Mumbai

એમએચટી-સીઈટીમાં 11 વિદ્યાર્થીઓને 100 પર્સેન્ટાઈલ

By GS Team
11 Jun 20262 mins read
એમએચટી-સીઈટીમાં 11 વિદ્યાર્થીઓને 100 પર્સેન્ટાઈલ

પીસીબી ગુ્રપનું પરિણામ જાહેર

૨.૬૩ લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા, ૨૬ હજારથી વધુને ૯૦ થી ૯૯ પર્સેન્ટાઈલ

મુંબઈમહારાષ્ટ્ર  રાજ્ય સીઈટી સેલ દ્વારા એમએચટી-સીઈટી ૨૦૨૬ની ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી (પીસીબી) ગુ્રપની પ્રથમ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં ૧૧ વિદ્યાર્થીઓએ ૧૦૦ પર્સેન્ટાઇલ મેળવી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, જેમાં ત્રણ વિદ્યાર્થિનીઓનો પણ સમાવેશ છે.

જોકે ૧૧ વિદ્યાર્થીઓમાંથી એક નાગપુરના આદિત્ય સોમાણીનું જ નામ હાલ બહાર આવ્યું છે. પરિણામ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે અને ઉમેદવારો પોતાનું સ્કોરકાર્ડ લૉગિન દ્વારા ડાઉનલોડ કરી શકે છે.

આ  વર્ષે પીસીબી ગુ્રપ માટે કુલ ૨,૮૪,૦૬૩ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી ૨,૬૩,૨૧૩ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાં ૧,૫૯,૮૪૮ વિદ્યાર્થિનીઓ, ,૦૩,૩૬૦ વિદ્યાર્થી અને પાંચ ટ્રાન્સજેન્ડર ઉમેદવારોનો સમાવેશ થાય છે. પરીક્ષા રાજ્યના ૩૬ જિલ્લાઓમાં આવેલા ૧૮૬ કેન્દ્રો પર ૧૧ સત્રોમાં યોજાઈ હતી. કુલ ઉપસ્થિતિ દર ૯૨.૬૬ ટકા નોંધાયો હતો. ઉપરાંત ૨૬,૯૧૦ વિદ્યાર્થીઓએ ૯૦થી ૯૯ પર્સેન્ટાઇલ વચ્ચે ગુણ મેળવ્યા છે, જેમાં વિદ્યાર્થિનીઓની સંખ્યા વધુ છે.

એમએચટી-સીઈટી  પીસીબી ગુ્રપની પરીક્ષા ૨૧થી ૨૬ એપ્રિલ દરમિયાન યોજાઈ હતી અને તેના આધારે કૃષિ તથા ફાર્મસી જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ આપવામાં આવશે. પરિણામ બાદ હવે પાત્ર ઉમેદવારો માટે કેન્દ્રીકૃત પ્રવેશ પ્રક્રિયા (કેપ) શરૃ થશે, જેમાં મેરિટ, અનામત વર્ગ અને પસંદગીના આધારે બેઠકો ફાળવવામાં આવશે. બીજી તરફ પીસીએમ ગુ્રપનું પરિણામ ટૂંક સમયમાં જાહેર થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.