અંબા માતાજીને 11 પેઢીથી તોપની સલામી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
માડી તારા મંદિરીયામાં ઘંટારવ ગાજે… નવરાત્રિમાં માતાજીના ગરબા ગવાતા હોય છે. પણ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં તો નવરાત્રિમાં જ નહીં પણ દર શુક્રવારે અંબા માતાજીના માનમાં તોપ ગાજી ઉઠે છે. કરવીર નિવાસિની શ્રા અંબાબાઈને તોપથી ધડાકાભેર સલામી આપવાની પરંપરા જાધવ પરિવારે ૧૧ પેઢીથી જાળવી રાખી છે. છત્રપતી શિવાજી મહારાજના વખતથી આ પરંપરા ચાલી આવે છે. જીજાઉના વડીલ લઘુજીરાવ જાધવના ખાનદાને તોપ ફોડી માતાજીને સલામી આપવાનો વારસો જાળવી રાખ્યો છે. છત્રપતીના દરબારી નાઈક રહેલા બાબાજી કૃષ્ણાજી જાધવ, ત્યાર બાદ બાબાસાહેબ મહાદેવ જાધવ અને અત્યારે તેમના પુત્ર ધનાજી જાધવ તોપ ફોડી સલામી આપે છે. નવરાત્રિમાં તેમ જ દર શુક્રવારે રાત્રે ૧૦ વાગ્યે તોપના ધડાકાથી કોલ્હાપુર શહેર ગાજી ઉઠે છે. મંદિરના તોપખાના કક્ષમાં પંચધાતુુની બનેલી અને ૧૦૦ કિલો વજનની આ તોપ રાખવામાં આવી છે. સાડાત્રણ ફૂટ લાંબી તોપમાં ૨૫૦ ગ્રામ સ્ફોટક દારૂગોળો ભરવામાં આવ્યા પછી વાટ સળગાવવામાં આવતા પ્રચંડ ધડાકો થાય છે. દર શુક્રવારે રાત્રે તોપનો ધડાકો સાંભળીને કોલ્હાપુરવાસીઓ અંબા માતાજીનું મનોમન સ્મરણ કરે છે. પેઢી દર પેઢીથી જળવાયેલી માતાજીને તોપની સલામી આપવાની આ અનોખી પરંપરા વિશે જાણીને કહેવું પડે કે:
માડી તારા પ્રત્યે આસ્થા કાજે
ગામમાં તોપના ધડાકા ગાજે.
શ્વાનરાજા અને શ્વાનરાણીના ધામધૂમથી લગ્ન
લે જાયેંગે લે જાયેંગે પૂંછવાલે દુલ્હનિયા લે જાયેંગે… રહ જાયેંગે રહ જાયેંગે ગલ્લીવાલે દેખતે રહ જાયેંગે… જરા કલ્પના કરો કે બેન્ડવાજાની સાથે શણગારેલી ઠેલણ ગાડીમાં ઊભો રહીને સિંગર આ ગીત ગાતો હોય તો તરત જ સવાલ થાય કે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે… એમ ગાવાને બદલે આ ગાયક પૂંછવાલ ે દુલ્હનિયા લ ે જોયેંગે… એવું કેમ ગાતો હશે? શબ્દ ફેરવીને આ ગીત લલકારવા પાછળનું કારણ છે ગોરખપુરના જસવલ બાજાર ગામે જય નામના પાળેલા ડોગી અને ગુડિયા નામની ડોગીણીના લાખોના ખર્ચે થયેલા ધામધૂમથી લગ્ન. જસવલ બાજાર નિવાસી શ્વાન પ્રેમી વિવેક ભૂષણ સહાની પેટ ડોગ જયના ગુડિયા સાથેના લગ્નને યાદગાર બનાવવા કોઈ કસર ન છોડી. જયની ધૂમધામથી નીકળેલી બારાતમાં હાથી-ઘોડા પણ જોડાયા હતા. બેન્ડવાજામાં ફિલ્મી ગીતોની રેલાતી સૂરાવલી સાથે નાચતા-ગાતા બારાતીઓ સાથે ડોગરાજાની જાન શ્વાનસુંદરીના માંડવે પહોંચ્યા બાદ ઝાકઝમાળભર્યા માહોલમાં બન્ને ચો-પગાને પરણાવવામાં આવ્યા હતા અને પછી ગામ આખાને ધૂમાડેબંધ જમાડવામાં આવ્યું હતું.ભાગ્યશાળી પાળેલા ડોગના ધામધૂમથી થયેલા લગ્ન મોં વકાસીને તમે લઈ ગયા અને અમે રહી ગયા એવાં અદેખાઈના ભાવ સાથે જોતા ગલીના કૂતરાની મનોદશા વ્યકત કરતા શબ્દો ફેરવીને ગીતને જોડવામાં આવ્યા: લે જાયેંગે લે જાયેંગે પૂંછવાલ ે દુલ્હનિયાં લે જાયેંગે, રહ જાયેંગે રહ જાયેંગે ગલ્લીવાલે દેખતે રહ જાયેંગે…
હરતાં ફરતાં ફેરા ફરતાં
સંસારની ગાડી દોડતી કરવા લાડા અને લાડીએ પરણવું પડે.પણ લગ્નની ખરેખરી સીઝન હોય ત્યારે લગ્ન સમારંભ માટે વાડી, પાર્ટી પ્લોટ, મેરેજ હોલ કે મોટી હોટલોના બેન્કવેટ હોલ મેળવવામાં ભારે મુશ્કેલી પડતી હોય છે. ઘણીવાર તો લગ્ન નક્કી થાય એ પહેલાં લગ્નની વાડીનું બુકિંગ કરાવી લેવું પડે છે. આ પરિસ્થિતિમાં દુલ્હા કે દુલ્હન બેમાંથી એક લિમિટેડ ટાઈમ લઈને આવ્યા હોય અને ચટ મંગની પટ બ્યાહ કરવા હોય ત્યારે કેવી તકલીફ થાય? આ મુશ્કેલીમાંથી મારગ દેખાડયો છે. દિલ્હી પાસેના ગુરુગ્રામ (ગુડગાંવ)ના એક હરતાં ફરતાં મોબાઈલ લ ગ્ન મંડપે આ મોબઈલ મંડપ એક જાયન્ટ ટ્રકના પાછળના કેરિયરના ભાગમાં સજાવવામાં આવ્યો હતો. ફૂલોથી અને રંગીન પડદાથી સજાવવામાં આવેલા આ મોબાઈલ મંડપમાં દુલ્હા-દુલ્હન અગ્નિની સાક્ષીએ ફેરા ફરતા નજરે પડયા હતા. ટ્રક આગળ વધતી જતી હતી અને મંડપમાં બેઠેલા ગોર મહારાજ શ્લોકોનું ઉચ્ચારણ કરીને લગ્નની એક પછી એક વિધિ પતાવતા હતા.
આસપાસથી પસાર થતા વાહનચાલકો આ અદભૂત અને અકલ્પનિય દ્રશ્ય જોઈને મોબાઈલથી મોબાઈલ મંડપની લગ્નવિધિનો વિડિયો ઉતારવા માંડયા હતા. પછી તો આ વિડિયો વિજળીવેગે વાઈરલ થયો. આ વિડિયો જોઈને કહેવાનું મન થાય કે:
ના કુછ તેરા ના કુછ મેરા
ફરતા મંડપમાં ફરવાના ફેરા.
રામનગરીમાં ૩૬૫ દિવસ રામ લીલા
પ્રભુ રામની લીલા ન્યારી, રામભક્તોને રામલીલા પ્યારી… નવરાત્રિ અને દશેરામાં દેશમાં ખૂણેખૂણે રામલીલાનું મંચન થાય છે. પરંતુ પ્રભુ રામની નગરી અયોધ્યામાં તો છલ્લા ૨૨ વર્ષથી ૩૬૫ દિવસ રામલીલા ભજવાય છે. વચમાં અખિલેશ સિંહની સરકાર હતી ત્યારે દોઢ વર્ષના ફંડના અભાવે રામલીલા બંધ રહી હતી. પછી ફરી રામલીલાનું મંચન શરૂ થઈ ગયું હતું. અવિરત રામલીલાના મંચન માટે ડી.એમ.ની અધ્યક્ષતામાં કાર્ય કરતી પસંદગી સમિતિ આખા વર્ષ માટે જુદી જુદી ૨૬ રામલીલા મંડળીઓની પસંદગી કરે છે. દરેક મંડળી પંદર-પંદર દિવસ માટે રામલીલા ભજવે છે. આમ ૨૪ મંડળીઓ વર્ષે દરમ્યાન ભજવણી કરે છે અને બે મંડળીઓને રિઝર્વમાં તૈયાર રાખવામાં આવે છે. ઉત્તર-પ્રદેશ સરકારે રામલીલાના મંચન માટે વર્ષભર માટે ૪૦ રૂપિયાની રકમ અપાતી એ વધારીને એક કરોડ રૂપિયા કરી દીધી છે. કલાકારોનું માનધન પણ વધારવામાં આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે રામલીલા ભજવવા માટે પરદેશથી મંડળીઓ પણ આવે છે. કારણ કે થાઈલેન્ડ, મલેશિયા અને ઈન્ડોનેશિયા સહિતની દેશોમાં આપણી જેમ જ રામલીલા ભજવાય છે. આ જોઈને કહેવું પડે કે:
રામ કે ધામમેં
હર શામ રામ કે નામ
અવિરત રામલીલા કે મંચન સે
કણકણમેં ગુંજે રામ નામ.
અસલી ગબ્બર ભૂલાય નકલી ગબ્બર યાદ રહે
અરે ઓ સાંભા કિતના ઈનામ રખ્ખે હૈ સરકાર હમ પર… સરદાર પૂરા પચાસ હજાર… પચાસ પચાસ વર્ષ વિત્યા છતાં 'શોલે' ફિલ્મમાં ગબ્બરસિંહના આવાં કેટલાય ડોયલોગ આજે પણ ભૂલાયા નથી. પરંતુ જાણીને નવાઈ લાગશે કે અમઝદ ખાને ફિલ્મમાં ભજવેલું ગબ્બરસિંહનું પાત્ર કાલ્પનિક નથી. મધ્ય પ્રદેશના ભિંડ જિલ્લાના ડાંગ નામનો વતની ગબ્બરસિંહ ગુજ્જર અત્યંત જુલ્મી અને ઘાતકી ડાકૂ હતો. તેના હાથમાં પોલીસવાળા ઝડપાય ત્યારે તેના નાક અને કાન કાપી નાખતો હતો. ફિલ્મી ગબ્બરથી ચાર ચાસણી ચડે એવાં આ અસલી ગબ્બરને પકડવા માટે એ જમાનામાં પોલીસે ૫૦ હજારનું ઈનામ જાહેર કર્યું હતું. સ્ટાર સ્ક્રિપ્ટ-રાઈટર સલીમ-જાવેદની જોડીવાળા સલીમ ખાનના પિતા બ્રિટીશ રાજમાં ઉચ્ચ પોલીસ અફસર હતા. પિતા પાસેથી સાંભળેલી ગબ્બરસિંહ ગુજ્જરની વાતો પરથી તેમણે 'શોલે'ના ગબ્બરસિંહનું પાત્ર ઘડયંી હતું. આવી જ રીતે અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રના પાત્રને જય અને વીરૂના નામ સલીમખાને પોતાના કોલેજ કાળના બે મિત્રોના નામ પરથી આપ્યા હતા. ઈંદોરની કોલેજમાં સાથે ભણતા ઝિંદાદિલ દોસ્ત અને જાગીરદારના બેટા વીરેન્દ્રસિંહ બાયસ પરથી વીરૂ અને એકદમ શાંત અને ઠરેલ મગજના બીજા દોસ્ત જયસિંહરાવ કાલેવરના નામ પરથી પાત્રને જયનું નામ આપ્યું હતું. આમ ૧૦૦ વર્ષ પહેલાં જન્મેલા અસલી ગબ્બરસિંહનું આજે નામનિશાન રહ્યું નથી પણ એ જ પાત્રને ૫૦ વર્ષ પહેલાં આવેલી 'શોલે' ફિલ્મના પડદા પરના નકલી ગબ્બરસિંહને લોકો ભૂલ્યા નથી. આમ પણ સમાજમાં નાયકો ભૂલાય છે ખલનાયકો ભૂલાતા નથી.
પંચ-વાણી
આમ ધણીને ધાકમાં રાખે
શિયાળામાં જાત જાતના
પાકમાં રાખે.




