Mera Bharat Mahan

વાહ વડા, સબકે મુંહ ચડા

By GS Team
4 Sep 20266 mins read
TukuTouch Logo
મુંબઈથી શરૂ થયેલો વડા-પાવ દેશ-વિદેશમાં લોકપ્રિય બન્યો છે. 1966માં દાદર સ્ટેશન પાસે કાપડ મિલના કામદારો માટે શરૂ થયેલો આ સ્વાદિષ્ટ નાસ્તો હવે પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને અમેરિકા સુધી પહોંચી ગયો છે. પાકિસ્તાનના કરાચીમાં એક હિંદુ યુવતી મુંબઈ જેવા જ વડા-પાવ બનાવી રહી છે. 23 ઓગસ્ટે "વર્લ્ડ વડા-પાવ ડે" પણ ઉજવાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાહ  વડા, સબકે  મુંહ ચડા
  • મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

વાહ વાહ વડા, સબકે મુંહ ચડા, ખાતે હૈ ખડા ખડા… મુંબઈથી ફૂંકાયેલો ટેસ્ટી વડા-પાવનો વંટોળિયો દેશભરમાં ફૂંકાયો છે એટલું જ નહીં વસમા પાડોશી પાકિસ્તાનમાં પણ શોખીનો બોમ્બે વડા-પાવની મજા માણે છે. વડા-પાવની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ છે ને એટલે જ તો દર વર્ષે ૨૩મી ઓગસ્ટે વર્લ્ડ વડા-પાવ ડે ઉજવાય છે. રોઝ-ડે, ફ્રેન્ડશિપ-ડે, મધર્સ-ડે, ફાધર્સ ડે જેવાં જાત જાતના ડે ઉજવાય છે, અને બાકી હતું તે વડા-પાવ ડેની પણ ઉજવણી શરૂ થઈ ગઈ. પણ આડેધડ વડા-પાવ ખાઈ ખાઈને પેટ બગાડો તો પછી હરડે ખાઈને હર-ડે ઉજવવાની જરૂર પડે. વડા-પાવ આજે સ્ટ્રીટ ફૂડમાં શિરમોર સમાન બની ગયું છે. વડા-પાવની શરૂઆત મુંબઈના દાદર સ્ટેશન નજીક ૧૯૬૬માં થઈ હોવાનું ગુગલ-એ-આઝમનું કહેવું છે. એ વખતે દાદરની આસપાસ ઘણી મિલો હતી. કાપડ મિલના કામદારોને પેટ ભરાઈ જાય અને વળી એ પણ ઓછા ખર્ચે એટલે એક ભેજાબાજ સજ્જને દાદર સ્ટેશન પાસે સ્ટોલ શરૂ કર્યો. ગરમાગરમ બટેટા વડા તળે પછી પાવમાં ચટણી લગાડી વચ્ચે ગરમાગરમ વડા ગોઠવી દે. મિલ વર્કરોને તો પાવ-વડા બહુ જ ભાવ્યા. પછી તો ધીરે ધીરે વડા-પાવની લારીઓ ઠેર ઠેર શરૂ થઈ ગઈ. આજે વડા-પાવ ભારતની સરહદ ઓળંગીને પાકિસ્તાન તો ઠીક ઈંગ્લેન્ડ-અમેરિકા પહોંચી ગયા છે. આ દેશી બર્ગરનો દમામ જોયોને? પાકિસ્તાનના કરાચી શહેરના કેન્ટાન્મેન્ટ સ્ટેશન પાસે એક હિંદુ પરિવારની યુવતી મુંબઈ જેવાં જ વડા-પાવ બનાવીને ધૂમ વેચાણ કરે છે. વડા-પાવની કંપની માટે આ યુવતી મુંબઈ જેવી પાવ-ભાજી પણ વેંચે છે. આના ઉપરથી કહેવું પડે કે સ્વાદ અને સ્વરને કોઈ સરહદ નડતી નથી.
દુલ્હારાજાને પીઠ ઉપર બેસાડી પાર ઉતાર્યા
બેન્ડવાજામાં ગીત વાગતું હોઃ લે જાયેંગે લે જાયેંગે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે… ગીતની સૂરાવલી અને ઢોલના તાલે જાનૈયાઓ નાચતા હોય અને વરરાજા ઘોડા પર સવાર થઈને મ લકતા હોય અને હોય એ દ્રશ્ય સહુએ જોયું હશે. પણ સૂસવાટા બોલાવતા સોશ્યલ મિડિયાના જમાનામાં કંઈક નોખું કે અનોખું કરી દેખાડી વાઈરલના વંટોળિયા પર સવાર થઈને ચારે તરફ ફરી વળવા માટે અવનવા સ્ટંટ કરતા હોય છે. આસામમાં એક દુલ્હારાજા હાથી ઉપર સવાર થઈને પરણવા નીકળ્યા હતા. તો બીજી તરફ રાજસ્થાનના બાડમેર વિસ્તારમાં એક કિસાન પરિવારના નબીરાની જાન ટ્રેકટરમાં નીકળી હતી. સૌથી આગળના ટ્રેકટરમાં દુલ્હારાજા સાફો પહેરી ભેટે તલાવર બાંધીને વટથી બેઠા હતા અને પાછળ ૧૦૧ ટ્રેકટરમાં જાનૈયાઓ ગોઠવાયા હતા. મધર ઈન્ડિયા ફિલ્મના ગીતઃ ગાડીવાલે ગાડી ધીરે હાંક રે… ગીતમાં જેમ બળદગાડામાં જાન જતી જોવા મળે છે એવું દ્રશ્ય રાજસ્થાનમાં જોવા મળ્યું હતું. જ્યારે ગુજરાતના એક ગામે વરરાજા જે.સી.બી. મશીનમાં ઊંચે બેસીને જ્યારે વાજતે ગાજતે પરણવા નીકળ્યા ત્યારે બેન્ડવાજાવાળાએ પણ બરાબર બંધબેસતું ગીત રેલાવ્યું હતું ઃ આસમાન સે આયા ફરીશ્તા, પ્યાર કા સબક સીખલાને… આમ વરરાજા ઘોડા ઉપર નહીં પણ ટ્રેકટર ઉપર કે પછી જેસીબી મશીન પર બેસીને જતા જેણે જેણે જોયા હશે એમની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ હશેને? પણ આનાથી પણ આશ્ચર્યજનક દ્રશ્ય હિમાચલ પ્રદેશના ચમ્બા જિલ્લાના પહાડી વિસ્તારમાં લગ્નની જાન નીકળી ત્યારે જોવા મળ્યું હતું. એવું થયું કે મુશળધાર વરસાદ તૂટી પડયો હતો. પહાડ પરથી નાના ધોધ પડવા માંડયા હતા. ઝરણામાંથી ઘસમસતું પાણ ી વહેવા માંડયું હતું. આવી સ્થિતિમાં જાન આગળ કઈ રીતે વધી શકે? દુલ્હારાજા પણ વિમાસણમાં મૂકાયા કે વિવાહ થશે કેવી રીતે? ત્યારે એક હટ્ટોકટ્ટો જાનૈયો આગળ આવ્યો અને વરરાજાને ઉપાડીને પીઠ પર બેસાડી સડસડાટ ધસમસતા કાંઠે લઈ ગયો અને આમ જાનૈયાની હિમ્મતને લીધે લગ્ન પાર પડયા. એટલે આ રીતે વરરાજાને પીઠ પર બેસીને પરણવા જતા કોઈએ જોયા નહીં હોય, બરાબરને? આ ઘટનાનો વિડિયો જોઈ કહેવું પડે કેઃ
જવાં મર્દ જાનૈયાએ
બાઝી લગાડી જાનની
આમ જાળવણી કરી
શુભપ્રસંગની શાનની.
પરદેશીને બનાવ્યો દેશી પતિ
'જબ જબ ફૂલ ખીલે' ફિલ્મનું એક યાદગાર ગીત છેઃ પરદેસિયોં સેના અખિયાં મિલાના… પરદેસિયોં કો હૈ એક દિન જાના… પરંતુ કેરલમ (કેરળ)ના એર્નાકુલમ ગામની નીતિન ચંદ નામની યુવતી મેનેજમેન્ટ સ્ટડીઝ માટે સ્કોટલેન્ડ ગઈ ત્યારે એક પરદેશી સાથે આંખ મળી ગઈ અને બન્ને એકબીજાના પ્રેમમાં પડયા. આ પરદેશી કોઈ સામાન્ય માણસ સ્કોટલેન્ડ સાંસદ માર્ટિન ડે હતો. પ્રેમસંબંધ વધુને વધુ ગાઢ બનતો ગયો અને બન્નેએ બ્રિટનમાં લગ્ન કરી લીધા. પણ કેરલમની કન્યા નીતિન ચંદની ઈચ્છા હતી કે કેરલમ જઈને દક્ષિણ ભારતીય પદ્ધતિથી લગ્ન કરવા છે. પરંતુ વચ્ચે કપરો કોરોના કાળ આવી ગયો એટલે બંને ભારત ન આવી શક્યા. લોકડાઉન પત્યા પછી પણ કોઈને કોઈ કારણસર લગ્નનો મેળ નહોતો જામતો. આખરે થોડા સમય પહેલાં જ માર્ટિન ડે અને નીતિન ચંદ બન્ને કેરલમ આવી પહોંચ્યા અને પારંપારિક વેશભૂષામાં સ જ્જ થઈ બન્નેએ ગુરુવાયુર મંદિરમાં લગ્ન કરી લીધા હતા. પરદેશીને પણ દેશી બનાવી નાખે એ પત્ની કેવી જબરી કહેવાય?
પ્રેમલીલા કરતા ટીચરોને પાણીચું
શિક્ષકો અને શિક્ષિકાઓ બાળકોને પ્રેમથી ભણાવે તો એ શિક્ષણ ઉગી નીકળે. પરંતુ મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લાની એક આદિવાસી સ્કૂલમાં બાળકોને પ્રેમથી ભણાવવાને બદલે પ્રેમલીલા કરતાશિક્ષક-શિક્ષિકાથી કંટાળેલા બાળકોએ જિલ્લા મથકે પહોંચીને આદિવાસી કલ્યાણ વિભાગના ઉચ્ચ અધિકારીને ફરિયાદ કરી કે 'સ્કૂલ મેં દોનો ટીચર્સ હમે પઢાને કે બદલે બસ પ્યાર-મોહબ્બત કરતે રહતે હૈ' ઉચ્ચ અધિકારીએ આ ફરિયાદની ગંભીર નોંધ લઈને સ્કૂલમાં પ્રેમલીલા કરતા શિક્ષક અને શિક્ષિકાને તત્કાળ નોકરીમાંથી પાણીચું આપી દીધું. ખુલ્લેઆમ માસુમ બાળકોની નજર સામે ઈશ્કબાજી કરે એ કેમ ચલાવી લેવાય? ઈશ્ક કરવામાં પણ કેવું રિસ્ક છે?
શ્વાને ચોર્યા ચાર લાખના દાગીના
પોલીસ ડોગ તેની એકદમ પાવરફૂલ સૂંઘણશક્તિથી ચોરી, લૂંટ અને હત્યાના કેસ ઉકેલી નાખતા હોય છે. લોકો ગુનાખોરોથી બચવા ઘરમાં શ્વાન પાળે છે. કારણ શ્વાનની ગણના માણસના સૌથી વફાદાર દોસ્તમાં થાય છે. પણ કોઈ શ્વાન ચોરી સામે રક્ષણ પૂરૃં પાડવાને બદલે પોતે જ ચાર લાખ રૂપિયાના દાગીના અને રોકડ રકમ ચોરીને પલાયન થઈ જાય ત્યારે કેવી નવાઈ લાગે? આ ઘટના બની હતી દશાનન રાવણના સાસરાનું ગામ મનાતા મંદસૌરની ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં. એક મહિલા જખમી દીકરાની સારવાર માટે હોસ્પિટલમાં આવી હતી. માથામાં ઈજા સાથે આવેલા દીકરાને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. મહિલાએ રાતે પોતાની પાસેના બે હજાર રૂપિયા અને સોનાના દાગીના મળીને ચાર લાખની માલમંત્તા થેલીમાં સાચવીને મૂકી દીધી હતી. રાત્રે એક કૂતરો ખાવાનું શોધવા હોસ્પિટલમાં ફરતો હતો ત્યારે તેની નજરે થેલી પડી. એટલે એ થેલી લઈને ભાગી ગયો હતો. મહિલાએ સવારે ઉઠીને જોયું તો થેલી ગાયબ હતી. તેને ધ્રાસકો પડયો હતો. મહિલાએ ફરિયાદ કરતા પોલીસ દોડી આવી હતી. ચોરને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા. સી.સી.ટી.વી. ફૂટેજ તપાસવામાં આવતા આ ચોરી પાછળ બેપગા-ચોરનો નહીં પણ ચોપગા ચોરનો હાથ હોવાનું જોવા મળ્યું. રઝળતો કૂતરો થેલી ઉપાડીને હોસ્પિટલની બહાર નાસતો નજરે પડયો હતો. પોલીસ ટીમ હોસ્પિટલ પરિસર ખૂંદી વળ્યા બાદ એક જગ્યાએથી રોકડ-દાગીના સાથેની થેલી સહીસલામત હાથ લાગી હતી. આના પરથી કહેવું પડે કેઃ
પોલીસ-ડોગ પકડે હત્યા
લૂંટ કે ચોરી-ચોરી
પણ ડોગ જયારે કરે ચોરી
ત્યારે પોલીસ જાય દોડી દોડી.
રાવણની પટરાણી મંદોદરી મંદસૌરની રાજકુંવરી હતી એવું મનાય છે. એટલે જ મંદસૌરમાં રાવણ ગામના જમાઈ તરીકેનું માન મેળવે છે. એટલે વધુમાં કહેવાનું મન થાય કેઃ
રાવણના સાસરાના ગામે
શ્વાન જ કરે ચોરી
ત્યારે પછી કોણ
કહેવાનું સોરી?