પાકિસ્તાનમાં પણ પાવાગઢવાળી માતાનો જયજયકાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- મેરા ભારત મહાન- અક્ષય અંતાણી
મા પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે, વસાવ્યું ચાંપાનેર પાવાગઢ વાળી રે… શારદીય નવરાત્રિમાં ગામેગામ માતાજીના ગરબા ગુંજે છે અને ગાજે છે. અમેરિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં રાસ-ગરબાની રમઝટ બોલે છે એમ વસમા પાડોશી પાકિસ્તાનમાં પણ પાવાગઢવાળી માતાનો જયજયકાર સંભળાય છે, પાકિસ્તાનના સિંઘ પ્રાંતના કરાચીમાં રણછોડ લેનમાં વસતા હિંદુઓ કેટલાય વર્ષોથી પારંપારિક રીતે નવરાત્રિ ઉત્સવ ઉજવે છે. માતાજીની પૂજા-આરતી થાય છે, ઉપવાસ કરવામાં આવે છે અને પછી મંદિરના આંગણમાં માતાજીના ભક્તો દાંડિયારાસ અને ગરબાની રમઝટ બોલાવે છે. કરાચીમાં ગુજરાતીઓ પણ સારી એવી સંખ્યામાં વસે છે. આ વખતે પણ કરાંચીમાં નવરાત્રિની શ્રદ્ધાપૂર્વક ઊજવણી થઈ રહી છે. પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં આવેલા હિંગળાજ માતાના મંદિરમાં પણ ઉજવણીનો રંગ જોવા મળે છે. માત્ર હિંદુઓ જ નહીં પણ સ્થાનિક મુસ્લિમો પણ હિંગળાજ માતા પ્રત્યે શ્રદ્ધા ધરાવે છે. તેઓ આ મંદિરને નાની કા મંદિર તરીકે ઓળખે છે. પાકિસ્તાનમાં નોરતાની થતી ઉજવણી જોઈને કહેવું પડે કે ભક્તિ-શ્રદ્ધાને કોઈ સીમાડા નથી નડતા.
સેવ-બુંદીનો નાસ્તો
કરવા આવતો કાગડો
શ્રાદ્ધપક્ષમાં ખીર-પુરી ખાવા માટે લોકો કાગડા આવ… કાગડા આવ… એમ ગળા ફાડી ફાડીને બોલાવતા હોય છે. પણ મુંબઈ જેવાં શહેરોમાં તો કાગડાની વસ્તી જ ઓછી થતી જાય છે એમાં બોલાવો ત્યારે ક્યાંથી કાગડા આવે? પણ મહારાષ્ટ્રના મુરૂડ ગામે સુધાકર સુર્વે નામના દુકાનદાર અને એક કાગડા વચ્ચે એવી દોસ્તી બંધાઈ ગઈ છે કે છેલ્લાં ત્રણ વર્ષ સવારે અને બપોરે આ કાગડો સેવ-બુંદી ખાવા માટે આવી જ જાય છે. આ કાગડો ટાઈમનો એવો તો પાક્કો છે કે સવારે સાડાઆઠે અને બપોરે સાડા ત્રણે આવી જ જાય છે. કાગડો આવીને દુકાનદારના ખભે બેસી જાય પછી વયોવૃદ્ધ દુકાનદાર બરણીમાંથી સેવ-બુંદી કાઢી હાથમાં રાખી પ્રેમથી ખવડાવે છે. છેલ્લા ત્રણ વર્ષથી આ નિયમ જળવાયો છે. સેવ-બુંદીના શોખીન આ કાગડાને જોઈને એવો પણ વિચાર આવે કે ગંદકી સાફ કરવાનું મહત્ત્વનું કામ કરતા કાગડાની ઘટતી વસતીની બાબત ધ્યાનમાં લઈ જેમને બચાવવાની 'સેવ' કરવાની ઝુંબેશ શરૂ કરવી જોઈએ. આ ઝુંબેશ માટે સેવ-બુંદીને બદલે નવું સ્લોગન બનાવવું જોઈએઃ સેવ-ક્રો.
ભગવાન બચાવો ઝુંબેશ
માણસ મુશ્કેલીમાં હોય ત્યારે ભગવાનન ે સાદ કરે છે. પણ મુંબઈ નજીકના મીરારોડ-ભાઈંદરમાં ભગવાનને બચાવવા માટે 'જેન-ઝી'ની ટીમ મેદાને પડી છે. જે ભગવાનની આપણે શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરીએ છીએ એ જ ભગવાનની મૂર્તિઓ ખંડિત થઈ જાય ત્યારે તેને મોટે ભાગે વૃક્ષોની નીચે કે મંદિરોની બહાર મૂકી દેવામાં આવે છે. આ દ્રશ્ય શ્રદ્ધાળુઓને આંખમાં ખૂંચે છે. એટલે જ મીરા-ભાઈંદરના કર્તવ્ય પથ ફાઉન્ડેશનના યુવા કાર્યકરો. છેલ્લાં સાતેક મહિનાથી ભગવાન સન્માન બચાવો અભિયાન ચલાવે છે. આ જેન-ઝી ટીમ વૃક્ષોની નીચે, મંદિરોની આસપાસ, બગીચામાં કે સડકને કિનારેથી દેવી-દેવતાઓની ખંડિત પ્રતિમાઓ, કાચની ફ્રેમમાં મઢેલા ભગવાનના ફોટા, ધાર્મિક તસવીરો અને કેલેન્ડરો વગેરે એકત્ર કરે છે. ત્યારબાદ સન્માનપૂર્વક પ્રતિમાઓ અને ફ્રેમ કરેલી તસવીરોનું તળાવ કે સમુદ્રમાં વિસર્જન કરે છે. વિસર્જન કરતા પહેલાં મઢેલા ફોટાને કાચ અને ફ્રેમથી અલગ કરવામાં આવે છે અને પછી પાણીમાં પધરાવાય છે જેથી જળપ્રદૂષણ ન ફેલાય. આ જોઈને કહેવું પડે કેઃ પ્રભુની પ્રતિમાઓ સમક્ષ ભોગ ધરાવાય પણ એ જ પ્રતિમા ખંડિત થયા પછી માનપૂર્વક પાણીમાં પધરાવાય એ સારૃં જ કહેવાય. જેન-ઝી કોઈ ં મુદ્દે આંદોલન છેડે ત્યારે ઘણાં સત્તાપક્ષ વાળા કહેતા હોય છે કે જેન-ઝીથી તો ભગવાન બચાવે. પણ મીરા-ભાઈંદરના જેન-ઝી ભગવાનને બચાવે છે.
ચીની માતા બાળકને સુવાડવા હાલરડાને બદલે હનુમાન ચાલીસા સંભળાવે છે
હો મૈને તેરે કી ભરોસે હનુમાન, સાગર મે નૈયા ડાર દીયી…. 'હનુમાન અંશ' ફિલ્મના આ ભજને ધૂમ મચાવી છે એટલું જ નહીં આ ફિલ્મે સેંકડો કરોડની કમાણી કરી છે. હનુમાનજીના અંશ નીમ કરોલી બાબાના નૈનીતાલ પાસે આવેલા કૈંચી ધામ આશ્રમમાં દેશ-વિદેશના ભક્તોનો સતત પ્રવાહ ચાલુ છે. રામદૂત હનુમાનજીના પરદેશમાં પણ અગણિત ભક્તોવસે છે. અમેરિકાના લોસ એન્જલસમાં રહેતી ચીની બિઝનેસ વુમન સારા જેન હો પોતાના ચાર મહિનાના દીકરાને સુવડાવવા માટે રોજ હાલરડાને બદલે હનુમાન ચાલીસા સંભળાવે છે. દીકરો રડવા માંડેૈ કે પછી મસ્તી-તોફાન કરે ત્યારે ચીની મમ્મી હનુમાન ચાલીસા વગાડવા માંડે છે. તરત જ હનુમાન ચાલીસા કાને પડતાની સાથે જ ઘસઘસાટ ઊંઘી જાય છે. એટલે જ કહે છે કે ના કોઈ અનુમાન કરો, સાચી શ્રદ્ધાથી જય જય હનુમાન કરો.
નારી ક્યારેય ન હારી કોઈ કહે નહીં બીચારી
જૂના જમાનામાં કહવાતું દીકરી ને ગાય દોરે ત્યાં જાય અથવા તો દીકરી તો ગરીબડી ગાય જેવી છે, પણ આજના સ્ત્રી સશક્તીકરણના જમાનામાં સ્ત્રીઓ પુરૂષ સમોવડી બની છે એટલું જ નહીં ઘણી મહિલાઓ તો પુરૂષોને પણ ક્યાંય પાછળ મૂકી આગળ વધી છે કે ટોચ પર પહોંચી છે. એટલે જ હવે ઉત્તર પ્રદેશના પોલીસ વડા રાજીવ કૃષ્ણએ યૌન અપરાધના મામલામાં એફઆઈઆર (ફર્સ્ટ ઈન્ફોર્મેશન રિપોર્ટ)થી માંડીને આરોપનામા સુધીની ભાષાને સંવેદનશીલ અને હક્કિત પર આધારિત રાખવાની રાજ્યના પોલીસ ફોર્સને સૂચના આપી છે. એટલે યૌન અપરાધની તપાસ વખતે પોલીસ મહિલા કી ઈજ્જત લૂંટલી, બેચારી મહિલા, અબલા, ચરિત્રહીન અથવા દરિંદા જેવાં શબ્દપ્રયોગ નહીં કરે. સુપ્રીમ કોર્ટે થોડા વખત પહેલાં જ નિર્દેશ કર્યો હતો કે કાનૂની અને પોલીસ પ્રક્રિયા દરમ્યાન પીડિતાઓને ફરીવાર માનસિક આઘાત પહોંચે એવી ભાષાનો ઉપયોગ ટાળવો જોઈએ. સુપ્રીમ કોર્ટના આ નિર્દેશ યુ.પી. પોલીસે પાલન કર્યું છે. બાળકો માટે બાલ-પીડિત અથવા બાલ ઉત્તરજીવી શબ્દનો ઉપયોગ કરવામાં આવશે. આબરૂ લૂંટી તેની જગ્યાએ શારીરિક સ્વાયત્તતા કે ગરિમાનું ઉલ્લંઘન અન વાસનાના શિકારની જગ્યાએ યૌન હિંસાની પીડિતા શબ્દનો ઉપયોગ કરવાનું સૂચવાયું છે. આ નવી ગાઈડ લાઈન્સમાં આરોપી માટે પણ દરિંદા, રાક્ષસ, વાસનાપરસ્ત જેવાં શબ્દોને બદલે અભિયુક્ત અથવા આરોપિત વ્યક્ત લખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
પીડિત નારીને ફરી માનસિક આઘાત ન પહોંચે એવી તેમ જ તેનું સન્માન જળવાય એવી ભાષાના નવતર પ્રયોગ વિશે જાણીને કહવું પડે કેઃ
નારી ક્યારેય ન હારી
એને કોઈ ન કહે બીચારી.
નેટવર્ક પ્રોબ્લેમઃ કર્મચારીને બાંધ્યો ટાવર સાથે
કાનૂડાને બાંધ્યો, જશોદાએ હીરની દોરીએ… કેવું મજાનું ગીત છે? પણ ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાના હરદૌલી ગામમાં મોબાઈલ નેટવર્કના કાયમી પ્રોબ્લેમથી કંટાળેલા ગ્રામજનોએ ગુસ્સે થઈને મોબાઈલ ટાવરનું રિપેરિંગ કરવા આવેલા ટેકિનશિયનને જ ટાવર સાથે મુશ્કેરાટ બાંધી દીધો હતો. વળી હીરની દોરીએથી નહીં હો? દોરડાથી બાંધી દીધો હતો. 'શોલે'માં ગબ્બરે ધર્મેન્દ્રને બાંધ્યો હતો એવો સીન જોવા મળ્યો. કર્મચારીને મોબાઈલ ટાવર સાથે બાંધીને પછી ગામવાળાએ શરત મૂકી કે મોટા ઓફિસરો આવીને મોબાઈલ નેટવર્કની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં લાવે ત્યાં સુધી આ કર્મચારીને છોડવામાં નહીં આવે. આ ઘટનાની વિડિયો વીજળીવેગે વાઈરલ થતા દોડધામ મચી ગઈ હતી. અધિકારીઓ દોડી આવ્યા હતા અને બંધક બનાવવામાં આવેલા ટેકિનશિયનને છોડાવ્યો હતો. નેટવર્કની સમસ્યા ઉકેલવા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા.
પંચ-વાણી
આસ્થાળ ઉજવે નોરતાં
આળસુ રહે ઘોરતાં.




