Morbi

વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરને ધમકાવીને ભાજપના કાર્યકર દ્વારા હુમલો

By GS Team
24 Sep 20262 mins read
TukuTouch Logo
મોરબીના વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં ભાજપ કાર્યકર અમિત સેજપાલ અને અજાણ્યા શખ્સે ફરજ પરના ડો. મોહમદ વકાલીયા પર હુમલો કર્યો હતો. દર્દીને સારવાર આપવા મુદ્દે થયેલા વિવાદમાં ડોક્ટરે ધમકી આપી હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. જોકે, હોસ્પિટલ સ્ટાફે ડોક્ટર પર દર્દીઓને યોગ્ય સારવાર ન આપવાનો આક્ષેપ કર્યો છે. વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરને ધમકાવીને ભાજપના કાર્યકર દ્વારા હુમલો

મોરબી : વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં દર્દીને સારવાર આપવાના મુદ્દે ઉગ્ર વિવાદ સર્જાયો હતો. મહિલા સુધરાઈ સભ્યાનાં પુત્ર એવા ભાજપ કાર્યકર અને એક અજાણ્યા શખ્સ સામે ફરજ પરના ડોક્ટરે ધમકી આપી હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ અહીં દર્દીઓને યોગ્ય સારવાર નહીં આપતી હોવાનો આક્ષેપ થયો છે. એક કર્મચારીએ પણ ડોક્ટર દવા-ઇન્જેક્શનનો પૂરતો સ્ટોક હોવા છતાં દર્દીઓને સારવાર ન આપતા હોવાના આક્ષેપો કરતાં મામલો વધુ ગંભીર બન્યો છે.
વાંકાનેર તાલુકાના પલાસડી ગામે રહેતા અને સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો.મોહમદ અબ્દુલરહીમ વકાલીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ગઈકાલે એક દર્દી અમૃતલાલ મણિશંકર ઠાકર તાવની સારવાર માટે આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ તેમના અગાઉના રિપોર્ટ જોતા તેઓ કેન્સરના દર્દી હોવાનું જણાયું હતું. સ્થિતિ ગંભીર હોવાથી એમડી મેડિસિનનાં નિષ્ણાતની સારવાર જરૂરી હતી, પરંતુ હોસ્પિટલમાં એમ.ડી. મેડિસિન ડોક્ટર હાજર ન હોવાથી રાજકોટ, મોરબી અથવા ખાનગી હોસ્પિટલમાં રિફર કરવાની સલાહ અપાઈ હતી. આ મુદ્દે દર્દીના સગા સાથે રકઝક થયા બાદ બસપાનાં મહિલા સુધરાઈ સભ્ય જયશ્રીબેન સેજપાલનો પુત્ર એવો ભાજપ કાર્યકર અમિત સેજપાલ અને એક અજાણ્યો શખ્સ ડોક્ટર પાસે આવ્યા હતા. બંનેએ 'નોકરી પર કેટલાં વર્ષ થયાં, હજુ નોકરી કરવી છે ને?' સહિતની ધમકી આપીને થપાટ મારીને હુમલો કર્યો હતો. આ મામલે વાંકાનેર સિટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
બીજી તરફ સામાપક્ષે આક્ષેપ કર્યો છે કે, અહીં ડોક્ટર ઉદ્ધત વર્તન કરે છે અને રાજકોટ રિફર કરવાની ધમકી આપે છે. ખુદ હોસ્પિટલ કર્મચારીએ પણ આક્ષેપ કર્યો છે કે, અહીં દવા અને ઇન્જેક્શનનો પૂરતો સ્ટોક હોવા છતાં ડોક્ટર ઈન્કાર કરે છે. સામાન્ય દર્દીઓને પણ સારવાર આપવાને બદલે રાજકોટ કે મોરબી રિફર કરી દેવામાં આવે છે.