Gujarat

મોરબીમાં ફલીપ કાર્ટની ઓફિસમાં 3.93 લાખની લૂંટમાં ચાર ઝડપાયા

By GS Team
6 Mar 20192 mins read
This article was originally published on 6 Mar 2019
મોરબીમાં ફલીપ કાર્ટની ઓફિસમાં 3.93 લાખની લૂંટમાં ચાર ઝડપાયા



મોરબી,તા. 06 માર્ચ 2019, બુધવાર

મોરબી-વાંકાનેર હાઈવે પરના કોમ્પ્લેક્ષમાં આવેલી ફ્લીપકાર્ટની ઓફિસમાં મંગળવારે રાત્રીના ચાર બુકાનીધારી ઈસમોએ કરેલી લુંટ પ્રકરણમાં એલસીબી ટીમે ગણતરીની કલાકોમાં ચાર લુંટારૂઓને ઝડપી લઈને લુંટમાં ગયેલ તમામ રોકડ ઉપરાંત લુંટમાં વપરાયેલ બે મોટરસાયકલ છરી અને મોબાઈલ ફોન તેમજ એરગન સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. 

મોરબીના શક્તિ ચેમ્બર નજીક આવેલ આરોહી ચેમ્બરમાં આવેલ ફ્લીપકાર્ટની ઓફિસમાં મોઢે બુકાની અને માસ્ક બાંધી ફરિયાદી ધનંજય વાસુદેવ રાજ્યગુરૂ (રહે. મોરબી શનાળા રોડ) ને છરી અને એરગન જેવું હથિયાર બતાવી ફરિયાદીને મોઢા પર માર મારી ઈજા કરી ૩.૯૩ લાખની લુંટ કરી તેમજ ઓફિસમાં રહેલ સીસીટીવી કેમેરા તોડી નુકશાન કરી આરોપી નાસી ગયા હતા. જે બનાવ મામલે મોરબી સીટી બી ડીવીઝન તેમજ એલસીબી ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને એસપીના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી બી જાડેજા, પીએસઆઈ આર ટી વ્યાસની ટીમે તપાસ ચલાવી હતી. 

જેમાં ગણતરીની કલાકમાં આરોપીઓને માળિયા ફાટક નજીક થી દબોચી લેવામાં સફળતા મળી છે એલસીબી ટીમે આરોપી કલ્પેશ નટવરલાલ મકવાણા, વિશાલ ચંદુભાઈ મુછડીયા રહે તેમજ રમેશ જીવરાજ મકવાણા અને લલિત અમરશી સોલંકી એમ ચાર આરોપીને ઝડપી લીધા છે. 

ફ્લીપકાર્ટની ઓફિસમાં થયેલ લુંટ પ્રકરણમાં એલસીબી ટીમે ચારેય આરોપીને દબોચી લઈને લુંટમાં ગયેલ રોકડ રકમ ૩.૯૩ લાખ તેમજ  લુંટમાં વપરાયેલ ૨ મોટરસાયકલ કિંમત ૮૦,૦૦૦, એરગન કિંમત ૫૦૦ મોબાઈલ ફોન નંગ ૩ કિંમત ૧૦,૫૦૦ , છરી એક તેમજ  માસ્ક સહીત કુલ ૪,૮૪,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે. 

ઝડપાયેલા આરોપી લલિત સોલંકી ઓફિસમાં કામ કરતા લલિતનો મિત્ર હોય જેથી ઓફીસમાં બેસવાથી તેને દરરોજ ૪ થી ૫ લાખની રોકડ રહેતી હોવાની માહીતી હતી. જેથી અનેય ત્રણ મિત્રો સાથે મળીને મોજશોખ કરવા લુંટનો પ્લાન બનાવ્યો હતો. જો કે ઝડપાયેલા આરોપીનો કોઈ ગુનાહિત ઈતિહાસ નથી અને પ્રથમ લુંટને અંજામ આપ્યાના તુરંત બાદ ઝડપાય ગયા હતા.