્ય જથ્થો જપ્ત કર્યો હતો અને ત્રણ એફઆઈઆર નોંધવામાં આવી છે અને ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પાલઘરમાં બે સ્થળે કાર્યવાહીમાં પ્રતિબંધિત પાનમસાલા, ગુટખા અને સુગંધિત તમાકુ જપ્ત કરાયા હતા.

દરમિયાન, પુણે વિભાગે સોલાપુરના માલશિરસમાં ડિટર્જન્ટ ભેળવેલા દૂધ અંગે બે કેસ નોંધ્યા છે. કાર્યવાહી દરમિયાન ૧૬,૭૩૦ લિટર દૂધ, જેની કિંમત આશરે રૃ.૬.૬૯ લાખ હતી, નષ્ટ કરવામાં આવ્યું હતું.