મોરબીના વીરપરડા ગામમાં કુદરતી અજાયબી: 18 ફૂટ ઊંડા કૂવામાં દરિયાની જેમ પાણીના હિલોળા, વૈજ્ઞાનિક કારણો અંગે તપાસ શરુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mysterious Well In Morbi: મોરબી નજીક આવેલા વીરપરડા ગામમાંથી એક અત્યંત આશ્ચર્યજનક ઘટના સામે આવી છે, જેણે સમગ્ર વિસ્તારમાં ભારે કૌતુક સર્જ્યું છે. જામનગર-અમૃતસર નેશનલ હાઈવે નજીક આવેલી એક વાડીના 18 ફૂટ ઊંડા કૂવામાં છેલ્લા કેટલાક દિવસોથી પાણી દરિયાના મોજાંની જેમ આપોઆપ ઉછળી રહ્યું છે.
આસપાસના કૂવાઓ શાંત, એક જ કૂવામાં અસાધારણ હલચલ
આ ઘટનામાં સૌથી વધુ આશ્ચર્ય પમાડે તેવી બાબત એ છે કે આસપાસમાં આવેલા અન્ય તમામ કૂવાઓમાં પાણી એકદમ શાંત સ્થિતિમાં છે, જ્યારે આ ચોક્કસ કૂવામાં પાણી સતત હિલોળા મારી રહ્યું છે. આ દ્રશ્ય સ્થાનિક લોકોમાં ભારે આશ્ચર્યનું કેન્દ્ર બન્યું છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં લોકો આ અસાધારણ ઘટના જોવા માટે દૂર-દૂરથી કૂવા પાસે ઉમટી રહ્યા છે.
ચમત્કાર કે વિજ્ઞાન? સ્થાનિકોમાં ચર્ચા
ઘટનાને પગલે સ્થાનિકોમાં અવનવી ચર્ચાઓ શરુ થઈ છે. કેટલાક લોકો આ ઘટનાને કોઈ ચમત્કાર કે અદ્રશ્ય શક્તિ સાથે જોડી રહ્યા છે, તો બીજી તરફ જાગૃત નાગરિકો આની પાછળ કોઈ ભૌગોલિક કે વૈજ્ઞાનિક કારણ હોવાનું માની રહ્યા છે.
નિષ્ણાતોનું શું કહેવું છે?
અંધશ્રદ્ધાથી દૂર રહીને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ધરાવતા નિષ્ણાતોના મતે આ પ્રકારની હલચલ પાછળ કેટલાંક ભૂગર્ભજળ સંબંધિત કે ભૌગોલિક કારણો હોઈ શકે છે, જેમ કે, આર્ટિઝન કંડિશન એટલે કે, જમીનની અંદર રહેલા પાણીનું ભારે દબાણ (Underground Hydrostatic Pressure). ફોલ્ટ લાઇનના સૂક્ષ્મ કંપનો એટલે કે, જમીનના અંદરના પડમાં રહેલી ફોલ્ટ લાઇનના કારણે થતા કંપન.
અથવા તો ભૂગર્ભમાં ગેસ કે હવાના પ્રેશરના કારણે પાણીમાં ઉદ્ભવતા તરંગો કારણભૂત હોઈ શકે છે.
ઘટનાની ગંભીરતા અને લોકોની ઉત્સુકતાને ધ્યાનમાં રાખીને સાચું અને ચોક્કસ કારણ જાણી શકાય તે માટે સંબંધિત તંત્ર દ્વારા આ અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.









