યુદ્ધના કારણે મોરબીને ફટકો: 50 સિરામિક એકમો બંધ, ગેસના ભાવ 98ને પાર પહોંચતા હાહાકાર!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Morbi Ceramic Industry Crisis : મોરબીના સિરામિક અને તેને સંલગ્ન પેપરમિલ ઉદ્યોગ પર વર્તમાન ઇરાન-અમેરિકા યુદ્ધની પરિસ્થિતિને કારણે ગંભીર સંકટ ઊભું થયું છે. નેચરલ અને પ્રોપેન ગેસના ભાવો આસમાને પહોંચી જવાથી અત્યાર સુધીમાં 50 જેટલા સિરામિક એકમો બંધ થઈ ચૂક્યા છે. જેના કારણે સમગ્ર ઔદ્યોગિક ક્ષેત્રમાં ભારે ચિંતા વ્યાપી ગઇ છે. સિરામિક ઉદ્યોગની કરોડરજ્જુ ગણાતા ઇંધણના ભાવમાં છેલ્લા ચાર મહિનાથી સતત વધારો થઈ રહ્યો છે. રશિયા-યુક્રેન યુદ્ધની અસર બાદ આ ઉદ્યોગ હજુ માંડ બેઠો થઈ રહ્યો હતો ત્યાં જ અમેરિકા-ઇરાન સંઘર્ષની સીધી અસર જોવા મળી રહી છે.

8 જેટલા એકમો બંધ
સતત વધતા ઉત્પાદન ખર્ચને કારણે ડોમેસ્ટિક માર્કેટમાં પણ માંગમાં 25 ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયો છે. સિરામિક એસોસિએશનના પ્રમુખના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 50 જેટલી ફેક્ટરીઓ બંધ થઈ ચૂકી છે અને જો પરિસ્થિતિ નહીં સુધરે તો આગામી દિવસોમાં વધુ એકમો બંધ કરવાની ફરજ પડશે. આ ઉપરાંત કન્ટેનર ભાડામાં તોતિંગ વધારો થતાં 100 ટકા એક્સપોર્ટ કરતા એકમો મુશ્કેલીમાં મુકાયા છે અને ફેક્ટરીઓ બંધ થઈ રહી છે. મોરબી પાસેથી ટાઈલ્સ મંગાવતા વિદેશી ખરીદદારો હવે સ્પેન, ઇટાલી અને ચીન તરફ વળી રહ્યા છે. જે મોરબીની વૈશ્વિક બજાર માટે મોટો ફટકો છે.
દરેકે દરેક વસ્તુના ભાવ વધી ગયા
નોંધનીય છે કે નેચરલ ગેસના ભાવ જે યુદ્ધ પૂર્વે 42 રૂપિયા પ્રતિ ઘનમીટર હતા તે સપ્ટેમ્બરમાં વધીને 98 રૂપિયા થઈ ગયા છે. જ્યારે પ્રોપેન ગેસના ભાવ 56 રૂપિયાથી વધીને 88 રૂપિયા પ્રતિ કિલો પહોંચ્યા છે. સિરામિક ઉદ્યોગમાં ચાલી રહેલી આ મંદીની સીધી અસર પેપરમિલ અને પેકેજિંગ ઉદ્યોગ પર પણ પડી છે. પેપરમિલ એસોસિએશને જણાવ્યું હતુ કે સિરામિક ઉદ્યોગ મંદીમાં હોવાથી વેસ્ટ પેપર અને કોલસાના ભાવવધારા સાથે ઓર્ડર મળતા બંધ થયા છે અને એક્સપોર્ટ પણ થંભી ગયું છે, જે અત્યંત ચિંતાજનક છે. આ ગંભીર પરિસ્થિતિને કારણે સિરામિક અને પેપરમિલ ઉદ્યોગ સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા અસંખ્ય કારીગરો અને શ્રમિકોની રોજીરોટી પર પણ મોટી અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે.




