મોરબીમાં 7.26 કરોડના શંકાસ્પદ બેન્ક વ્યવહારો અંગે પાંચની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મોરબી : મોરબીમાં ૭.૨૬ કરોડની માતબર રકમના શંકાસ્પદ વ્યવહારો અંગે મોરબી સાયબર ક્રાઈમ પોલીસે ૧૧ ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી એકાઉન્ટ ભાડે આપનાર પાંચ શખ્સો હિતેશ મોહન પૈજા, ભાવેશ પ્રાણલાલ રામાવત, બળવંત દેવશીભાઈ વામજા, પ્રકાશ નર્મદાશંકર જોશી, અશ્વિનસિંહ દોલુભા ઝાલાને ઝડપી લીધા છે. કરોડોના સાયબર ફ્રોડના શંકાસ્પદ વ્યવહારોના ગુનામાં મુખ્ય મનાતો આરોપી ચેતન પલાણ મોરબી શહેર ભાજપ મહિલા મોરચાના પૂર્વ મહિલા મંત્રીનો પુત્ર છે.
સાયબર ક્રાઇમ પોલીસ સબ ઈન્સપેક્ટર યજ્ઞોશકુમાર વ્યાસે મોરબીના ચેતન કિશોર પલાણ, રાજુ બાબુભાઈ જોષી, ભરત બારડ ઉર્ફે ભરત રાવળ, હિતેશ મોહન પેજા, ભાવેશ પ્રાણલાલ રામાવત, બળવંત દેવશી વામજા, પ્રકાશ નર્મદાશંકર જોષી, કિરણ કાન્તિ પરમાર, કાન્તિ તરસી પરમાર, સુરેશ કાન્તિ પરમાર અને અશ્વિનસિંહ દોલુભા ઝાલા મળી કુલ અગિયાર શખ્સો સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ચેતન, રાજુ અને ભરતે કાવતરું રચી અન્ય આઠ વ્યકિતઓેને એજન્ટ બનાવી તેના બેંક ખાતામાં તા. ૦૧-૦૧-૨૦૨૩ થી તા. ૨૭-૧૨-૨૦૨૫ દરમિયાન કુલ રૂ ૭,૨૬,૨૦,૨૬૬ ના શંકાસ્પદ વ્યવહાર કર્યા હતા. આ રકમ અલગ અલગ બેંક ખાતામાં જમા કરી બાદમાં જુદા જુદા ખાતામાથી વિડ્રો કરી હતી. આ બાબતે સમન્વય તથા એનસીસીપી પોર્ટલમાં અલગ અલગ રાજ્યની ૪૧ ફરિયાદો થઈ હતી. જેમાં રૂ ૧,૩૪,૫૩,૭૯૬ની રકમના ટ્રાન્ઝેકશન કરી આથક લાભ મેળવ્યાની પણ ફરિયાદ નોંધાઈ છે.
આ પ્રકરણમાં મજૂરી કરનાર સામાન્ય પરિવારના યુવાનોને એક લાખના ટ્રાન્ઝેક્શન પર ૧% કમિશનની લાલચ આપવામાં આવી હતી. આ બાબતે મોરબી સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદ નોંધી પાંચ આરોપીઓને ઝડપી લીધા છે. કરોડોના સાયબર ફ્રોડના શંકાસ્પદ વ્યવહારોના ગુનામાં મુખ્ય મનાતો આરોપી ચેતન મોરબી શહેર મહિલા મોરચાના પૂર્વ મંત્રીનો પુત્ર છે. તાજેતરમાં મહિલા કોર્પોરેટરના પતિ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે અને હવે ભાજપનાં એક હોદ્દેદારના પુત્રનું કરોડોના સાયબર ફ્રોડ-શંકાસ્પદ વ્યવહારોમાં નામ ખુલ્યું છે જેથી રાજકીય ગણગણાટ શરુ થયો છે.




