Get The App

આસમાનમાં આસામનો ડાન્સ .

Updated: May 8th, 2026

GS TEAM

Google News
Google News
આસમાનમાં આસામનો ડાન્સ                     . 1 - image

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

કોઈ પણ પ્રાંતનું લોકનૃત્ય હોય એ જોવાનું ગમે, પણ આસામના બિહૂ નૃત્યએ તો બ્રહ્માંડમાં ડંકો વગાડયો. ઈન્ટરનેશનલ  સ્પેસ સ્ટેશનમાં ગયેલા અમેરિકન અવકાશયાત્રી માઈક ફિન્કેએ તાજેતરમાં જ પોતે બિહૂ ડાન્સ કરતો હોય એવો વીડિયો શેર કર્યો હતો. આનું કારણ છે કે માઈકની પત્ની આસામની છે. એટલે જ આસામના આ લોકનૃત્યને પ્રમોટ કરવા ટ્રેડિશનલ લાલ રંગનો ગમછો ગળા ફરતે વિંટાળીને મજેદાર બિહૂ ડાન્સ કર્યો હતો. આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ આ વીડિયો શેર કરીને લખ્યું હતું કે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં બિહૂ. ઘણી પત્નીઓ પોતાના પતિને નચાવતી હોય છે, પણ માઈકે તો સ્વેચ્છાએ પત્નીના વતનનું લોકનૃત્ય પેશ કરીને છાકો પાડી દીધો હતો.

કચોરીના બાપા કચોરા

રાજ કપૂરે 'ચોરી ચોરી' ફિલ્મ બનાવી એ પહેલાં જો મહારાષ્ટ્રના સંત ગજાનન મહારાજના શેગાંવની કચોરીનો મજેદાર ટેસ્ટ માણ્યો હોત તો 'કચોરી-કચોરી' ટાઈટલવાળી ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો હોત, એવાં ગપગોળા કોઈ ચીલાચાલુ રીલ બનાવતા રીલીયા રાજાઓ છોડી શકે. બાકી નાજુક, નમણી અને નટખટ કચોરીના બાપાનું નામ શું? તો તરત જવાબ મળશે કે કચોરીના બાપા કચોરા. કચોરીના બાપા કચોરા એવી બાપની આ ધાપ નથી પણ હકીકત છે. 

રાજસ્થાનના અજમેર શહેરના રામલીલા ચોક પાસે જંગી સાઈઝના કચોરા મળે છે. નાના ફૂટબોલ જેવડા ગોયણા કરી વણવામાં આવે છે. પછી તેની અંદર મસાલેદાર પુરણ (ફિલિંગ) ભરવામાં આવે છે અને ફરી વણીને મોટી થાળી જેવડા કચોરા તૈયાર કરી ધગધગતા તેલમાં તળવામાં આવે છે. આ કચોરામાં અડદની દાળ અને બટેટાનું ટેસ્ટી પુરણ ભરવામાં આવે છે. એક કચોરાનું વજન ૬૦૦ ગ્રામથી વધુ હોય અને કચોરીના બાપા કચોરા એક-એક નંગ ૧૭૦ રૂપિયામાં વેચાય છે. આ કચોરા જોઈને પેલું 'ડોન'નું ગીત છે ને કે 'છોરા ગંગા કિનારેવાલા...' એ ગીત જરા ફેરવીને ગાઈ શકાય, 'ક-ચોરા અજમેર શહેરવાલા... ક-ચોરા અજમેર શહેરવાલા...'

ત્રણ ભાઈઓ સાથે લગ્ન નક્કી થયા પછીય  દુલ્હન પિયરમાં જ રહી

લગ્નો તો સ્વર્ગમાં જ નિર્માયા હોય છે, બાકી લગ્ન પછીની ધાંધલ  ધમાલ ધરતી પર થતી હોય છે એમ કહેવું પડે એવી ઘટના ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં  બની. પિપરાડાડ ગામની કન્યાના લગ્ન વારાણસીના એક યુવક સાથે નક્કી થયા હતા. કન્યા ભાવિ ભરથાર સાથે સોનેરી સંસાર માંડવાનાં સપનાં  જોતી હતી  બરાબર એ વખતે જેની સાથે લગ્ન નક્કી થયાં હતાં એ યુવક ભાગી ગયો. એટલે ભાગેડુ યુવકના ભાઈ સાથે કન્યાને પરણાવવાનો પ્રસ્તાવ યુવકના પિતાએ મૂક્યો. 

લગ્નની તારીખ નજીક આવી તો બે નંબરનો દુલ્હો સખત બીમાર પડી ગયો એટલે લગ્ન માંડી વાળવામાં આવ્યા. પિતાએ પોતાના ત્રીજા દીકરાને કન્યા સાથે પરણવા કહ્યું, પણ ત્રીજાએ ચોખ્ખી ના પાડી દીધી. આખરે પિતાએ ચોથા દીકરા સાથે કન્યાને પરણાવી દીધી. 

સૌથી નાના ચોથા દીકરા સાથે લગ્ન વિધિ પૂરી થયા પછી જાનૈયાઓ કન્યાને લીધા વિના જ પાછા ફર્યા.  દુલ્હાના પિતાએ કહ્યું કે જ્યારે મારા ફરાર થઈ ગયેલા દીકરાનો પત્તો લાગશે એ પછી જ અમે કન્યાના સાસરે લઈ જઈશું. 

હવે દુલ્હનના પરિવારે તેમની સાથે દગો થયાની ફરિયાદ જિલ્લા અધિકારી સમક્ષ કરી છે. કન્યા કેવી કમનસીબ કહેવાય! આ દીકરીની સ્થિતિ જોઈને કહી શકાય કે-

એક દુલ્હન ત્રણ દુલ્હા

સાથે લગ્ન નક્કી થાય

છતાં કેવી કઠણાઈ કે કન્યા

વિદાય ન થાય?

કટરામાં કાંદા-લસણ

પર પ્રતિબંધ

ભારતીય ખાણામાં કાંદા અને લસણ ન હોય તો ધમધમાટ ટેસ્ટ આવે જ નહીં. આમ છતાં ઘણાં લોકો ધાર્મિક માન્યતા અનુસાર કાંદા અને લસણ ખાતા નથી, પરંતુ આખા શહેરમાં કાંદા-લસણ પર પ્રતિબંધ હોય એવું ઘડીભર માન્યામાં ન આવે, પણ આ હકીકત છે. 

જમ્મુ-કાશ્મીરમાં આવેલુ ંકટરા શહેર પહાડ પર બિરાજતાં માતા વૈષ્ણોેદેવી મંદિરમાં જવા માટેનું પ્રવેશદ્વાર ગણાય છે. એટલે કટરામાં કાંદા-સલણ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે. કટરાની હોટેલો, ઢાબા અને મુખ્ય બજારમાં સુદ્ધાં ક્યાંય કાંદા-લસણ જોવા નથી મળતાં. ધાર્મિક માન્યતા અનુસાર કાંદા અને લસણ તામસિક આહાર માનવામાં આવે છે. એટલે જ વૈષ્ણોદેવી માતાનાં દર્શને આવતા ભક્તજનોને શુદ્ધ અને સાત્ત્વિક વાતાવરણ મળે એવા શુભ આશયથી કાંદા-લસણ પર પહેલેથી જ પ્રતિબંધ છે.

જાન પહોંચી જિલ્લા

કલેકટરની ઓફિસે

લગ્નપ્રસંગે દુલ્હારાજા જાન લઈને લગ્નને માંડવે પહોંચે છે, પણ ઉત્તર પ્રદેશના બાંદા ગામે સજીધજી તૈયાર થયેલા વરરાજા વાજતેગાજતે જિલ્લા કલેકસ્ની ઓફિસે પહોંચ્યા હતા. કારણ શું, ખબર છે? કુલદીપ કુમાર નામના વરરાજા પરણવા માટે  જાનૈયાઓ સાથે પ્રસ્થાન કરવાની તૈયારીમાં હતા એ જ વખતે વીજ કંપનીવાળો વીજળીનું જોડાણ કાપી નાખ્યું. અસહ્ય ગરમીમાં પંખા વિના સહુ અકળાવા લાગ્યા. વરરાજાએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, જ્યારથી સ્માર્ટ મીટર લાગ્યા છે ત્યારથી બમણું બિલ આવે છે એટલે એ બિલ ભરવામાં મુશ્કેલી પડે છે. આ પરિસ્થિતિમાં બિલ ન ભરાતાં વીજ કંપનીએ આગોતરી જાણ કર્યા વિના વીજળીનું જોડાણ કાપી નાખ્યું. 

રોષે ભરાયેલા દુલ્હારાજા આખી બારાત લઈને જિલ્લા કલેકટરની ઓફિસે પહોંચ્યા. ત્યાં એક વિજળીના થાંભલાની પૂજા કરી અને આમ અનોખી રીતે વાજતેગાજતે વિરોધ નોંધાવ્યો.

 આ કિસ્સો જાણીને કહેવાનું મન થાય કે- 

લગ્ન એ તો છે બે 

આત્માનું જોડાણ,

પછી કેમ ચાલે જો કાપો

વીજળીનું જોડાણ.

પંચ-વાણી

મોજથી આ જીવન વિતાવો,

કારણ જીવન આજીવન નથી.