પેટનો ખાડો પૂરવા ખવાપરોટી પેટની ઉપર વણાય રોટી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
રોટી, કપડા ઔર મકાન આ ત્રણ માણસની મૂળભૂત જરૂરિયાત છે. રોટી ખાઈને પેટનો ખાડો પૂરવા માટે માણસ આખી જિંદગી મહેનત કરે છે. સામાન્ય રીતે રોટલને પાટલા ઉપર વેલણથી વણવામાં આવે છે. પરંતુ તાજેતરમાં વાઈરલ થયેલા એક વિડિયોમાં એક માણસ પોતાની ફાંદ પર રોટલી વણતો જોવા મળે છે. આ વિડિયો જબરદસ્ત વાયરલ થઈ છે. જોકે એક અમેરિકન લેડી ક્રિસ્ટન ફિસરે આ વિડિયો બનાવટી અને એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો હોવાની શંકા ઉઠાવીને તેણે કહ્યું છે કે આ જાતની વિડિયોને કારણે દુનિયામાં ભારતની ખોટી છાપ ઉભી થાય છે. જોકે સાચી કે ખોટી વિડિયો બનાવનારના ફળદ્રુપ ભેજાની ઉપજને દાદ દેવી પડે. કચ્છી ભાષામાં રોટલીને માની કહે છે અને મરાઠીમાં પોળી કહે છે. આ બંને શબ્દોનો ઉપયોગ કરીને આ ચાર લાઈને કહેવાનું મન થાયઃ
વાત રહી નથી છાની
કોઈ પટ પર વણે માની
વાંકદેખા કરશે વિવાદ ખોળી ખોળી
જ્યારે કોઈ વણે પેટ પર પોળી
જોર પકડતી જૂતા ઝુંબેશ
સુખી ઘરના બાળકો પાસે પગમાં પહેરવાના જાત જાતના જૂતા હોય છે. સ્પોર્ટસ શૂઝ, જોગિંગ શૂઝ અને ફોર્મલ શૂઝ… એમાં પણ લગ્ન કે પાર્ટીમાં મમ્મી- ડેડી સાથે જતા ટેણિયાઓ ખૂબ જ કોસ્ટલી શૂઝ પહેરીને જતા હોય છે. પરંતુ જરા વિચાર કરો કે અત્યંત ગરીબ આદિવાસીના બાળકો જેમની પાસે પહેરવા માટે જોડા જ ન હોય એ રમવા માટે મેદાનમાં નીકળવાને બદલે ઘરમાં જ બેઠા ન રહે તો બીજું શું કરે? કારણ કે વરસાદમાં ઉઘાડા પગે નીકળે તો પગમાં કાદવ લાગી જાય અને ઘાસમાં રમવા જાય તો જીવજંતુ કે સાપ કરડવાનો ડર લાગે. મધ્ય પ્રદેશના ડિંડોરી જિલ્લાના કલેકટર અંજુ પવન ભદોરિયા ગયા મહિને અમરપુરના રાજા શંકર શાહ રઘુનાથ શાહ બોય્ઝ આશ્રમની મુલાકાતે ગયા ત્યારે તેમને નવાઈ લાગી કે બાળકો મેદાનમાં રમવાને બદલે રૂમમાં ભરાઈને કેમ બેઠા છે? બાળકોને પૂછયું ત્યારે નિર્દોષ ટાબરિયાઓએ જવાબ આપ્યો કે અમારી પાસે પહેરવા માટે પગરખા નથી એટલે મેદાનમાં રમવા જતા ડર લાગે છે. જીવજંતુ કરડી જાય કે કાદવમાં પગ ખરડાય એનાં કરતાં રૂમમાં બેસવું સારું. જો આપ ઈચ્છતા હો કે અમે પણ રમવા માટે બહાર નીકળીએ એવું તમે ઈચ્છતા હોવ તો અમને જૂતા આપો. કલેકટરને બાળકોની વાત હાડાહોડ લાગી ગઈ. એજ ક્ષણે નિર્ધાર કર્યો ગરીબ બાળકોને પગરખા પહેરાવવાનો અને આમ શરૂ થયું 'સોલ ફોર સોઉલ' ઝુંબેશની. ગરીબ બાળકોને જૂતા અપાવવા માટે અલાયદા ફંડની જોગવાઈ ન હોવાથી કલેકટરે પોતે અને બીજા અધિકારીઓએ પૈસા કાઢીને બાળકોને બૂટ ખરીદીને આપ્યા. આમ ૨૦૦થી વધુ બાળકો શૂઝ પહેરીને નાચતા કૂદતા મેદાનમાં દોડી ગયા. હવે આ જૂતા ઝુંબેશનો લાભ અન્ય આશ્રમશાળાઓને પણ મળશે. ભારતના ખાધેપીધે સુખી પરિવારના સભ્યો વધુ નહીં એક એક જોડી પગરખાં ગરીબ બાળકો માટે આપે તો કોઈ ટેણિયાઓએ ઊઘાડા પગે ફરવું ન પડે. ગરીબ બાળકો તો પગમાં જૂતા પહેરવા મળતા એટલા રાજી થઈ જાય છે કે જો જીતા વો સિકંદરને બદલે મનોમન કહેતા હશે કે પહને જૂતા વો સિકંદર.
શ્વાને સ્ત્રીની આબરૂ બચાવી
રઝળતા કૂતરાના ત્રાસ સામે ચારે તરફથી વિરોધ થતો જ રહે છે. પણ આવા જ બે રખડતા શ્વાને તામિલનાડુના કોઈમ્બતૂરમાં એક માનસિક રીતે અસ્વસ્થ સ્ત્રીની આબરૂ બચાવી હતી. કોઈમ્બતુરના થુડિયાલૂટ એરિયામાં આ મહિલા મધરાતે પોતાના સગાના ઘરની બહાર બેઠી હતી. એ વખતે ૧૭ વર્ષનો એક તરૂણ દારૂના નશામાં ધૂત થઈને આવી ચડયો હતો. આવીને બદઈરાદા સાથે મહિલાને અડપલા કરી. અશ્લીલ હરકત કરવા માંડયો હતો. ગભરાયેલી મહિલાએ બચાવ માટે બૂમાબૂમ કરી મૂકતા શેરીના બે ડાઘિયા કૂતરા મદદે દોડી આવ્યા હતા અન ેજોરજોરથી ભસવા માંડયા હતા. આમ છતાં તરૂણ મહિલાને છોડતો નહોતો. એટલે બેમાંથી એક કૂતરાએ તરૂણના પગે બચકું ભરી લેતા તે ગભરાઈને નાસી છૂટયો હતો.
આ કિસ્સો જાણી કહેવું પડે કેઃ
ઈન્સાનના વફાદાર દોસ્ત છે શ્વાન
ક્યારેક બચાવે આબરૂને ક્યારેક બચાવે જાન
દીકરીને ગાય
પાણીપૂરી ખાય
દીકરીને ગાય દોરે ત્યાં જાય એવું કહેવાય છે પણ હવે આ ઉક્તિ ફેરવીને કહેવી પડે કે દીકરીને ગાય પાણીપૂરી ખાય… આનું કારણ છે એક ગાય મહિલાઓની જેમ પાણીપૂરી ખાવાની શોખીન છે. સોશ્યલ મિડિયામાં એક વિડિયો ખૂબ જ વાઈરલ થયો છે જેમાં એક ગાય પાણીપૂરીની લારી પાસે ઉભી રહીને ટેસથી પાણીપૂરીની પૂરી મજા લેતી જોવા મળે છે. અધિરા કસ્ટમરો જેમ પાણીપૂરી ભેળપૂરીની લારી પર ઉભા રહી ઉતાવળ કરે એમ આ ગાય પણ ધીરેકથી શિંગડો મારીને પાણીપૂરી આપવાનું કહે છે, ત્યારે પાણીપૂરીવાળો કહે છે આપું છું મારી મા ગોલગપ્પા (પાણીપૂરી) આપું છું. પછી લારીવાળો એક એક પૂરીમાં પાણી ભરી પાણીપૂરી ગાયના મોઢામાં મૂકતો જાય છે અને ગાય ટેસથી ચટકાવતી જાય છે. આ જોઈને કહેવું પડે કેઃ
આ ગાયની તે કાંઈ વાત થાય?
શિંગડા ભરાવીને ટેસથી પાણીપૂરી ખાય.
જોરૂ કા જુવાને હટાવી નદીની બદીને
રામ તેરી ગંગા મૈલી હો ગઈ પાપીઓં કે પાપ ધોતે ધોતે…. રાજ કપૂરની ફિલ્મના ગીતની આ પંકિત માત્ર ગંગા નદીને જ નહીં બધી જ પવિત્ર નદીઓને લાગુ પડે છે. પ્લાસ્ટિક અને કચરો નદીમાં ઢગલા મોંઢે ફેંકાય છે, નાળા- ગટરના મેલા પાણી ઠલવાય છે અને રસાયણો ઢોળી નદીના જળ ઝેરી બનાવવામાં આવે છે. મધ્ય પ્રદેશના બ્યાવરા નજીકથી વહેતી ઐતિહાસિક અજનાર નદીને ગંદા નાળામાં ફેરવાયેલી જોઈને નદી કિનારે બેઠેલા બિટુટ્ તબાહી તરીકેની ઓનલાઈન ઓળખ ધરાવતા ૨૦ વર્ષના સુરેન્દ્રસિંહ ચૌધરીનું મન વ્યથિત થઈ ગયું. તેણે એ વખતે સંકલ્પ કર્યો નદીને સાફ કરવાનો. કહે છે ને કે જેના હૈયામાં હામ હોય તેની સાથે રામ હોય એ ન્યાયે એકલવીર યુવાન નદીની સફાઈના કામમાં લાગી ગયો. તરતા પણ આવડતું નહોતું, પાસે ગમબૂટ કે રબ્બરના હેન્ડ- ગ્લવ્ઝ પણ હતા નહીં. છતાં આ જુવાનિયો તો ભાઈ જોશભેર મંડી પડયો નદીમાંથી કચરો ઉલેચીને બહાર ફગાવવામાં. આમ કરવા જતાં તેના હાથમાં અને પગમાં ચેપ લાગ્યો તોય તેણે કામ છોડયું નહીં. સવારથી સાંજ સુધી સફાઈ જ કર્યા કરે. નદીમાં અર્પણ કરવામાં આવતા પૂજાના ફૂલોને ભેગા કરી તેમાંથી કાર્બનિક ખાતર બનાવવાનું પણ શરૂ કર્યું. એક જુવાન આટલું ઉમદા કામ કરતો હોવા છતાં કોઈએ મદદ માટે હાથ ન લંબાવ્યો કે પછી કોઈએ આર્થિક રીતે સહાય પણ ન કરી. પણ બિટ્ટુ તબાહીને તો ક્યાં કોઈની મદદની પરવા હતી? અપના હાથ જગન્નાથ… સૂત્ર અપનાવી આ યુવાને પોતે બચાવેલા ૩૦ હજાર રૂપિયા ખર્ચીને બે મહિનામાં સફાઈ અભિયાન પાર પાડયું. જાણે ચમત્કાર થયો. કચરાની દુર્ગંધ મારતા પાણીને લીધે નાળામાં ફેરવાઈ ગયેલી નદીને જુવાને સ્વચ્છ કરી નાખી. પછી તો ચારે તરફ બિટ્ટુના આ રિવર ક્લિનિંગ કેમ્પેનની વાત પહોંચી ગઈ. મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન ડો. મોહન યાદવે પણ બિટ્ટુની પીઠ થાબડી. જુવાનની આ કામગીરીને બિરદાવતા કહેવું પડે કેઃ
જુવાન જેમ સાફ
કરી નદીને
એમ જનતા સાફ કરે
સામાજિક બદીને
પંચ- વાણી
નમે એ સહુને ગમે
ન નમે એ એકલો ભમે.




