Gujarat

મહેસાણા શહેરમાં રખડતી ગાયોના ત્રાસથી લોકો ત્રાહિમામ્

By GS Team
30 Dec 20212 mins read
This article was originally published on 30 Dec 2021
મહેસાણા શહેરમાં રખડતી ગાયોના ત્રાસથી લોકો ત્રાહિમામ્

મહેસાણા, તા.29

શીતળ ઠંડી પ્રસરાવતાં શિયાળાની વહેલી સવાર પડતાં જ મહેસાણા શહેરના તોરણવાળી માતા ચોક સહિતના લોકોની અવરજવરથી ભરચક વિસ્તારોમાં રસ્તે રખડતી ગાયોના ટોળા ઉતરી પડે છે. આવા રઝળતાં ઢોર રાહદારીઓ, વાહનચાલકોને શીંગડે ભરાવી ફુટબોલની જેમ ફંગોળતાં હોય છે. આવા રખડતાં પશુઓને નગરપાલિકા દ્વારા પકડી લઈને ઢોર ડબામાં પુરી દેવા અને પશુના માલિકો પાસેથી કડક  કાર્યવાહી કરી તોતિંગ રકમનો દંડ વસુલવાની માગણી લોકોએ ઊઠાવી હતી.

મહેસાણા શહેરના તોરણવાળી માતા ચોકના મુખ્ય બજારમાં હટાણું કરવા સ્થાનિક  અને તાલુકા મથકોએથી સેંકડો લોકો આવે છે. અહીં નગરપાલિકાએ સિટી બસ સ્ટેશન બનાવ્યું હોય મુસાફરોની સાથે સિટી બસોની દોડધામ વધુ રહે છે. તેવી જ રીતે, નજીકમાં શાકમાર્કેટ આવેલી હોઈ સવાર અને સાંજ અહીં શાકબકાલુ ખરીદવા આવતાં લોકોની ભારે ભીડ રહેતી હોય છે. તેમજ અહીંથી રેલવે સ્ટેશન તરફ જવાનો રોડ પસાર થતો હોઈ ટ્રેનની મુસાફરી કરવા જતાં યાત્રાળુઓની આવનજાવન વધુ રહે છે. આટલું ઓછું હોય તેમ તોરણવાળી માતા ચોક વિસ્તારના રોડ ઉપર ઘેટાં-બકરાંની જેમ ઠાંસીઠાંસીને મુસાફરો ભરીને શટલિયા રિક્ષાઓ દોડતી હોય છે. આ વિસ્તારના જાહેર રસ્તાઓ પર સવાર અને સાંજે શાળા-કોલેજના વિદ્યાર્થીઓની અવરજવર વધુ રહેતી હોય છે. અહીંના રોડ પર રખડતી ગાયોના ટોળા અડીંગો જમાવીને બેસી જતાં હોય છે. તેથી રાહદારીઓ, વિદ્યાર્થીઓ, વાહનસવારોને પસાર થવામાં મૂશ્કેલી પડતી હોય છે. કેટલીક વખત ગાયો બાખડી પડી રાહદારીઓ, વાહનચાલકોને શીંગડે ચડાવી ફુટબોલની જેમ ફંગોળી દેતાં શારીરિક ઈજાનો ભોગ બનતાં હોય છે.

શહેરના રાધનપુર રોડ, મોઢેરા રોડ, નાગલપુર પાટિયા, માનવ આશ્રમ રોડ, રીંગરોડ, ભમ્મરીયા નાળુ વગેરે વિસ્તારોના જાહેર માર્ગો ઉપર પણ ગાયોના ટોળાં અઠ્ઠે દ્વારકા કરીને બેસી જતાં અહીંથી પસાર થતાં વાહનચાલકો અકસ્માતનો ભોગ બને છે. તેથી લોકોને ઓછાવધતાં પ્રમાણમાં ઈજા થતાં દવાખાને દાખલ થવાનો વારો આવે છે. તેવી જ રીતે, વાહનો વચ્ચે નાનામોટા અકસ્માતો સર્જાતા હોય છે. મહેસાણા નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા અહીંના રસ્તાઓ પર અડીંગ જમાવતા રખડતાં પશુઓને પકડીને ઢોરના ડબામાં પુરી દેવાની માગણી શહેરીજનોએ ઊઠાવી છે.

 મોઢેરા રોડ પર ગાય તોફાને ચડતાં લોકોમાં નાસભાગ

અત્રેના મોઢેરા રોડ પરના વેલકમ પાર્ટી પ્લોટ નજીકની શ્યામ વિહાર સોસાયટી  વિસ્તારમાં આજે બુધવારે એક કાળી ગાય તોફાને ચડી હતી અને રસ્તે ચાલતાં રાહદારીઓને ઢીંકે ચડાવતાં લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. રખડતી ગાય રોડ પર દોડવા માંડતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. રખડતી ગાયની દોડધામથી ગભરાઈ ગયેલાં લોકોએ નગરપાલિકાને જાણ કરી હતી. જો કે, મોડે સુધી પાલિકાનો કોઈ કર્મચારી સ્થળ પર ડોકાયો નહીં હોવાની ચર્ચા લોકોમાંથી જાગી હતી.