Gujarat

સસરા અને દિયરે લાકડી ફટકારતા યુવતીના ગર્ભમાં બાળકનું મૃત્યુ થયું

By GS Team
30 Dec 20211 min read
This article was originally published on 30 Dec 2021
સસરા અને દિયરે લાકડી ફટકારતા યુવતીના ગર્ભમાં બાળકનું મૃત્યુ થયું

મહેસાણા,તા.29

મહેસાણા તાલુકાના ચલુવાથી ધોળાસણ રોડ પર રહેતા એક પરિવારની ગર્ભવતી પુત્રવધુને તેના સસરા અને દિયરે શારીરીક અને માનસિક ત્રાસ આપીને તકરાર કરી હતી.જેમાં ઉશ્કેરાઈ જતાં તેણીને લાકડી ફટકારવામાં આવતા યુવતીના ગર્ભમાં રહેલા બાળકનું મોત થયું હતું. આ અંગે નોંધાવવામાં આવેલી ફરીયાદના આધારે લાંઘણજ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

મહેસાણા તાલુકામાં આવેલા ચલુવાથી ધોળાસણ રોડ પરના નવાપુરાની સીમમાં આવેલા ખેતરમાં રઈજી ઠાકોરનો પરિવાર રહે છે. તેમના કડીયાકામ કરતા દિકરા જીતેન્દ્રની પત્ની કિંજલ પાંચ મહિનાની ગર્ભવતી હતી.જેની સારવાર ચાલી રહી હોવાથી તબીબની સલાહ મુજબ તેણી ઘરમાં મોટાભાગે આરામ કરતી હોવાથી તેના સસરા રઈજીને ગમતું ન હતું. જેથી યુવતીને આ મુદ્દે શારીરીક માનસિક ત્રાસ આપતા હતા. જેમાં કિંજલના પતી અને સાસુ બહાર જતાં તેના સસરા રઈજી કુંવરજી ઠાકોર અને દિયર વિશાલે તકરાર કરી હતી.જેમાં ગર્ભવતી યુવતીના પેટ ઉપર લાકડી ફટકારી હતી અને ગડદાપાટુનો માર મરાયો હતો.જેના કારણે તેણીને અસહ્ય પીડા થતાં બીજા દિવસે સવારે સારવાર માટે આંબલીયાસણની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જયાં તેણીને મૃત બાળકનો જન્મ થયો હતો. છેવટે આ ઘટના અંગે લાંઘણજ પોલીસ મથકે પિડીતાઓ ફરીયાદ નોંધાવી હતી.જેમાં સસરા અને દિયરે સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.