રાજ્યના ૧૨ જિલ્લામાં મતદાર ગણતરીના ફોર્મનું ૧૦૦ ટકા વિતરણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મહારાષ્ટ્રમાં મતદાર યાદી સુધારણા અભિયાન પૂરજોશમાં
રાજ્યમાં ૯.૫૪ કરોડથી વધુ ફોર્મનું વિતરણ,૭.૪૯ કરોડ ફોર્મનું ડિજિટાઇઝેશન પૂર્ણ
મુંબઈ - મહારાષ્ટ્રમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા પ્રક્રિયા (એસઆઈઆર ) અંતર્ગત મતદાર ગણતરીના ફોર્મના વિતરણની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. રાજ્યના ૧૨ જિલ્લામાં તમામ મતદારોને ઇલેક્ટર-સ્પેસિફિક એન્યુમરેશન ફોર્મ (ઈએફ)નું સો ટકા વિતરણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.
મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા શનિવારે જાહેર કરેલી માહિતી અનુસાર, જળગાંવ, બુલઢાણા, વર્ધા, ગઢચિરોલી, ચંદ્રપુર, યવતમાળ, હિંગોલી, પરભણી, અહિલ્યાનગર, રત્નાગિરી, સિંધુદુર્ગ અને કોલ્હાપુરમાં તમામ મતદારોને ફોર્મ પહોંચાડી દેવામાં આવ્યા છે.
રાજ્યમાં એસઆઈઆરનો ગણતરી તબક્કો ૩૦ જૂનથી શરૃ થયો છે અને ૧૭ ઓગસ્ટ સુધી ચાલશે. રાજ્યના કુલ ૯,૭૮,૫૪,૦૪૯ મતદારોમાંથી અત્યાર સુધીમાં ૯,૫૪,૭૭,૧૧૯ મતદારોને ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. એટલે કે ૯૭.૫૫ ટકા મતદારો સુધી ફોર્મ પહોંચી ગયા છે.
વિતરણ કરવામાં આવેલા ફોર્મમાંથી અત્યાર સુધીમાં ૭,૪૯,૯૫,૧૪૩ ફોર્મનું ડિજિટાઇઝેશન પણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ પ્રમાણ કુલ મતદારોના ૭૬.૬૪ ટકા જેટલું છે.
૧૦૦ ટકા વિતરણ કરનારા જિલ્લાઓમાં જળગાંવમાં ૩૫,૫૨,૧૯૮ અને બુલઢાણામાં ૨૦,૮૯,૯૬૫ મતદારોને ફોર્મ આપવામાં આવ્યા છે. ડિજિટાઇઝેશનની કામગીરીમાં હિંગોલી ૯૧.૧૧ટકા સાથે મોખરે છે. ત્યારબાદ બુલઢાણા ૯૦.૩૬ ટકા, રત્નાગિરી ૯૦.૦૧ ટકા અને ગઢચિરોલી ૮૮.૯૫.ટકા સાથે આગળ છે.
મુંબઈ સહિતના મોટા શહેરોમાં પણ ફોર્મ વિતરણની કામગીરી ઝડપથી ચાલી રહી છે. નાગપુરમાં ૯૨.૮૫ ટકા, થાણેમાં ૯૦.૩૭ ટકા અને મુંબઈ ઉપનગર જિલ્લામાં ૯૩.૧૦ ટકા ફોર્મનું વિતરણ થયું છે. જ્યારે મુંબઈ શહેરમાં ૯૮.૭૦ ટકા ફોર્મનું વિતરણ પૂર્ણ થયું છે.
એસઆઈઆરની કામગીરી માટે સમગ્ર મહારાષ્ટ્રમાં ૧,૦૦,૨૫૩બૂથ લેવલ ઓફિસર્સ (બીએલઓ) તૈનાત કરવામાં આવ્યા છે. દરેક વિધાનસભા મતવિસ્તારના ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર (ઈઆરઓ) દ્વારા સંબંધિત જિલ્લા ચૂંટણી અધિકારીની મંજૂરીથી બીએલઓની નિમણૂક કરવામાં આવે છે.









