Gujarat

તંત્રની લાપરવાહીથી શાળા નં.2 અને 3ના બાળકોના માથે જીવનું જોખમ

By GS Team
15 Dec 20212 mins read
This article was originally published on 15 Dec 2021
તંત્રની લાપરવાહીથી શાળા નં.2 અને 3ના બાળકોના માથે જીવનું જોખમ

મહેસાણા, તા.14

વૈશ્વિક મહામારી કોરોનાનો કહેર હજૂ શમ્યો નથી. કોરોનાના અજગરી ભરડામાં લોકો સપડાતાં રહ્યાં છે. તો વળી, જીવલેણ કહી શકાય તેવા ઓમિક્રોન વેરિએન્ટે ગુજરાતમાં પગપેસારો કર્યો છે. કોરોનાના વધતાં જતા કેસો દરમિયાન મહેસાણા શહેરની સરકારી પ્રાથમિક શાળાઓમાં કોરોના સંક્રમણને ખાળવા માટેના સરકારી ગાઈડલાઈનના લીરેલીરા ઉડી રહ્યા છે. આવા શાળા સંચાલકો સામે સરકારી તંત્ર કોઈ કડક પગલાં ભરશે કે પારોઠના પગલાં ભરશે ? એવો સવાલ વાલીવર્ગમાંથી ઊઠી રહ્યો છે.

મહેસાણા શહેરમાં કોરોના સંક્રમણને નોંતરૃ દેતા કિસ્સામાં સ્થાનિક પોલીસ હેડ ક્વાર્ટર પાસે આવેલી પ્રાથમિક શાળા નંબર-૩ માં ધોરણ ૧ થી પ સુધી બાળકો અક્ષરજ્ઞાાનનો એકડો ઘૂંટી રહ્યા છે. શાળાના વર્ગ ખંડમાં મોટાભાગના બાળકોના ચહેરા ઉપર માસ્ક જોવા મળ્યા ન હતા. તેવી જ રીતે, શાળામાં સેનેટાઈઝરની કોઈ જ વ્યવસ્થા કરાઈ ન હતી.  તો વળી, શહેરના હૈદરીચોક વિસ્તારમાં આવેલી કન્યા પ્રાથમિક શાળા નં.૨માં ધોરણ ૫ થી ૮ સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. જે શાળામાં આવતાં વિદ્યાર્થીઓના ચહેરા પર માસ્ક જોવા મળ્યા  હતા. પરંતુ  સામાજીક અંતર રાખ્યા વિના વર્ગ ખંડમાં હકડેઠઠ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યાં હોવાનું જણાયું હતુ. શાળામાં કોઈપણ જગ્યાએ સેનેટાઈઝરની સગવડ કરવામાં આવી ન હતી. શહેરની બન્ને સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા આશરે ૮૦ ટકા જેટલી જણાઈ રહી છે. ત્યારે આ સરકારી શાળાઓમાં કોરોના સંક્રમણને અટકાવવાના જાહેરનામાનો સરેઆમ ભંગ શાળા સંચાલકો દ્વારા કરવામાં આવતો હોવાનો કકળાટ વાલીઓમાં થતો હતો. સરકારની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરતાં શાળા સંચાલકોના ભરોસે બાળકોને શાળાએ મોકલવા કે નહી તેવી ચર્ચા વાલીઓમાં થઈ રહી છે. શાળા સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી તંત્રવાહકો દ્વારા કરવામાં આવશે કે ફીંડલું વાળી દેવામાં આવશે તેવા તીખા સવાલો પણ વાલીવર્ગમાંથી ઉઠયા હતા.