Morbi

બેકાબૂ વાહન અને અસાવચેતીનાં કારણે વધુ 4 લોકોના અકાળે મોત

By GS Team
13 Aug 20262 mins read
TukuTouch Logo
મોરબી જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત છે. મોરબી અને ટંકારા પંથકમાં 4 અલગ-અલગ દુર્ઘટનાઓમાં 4 લોકોના કરુણ મોત થયા છે. પતરૂ તૂટવાથી, સિરામિક કારખાનામાં દીવાલ પડવાથી, વીજ કરંટ લાગવાથી અને 2 બાઈક વચ્ચેના અકસ્માતમાં આ યુવાનોએ જીવ ગુમાવ્યા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બેકાબૂ વાહન અને અસાવચેતીનાં કારણે વધુ 4 લોકોના અકાળે મોત

મોરબી: મોરબી જિલ્લામાં અકસ્માતો અને અણધારી દુર્ઘટનાઓનું પ્રમાણ વધી રહ્યું છે. હવે મોરબી અને ટંકારા પંથકમાં પતરૂ તૂટી પડવાથી, સિરામિક કારખાનામાં દીવાલ ધરાશાયી થવાથી, વીજ કરંટ લાગવાથી અને બે બાઈક વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોએ અકાળે જીવ ગુમાવ્યા છે. આ બનાવના કારણે મૃતકોના પરિવારજનોમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે, જ્યારે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રથમ બનાવમાં મોરબીના રફાળેશ્વર ગામે રહેતો ૨૨ વર્ષીય કાનજી વિક્રમ પરમાર સિમેન્ટના પતરા પર ચડીને કચરો સાફ કરી રહ્યો હતો, તે દરમિયાન અકસ્માતે સિમેન્ટ પતરૂ તૂટી જવાથી નીચે પટકાતા ગંભીર ઇજાઓ થવાથી મોત નીપજ્યું હતું. એ જ રીતે બીજા બનાવમાં મોરબીના લાલપર ગામે રહેતા અને પાનેલી ગામની સીમમાં આવેલ કે.ડા. સિરામિક કારખાનામાં કામ કરતા ૨૩ વર્ષીય આરીફઅલી આલમગીર નામના યુવાન પર કોઈ કારણસર દીવાલ ધરાશાયી થઈ હતી. જેથી દબાઈ જવાના કારણે ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું.
જ્યારે ત્રીજી ઘટનામાં ટંકારા તાલુકાના જોધપર ઝાલા ગામના રહેવાસી ૬૭ વર્ષીય ઘનશ્યામસિંહ જુવાનસિંહ ઝાલા પોતાની વાડીની બાજુમાં ઇલેક્ટ્રિક મોટર રિપેર કરી રહ્યા હતા, ત્યારે અચાનક વીજ પ્રવાહ ચાલુ થઈ જતાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગ્યો હતો. તાત્કાલિક ધોરણે તેમને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું પણ મોત થયું હતું. ચોથા બનાવમાં ટંકારાના છતર-વાછ્કપર રોડ પર બે બાઈક ધડાકાભેર સામસામે અથડાતા રોહિતકુમાર સંતોષ રાય નામના યુવાનને માથા અને શરીરે ગંભીર ઈજાઓ થવાથી સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે અકસ્માત સર્જનાર ચાલક પોતાનું બાઈક લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટયો હતો.