Morbi

સિરામિક ઉદ્યોગને પડ્યા પર પાટું, પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટન રૂ. 7300નો કમરતોડ વધારો

By GS Team
24 Oct 20262 mins read
TukuTouch Logo
મોરબીના વિશ્વપ્રસિદ્ધ સિરામિક ઉદ્યોગને વધુ એક ફટકો પડ્યો છે. ઈરાન-અમેરિકા યુદ્ધ, નિકાસ અને કન્ટેનર ભાડાના પ્રશ્નો વચ્ચે, હવે પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટન રૂ. 7300નો ભયંકર વધારો થયો છે. કંડલા અને પોરબંદરથી આવતા આ ગેસના ભાવ વધતા ઉત્પાદન ખર્ચમાં મોટો ઉછાળો આવશે. આંતરરાષ્ટ્રીય મંદી અને વધતા ખર્ચથી ઉદ્યોગકારો ચિંતિત છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સિરામિક ઉદ્યોગને પડ્યા પર પાટું, પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટન રૂ. 7300નો કમરતોડ વધારો

Morbi ceramic Industry: મોરબીનો વિશ્વપ્રસિદ્ધ સિરામિક ઉદ્યોગ છેલ્લા છ મહિના કરતા પણ વધુ સમયથી અનેક પડકારો સામે ઝઝૂમી રહ્યો છે. ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ ત્યારથી જ આ ઉદ્યોગ સતત ગેસ સંકટનો સામનો કરી રહ્યો છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય સ્તરે એક્સપોર્ટ બંધ થવું અને કન્ટેનરના ભાડામાં થયેલો મતિહીન વધારો જેવા પ્રશ્નોથી ઉદ્યોગકારો પહેલાથી જ પરેશાન હતા. આ તમામ મુશ્કેલીઓ વચ્ચે હવે પ્રોપેન ગેસના ભાવમાં થયેલા વિરાટ વધારાએ સિરામિક ઉદ્યોગની કમર તોડી નાખી છે.

પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટન રૂ. 7300નો વધારો

દિવાળીના તહેવારો પૂર્વે સિરામિક ઉદ્યોગકારોને ગેસના ભાવમાં કોઈ રાહત મળવાની આશા હતી, પરંતુ તેના બદલે પડ્યા પર પાટુ વાગ્યું છે. મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટન રૂ. 7300નો મોટો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. કંડલા અને પોરબંદરથી મોરબી તરફ આવતા પ્રોપેન ગેસના ભાવમાં આ વધારો કરવામાં આવ્યો છે, જેનાથી ઉત્પાદન ખર્ચમાં સીધો મોટો ઉછાળો આવશે.

નેચરલ ગેસની સરખામણીએ પ્રોપેન પણ મોંઘો થયો

અત્યાર સુધી નેચરલ ગેસ અને પ્રોપેન ગેસના ભાવ વચ્ચે થોડો તફાવત હતો. નેચરલ ગેસ કરતા પ્રોપેન ગેસ થોડો સસ્તો મળતો હોવાથી ઉદ્યોગકારો પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને કામ ચલાવી લેતા હતા અને પ્રોડક્શન ચાલુ રાખતા હતા. પરંતુ હવે પ્રોપેન ગેસના ભાવમાં આટલો મોટો વધારો થતાં તેના ભાવ પણ નેચરલ ગેસની આસપાસ પહોંચી ગયા છે, જેના કારણે સસ્તા બળતણનો વિકલ્પ પણ હવે છીનવાઈ ગયો છે.

મંદી અને વધતા ઉત્પાદન ખર્ચથી ઉદ્યોગકારો ચિંતિત

આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધની સ્થિતિ હજુ સંપૂર્ણપણે શાંત થઈ નથી, જેના કારણે સિરામિક ક્ષેત્રે મંદીનો માહોલ યથાવત છે. એક તરફ તૈયાર માલનો ઉપાડ ઓછો છે અને બીજી તરફ ગેસના સતત વધતા જતા ભાવોને કારણે પ્રોડક્શન કોસ્ટ (ઉત્પાદન ખર્ચ)ને પહોંચી વળવું ઉદ્યોગકારો માટે અત્યંત મુશ્કેલ બની ગયું છે. ગેસના આ આકરા ભાવવધારાથી મોરબીના સિરામિક ઉદ્યોગકારોની ચિંતામાં ભારે વધારો થયો છે.