જેલ કા ખેલ મહાત્મા-મુન્નાભાઈ કા મેલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
લગે રહો મુન્નાભાઈ ફિલ્મમાં સંજય દત્તની ગાંધીગીરી યાદ છેને? હવે કોઈ એવો સવાલ કરે કે મહાત્મા ગાંધીજી અને સંજય દત્ત એક જ જગ્યાએ ક્યાં રહ્યા હતા? તો એનો જવાબ છે પુણેની ઐતિહાસિક યેરવડા જેલમાં. આઝાદીના આંદોલન વખતે ગાંધીજીને ૧૯૨૨થી ૧૯૨૪ અને ૧૯૩૩થી ૧૯૩૪ સુધી રાખવામાં આવ્યા હતા. આ જ જેલમાં ગાંધીજીએ પોતાની આત્મકથા 'મારા સત્યના પ્રયોગો' લખવાની શરૂઆત કરી હતી. ગાંધીજી ઉપરાંત સ્વતંત્રતા સંગ્રામમાં ટોચના સેનાનીઓ જવાહરલાલ નેહરુ, લોકમાન્ય તિલક, વીર સાવરકરને પણ આ જ જેલમાં રાખવામાં આવ્યા હતા. ત્યાર પછી મુંબઈના સિરિયલ બોમ્બ બ્લાસ્ટ વખતે સંજય દત્તની પાસેથી ઘાતક શસ્ત્રો પકડાતાં પોલીસે તેને ઝડપી લીધો હતો અને કોર્ટે તકસીરવાર ઠેરવતા મુન્નાભાઈને યેરવડા જેલમાં બંધ કરવામાં આવ્યા હતા. જેલમાં સંજય દત્ત ખુરશીઓ બનાવીને મહેનતાણું મેળવતો. ગાંધીજીની પાછળ જેલ સત્તાવાળા મહિને દોઢસો રૂપિયાનો ખર્ચ કરતા. જ્યારે ગાંધીગીરી દેખાડનાર મુન્નાભાઈ ખુરશી બનાવીને નજીવું મહેનતાણું મેળવતો. યોગાનુયોગ કેવો છે? આજે પણ કેટલાય ગાંધીજીના નામે ખુરશી મેળવવાનો પ્રયાસ કરે છે. આ જ યેરવડા જેલમાં ૨૬-૧૧ના ટેરરિસ્ટ અટેક વખતે જીવતા પકડાયેલા પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબને ફાંશીને માંચડે ચડાવવામાં આવ્યો હતો. પુણેની યેરવડા જેલની ગણના દક્ષિણ એશિયાની મોટામાં મોટી જેલમાં થાય છે. અંગ્રેજોએ ૧૮૭૧માં પુણેની બહાર ઘણે દૂર બાંધેલી જેલ આજે પુણે શહેરની વચ્ચે આવી ગઈ છે. ૫૧૨ એકરમાં ફેલાયેલી જેલમાં પાંચ હજાર કેદીઓને રાખવાની ક્ષમતા છે. આ ઐતિહાસિક યેરવડા જેલ વિશે જાણીને કહેવાનું મન થાયઃ
પુણે કી જેલ કા ખેલ દેખો
મહાત્મા ઔર મુન્નાભાઈ
કા મેલ દેખો.
સસ્તી સાકર
માટે હવન
સાકરના ચડે ભાવ ત્યારે જનતાને ચડે તાવ. મીઠી સાકર થાય ત્યારે મોળા પડે માણસ. મીરાબાઈ ગાતા મને ચાકર રાખોજી… જ્યારે સાકરના દામવધારા વખતે ગાવું પડે છે મને સાકર આપોજી… મીરાબાઈનું ભજન ગાવાની સાથે હવે તો ક્યાંક સાકર સસ્તી થાય એ માટે હોમ -હવન પણ થવા માંડયા છે. તાજેતરમાં જ સોશ્યલ મિડિયામાં સાકર ભક્તિનો વિડિયો વાઈરલ થયો હતો. આમાં ભકતજનો ભાવપૂર્વક હાથ જોડીને હવનકુંડ આસપાસ બેઠા છે અને પંડિતજી મંત્ર બોલે છેઃ ચીની બીસ રૂપિયે કિલો હો જાયે સ્વાહા… સ્વાહા… સ્વાહા… મોંઘવારી અને ભાવ વધારાની આવી છે મોકાણ બોલો! વધતા ભાવ ઘટાડવા માટે લોકોએ 'ભાવ'થી હવન કરવા પડે છે.
ભાજપના પ્રધાન કહે છે ખાંડના ભાવ હજી વધવા જોઈએ
પ્રજાનું ધાન ખાઈને બનેલા પર-ધાન (પ્રધાન) જ્યારે પ્રજાની પીડા દૂર કરવાનો પ્રયાસ કરવાને બદલે જખમ ઉપર મીઠું ચોપડવા જેવી ચાવળાઈ કરે ત્યારે કેવી દાઝ ચડે? ખાંડના વધતા ભાવના વિરોધમાં આ જે લોકો કેન્દ્ર અને રાજ્ય સરકારો ઉપર પસ્તાળ પાડી રહી છે ત્યારે મધ્ય પ્રદેશના સંસદીય કાર્યમંત્રી કૈલાસ વિજયવર્ગીયએ જણાવ્યું હતું કે સાકર હજી મોંઘી થવી જોઈએ અને ૪૦ વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિને આપવી જ ન જોઈએ. સાકરનો જેમ ઉપયોગ ઓછો થાય એટલું સારૃં છે. આજે ૯૦ ટકા લોકોને મીઠાઈ ભાવતી નથી. એટલે મીઠાઈ અને ચોકલેટો ફક્ત બાળકોને જ સસ્તી કિંમતે વેંચાવી જોઈએ. વરિષ્ઠ નાગરિકોને તો જરા પણ ગળી ચીજો અપાવી જ ન જોઈએ. લ્યો બોલો! સાકરના ભાવ વધતા જાય છે એનું કારણ આપવાને બદલે કે પછી કોઈ ગળે ઉતરે એવી ગળી વાત કરવાને બદલે મંત્રી સાવ સાકર બંધ કરવાની જ સલાહ આપે એ કેવું વિચિત્ર લાગે? ડાયાબિટિસવાળા સાકર ન ખાય એ બરાબર પણ બાકીના લોકોએ શું ગુનો કર્યો છે? પ્રધાનની વાત સાંભળી કહેવું પડે કેઃ
સાકર વિના કોને કહીએ
કે ટેસ્ટી ચા-કર જુદી
લઈ સાકરના
ભાવ વધારાનો બચાવ કરે
જ્યાં સરકારી ચાકર?
સોનિયા માતાની જય
રાજકીય પક્ષોની રેલી કે સરઘસમાં મોટા મોટા નેતાનો જય જય કાર કરવામાં આવતો હોય છે. પણ કોઈ મંદિરમાં રાજકીય નેતાના નામનો જયજયકાર થાય અને આરતી ઉતારવામાં આવે ત્યારે ખરેખર આશ્ચર્ય થાય. નેતાની નહીં નેતીની આરતી ઉતારતું આ અનોખું મંદિર એટલે તેલંગણાના મહેબૂબ નગરમાં આવેલું સોનિયા ગાંધીનું મંદિર. મંદિરમાં સોનિયા ગાંધીની ૯ ફૂટની મુગટધારી પ્રતિમાના દર્શન થાય છે. ૨૦૧૪માં કોંગ્રેસ સરકારે અલગ તેલંગણા રાજ્ય રચવાનો નિર્ણય લીધો એ બદલ આભાર વ્યક્ત કરવા માટે કટ્ટર કોંગ્રેસી ભક્ત તરફથી સોનિયા ગાંધીને દેવીના સ્વરૂપમાં ઊભેલા દર્શાવતી તામ્ર પ્રતિમાં સાથેનું મંદિર બાંધવામાં આવ્યું હતું. નસીબનો ખેલ કેવો છે? મંદિર બંધાયા પછી કોંગ્રેસના હાથમાંથી સત્તાનું સૂકાન સરકી ગયું. એટલે હવે સોનિયા દેવીનું મંદિર રહ્યું છે, પણ કોંગ્રેસના હાથમાં સત્તા નથી રહી. એક જમાનામાં કોંગ્રેસનો દબદબો હતો ત્યારે કહેવાતું કોંગ્રેસ કભી નહીં હારતી… આજે કહેવું પડે છે પરાજિત કોંગ્રેસના નેતાની ઉતરે છે આરતી.
દોડતા જાવ કચોરી ખાતા જાવ
ખાવા-પીવાના શોખીન ગ્રેટ શોમેન રાજકપૂરને રાજસ્થાની કચોરી ભાવતી. એ તો એમને કચોરીને લગતો કોઈ ઈન્ટરેસ્ટિંગ સબજેકટ મળી ગયો હોત તો ચોરી-ચોરી ફિલ્મની જેમ કચોરી-કચોરી ફિલ્મ બનાવતા પણ વાર ન લાગત. કોઈ શહેર કે ગામની કચોરી બહુ જ વખણાતી હોય તો સ્વાદના રસિયા ખાવા માટે તરત દોડે. પણ કોઈ દોડતા દોડતા કચોરી ખાતા હોય તો એ જોઈ ભારે નવાઈ લાગેને? વળી એક કે બે જણ નહીં પણ સંખ્યાબંધ લોકો દોડતાં દોડતાં હસતાં હસતાં કચોરી ખાતા જાય તો કચોરી રનનો આ સીન જોનારાની આંખો આશ્ચર્યથી ફાટી જાય. આ કોઈ ફળદ્રુપ ભેજામાંથી ઉપજાવી કાઢેલો કિસ્સો નથી, પણ રાજસ્થાનના બિકાનેરમાં યોજાયેલી 'કચોરી રન' મેરેથોનની હક્કિત છે. બિકાનેર રન કલબ તરફથી થોડા સમય પહેલાં જ યોજાયેલી આ મેરેથોનમાં લોકો દોડતા જતા હતા અને ધીમે ધીમે આગળ ચાલતા ટેમ્પોમાં સ્વયંસેવકો કચોરીનો થાળ ભરીને તૈયાર હતા. લોકો થાળમાંથી કચોરી ઉપાડી મોંઢામાં મૂક્તા જાય અને દોડતા જાય. લોકોને જોગિંગ કે એક્સરસાઈઝ કરવાની શીખામણ આપો તો તેને કદાચ શીખામણ ગળે ન પણ ઉતરે. પરંતુ કસરતની સાથે કોઈ મજેદાર પ્રવૃત્તિ એટલે કે તાલ બદ્ધ સંગીત કે ડાન્સના સ્ટેપ્સ જોડવામાં આવે તો તેને મજા આવી જાય. એટલે જ માત્ર ફિટનેસ એક્ટિવિટી પર જ નહીં પણ ફન-એક્ટિવિટી પર પણ ધ્યાન આપતી બિકાનેર રન ક્લબે આ કચોરી રનનો તુક્કો અજમાવ્યો હતો. ઉત્તર ભારતમાં કચોરીને કચૌડી કહે છે, એટલે કચોરી રનની વિડિયો સોશ્યલ મિડિયામાં જોઈને કહેવાનું મન થાયઃ
સહુ ખાવ કચૌડી દોડી દોડી
ફિટનેસ સાથે ફનનેસ જોડી જોડી
પંચ-વાણી
કુંવારી કન્યા કરે 'મિસ' કોલ
માછલીઓ કરે ફિશ કોલ
ચુંબનચોર કરે કિસ કોલ
બાકી શાંતિથી થાય પીસ કોલ .




