Gujarat

પ્રથમ દિવસે મહેસાણા જિલ્લાના 30075 બાળકોને વેક્સિન અપાઈ

By GS Team
4 Jan 20224 mins read
This article was originally published on 4 Jan 2022
પ્રથમ દિવસે મહેસાણા જિલ્લાના 30075 બાળકોને વેક્સિન અપાઈ

મહેસાણા, ડીસા, પાટણ, ભીલડી, પાંથાવાડા, તા.3

વૈશ્વિક મહામારી કોરોના સંક્રમણના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. છેલ્લાં છ માસમાં મહેસાણા જિલ્લામાં ૫૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલમાં ૨૪ કોરોના એક્ટિવ દર્દી નોંધાયા  છે. દરમિયાનમાં આજે સોમવારે મહેસાણા જિલ્લાની આશરે ૨૨૬ શાળામાં ૧૫ થી ૧૮ વયજૂથના ૩૦૦૭૫ વિદ્યાર્થીઓના લક્ષ્યાંકની સામે ૨૭૭૯૦ બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું હતુ. એટલે કે ૯૩ ટકા કામગીરી કરવામાં આવી છે. આજે  મહેસાણા શહેરની ૧૬ શાળામાં કુલ ૧૭૧૫ કિશોર-કિશોરીઓને વેક્સિન આપવામાં આવી હતી. ૧૦મી જાન્યુઆરી પછી  હેલ્થ વર્કર-૨૨૮૪૭, ૬૦થી વધુ વયજૂથના ૧૮૬૧૬ તથા ૭૩૩ કો-મોર્બિડ કન્ડીશનના દર્દીઓને બુસ્ટર ડોઝ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

મહેસાણા શહેરની મધ્યમાં આવેલી સાર્વજનિક હાઈસ્કૂલ સહિતની જુદીજુદી ૧૬ શાળાઓના કેમ્પસમાં આજે સોમવારે સવારે ૧૫થી ૧૮ વયજૂથના વિદ્યાર્થીઓને વેક્સિન આપવાનો આરંભ સીડીએચઓ. ડો.વિ.એ.પટેલની ઉપસ્થિતિમાં કરાયો હતો. આજે પ્રથમ દિવસે શહેરની ૧૬ શાળાઓમાં કુલ ૧૭૧૫ વિદ્યાર્થીઓને વેક્સિન આપવામાં આવી હતી. જ્યારે જિલ્લાના તમામ તાલુકામથકોની ૨૨૬ શાળાઓમાં અંદાજે  ૩૦૦૭૫ બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું હતુ. જ્યારે આગામી દિવસોમાં  આશરે  ૮૦,૦૦૦ જેટલાં બાળકોને વેક્સિન આપવામાં આવશે. શાળાઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ સાથે વેક્સિનનો ડોઝ લીધાં હતા. ઉલ્લેખનીય છે કે, આગામી પાંચ દિવસમાં અંદાજે ૧,૧૦,૦૦૦ વિદ્યાર્થીઓને ૭મી  જાન્યુઆરી સુધીમાં ૯૬૫ સેશન સાઈટ ખાતે રસીકરણ કરવાનું આયોજન કરાયું  છે. ઉપરાંત, ૮ અને ૯ મી જાન્યુઆરીના રોજ બાકી રહી ગયેલાં અને શાળાએ ન જતાં બાળકને રસી આપવામાં આવશે. જ્યારે આગામી ૧૦ જાન્યુઆરી ૨૦૨૨ પછી જિલ્લામાં હેલ્થ વર્કર-૨૨૩૪૭૬૦થી વધુ ઉંમરના ૧૮૬૧૬ મળી કુલ ૪૦૯૬૩ મળી ૪૫ થી ૫૯ વર્ષના ૭૩૩ કો-મોર્બિંડ કન્ડીશન ધરાવતાં દર્દીઓને બુસ્ટર ડોઝ આપવાનો એક્શન પ્લાન આરોગ્ય વિભાગ દ્વારા ઘડવામાં આવ્યો છે.

પ્રથમ દિવસે જિલ્લાની 226 શાળાઓમાં 30075 વિદ્યાર્થીઓને વેક્સિન અપાઈ
તાલુકો         શાળા   લક્ષ્યાંક બાળકો
બેચરાજી        ૧૨     ૧૧૦૫ ૭૯૩
જોટાણા         ૧૧     ૧૪૭૫ ૯૫૧
કડી            ૩૨     ૩૮૦૨ ૩૭૫૧
ખેરાલુ          ૧૮     ૨૩૭૧ ૨૬૩૪
મહેસાણા        ૪૯     ૬૩૬૫ ૬૪૮૩
સતલાસણા     ૦૮     ૧૪૧૬ ૧૨૩૯
ઊંઝા           ૨૨     ૨૧૮૬ ૨૬૧૩
વડનગર               ૨૪     ૨૮૨૧ ૧૯૨૫
વિજાપુર        ૨૮     ૨૭૮૭ ૩૩૪૨
વિસનગર       ૨૨     ૫૭૪૭ ૪૦૫૬
કુલ             ૨૨૬   ૩૦૦૭૫        ૨૭૭૯૦

જિલ્લામાં હેલ્થવર્કર, 60 વર્ષથી વધુ ઉંમરના સહિતના દર્દીઓને બુસ્ટર ડોઝ અપાશે

મહેસાણા જિલ્લામાં કોરોના વકરતો રહ્યો છે. જેનાથી લોકોમાં  ફફડાટ વ્યાપી ગયો છે. જેની સામે સરકારના આરોગ્ય તંત્ર દ્વારા વેક્સિનેશનની કામગીરી હાથ ધરાઈ છે. આજે ૧૫ થી ૧૮ વયજૂથના બાળકોને વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં જિલ્લાની ૨૨૬ શાળાઓમાં આશરે ૩૦હજાર જેટલાં વિદ્યાર્થીઓને રસી આપવામાં આવી હતી. આગામી ૧૦ મી જાન્યુઆરી પછી જિલ્લામાં હેલ્થ વર્કર-૨૨૩૪૭ તથા ૬૦ વર્ષથી વધુ ઉંમરના ૧૮૬૧૬ મળી કુલ ૪૦૯૬૩ સહિત ૪૫ થી ૫૯ વર્ષના ૭૭૩ કો-મોર્બિડ કન્ડીશનના દર્દીઓને બુસ્ટર ડોઝ આપવામાં આવશે.

દાંતીવાડા તાલુકા માં આવેલી 12 શાળામાં વેક્સીનેશન

દાંતીવાડા તાલુકામાં આવેલ માધ્યમિક શાળામાં આરોગ્ય વિભાગ દ્વારા રાજ્ય સરકાર દ્વારા શરૃ કરાયેલ ૧૫ થી ૧૮ વર્ષ ના વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓને કો વેક્સીન આપવા માટે ના અભિયાન ની શરૃઆત કરી હતી .તેમાં દાતીવાડા તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટિમ બનાવી વાલીઓ ની સંમતિ થી શાળા ના કેમ્પસમાં વિર્ધાર્થીઓ ને વેક્સીન આપવામાં આવી હતી . દાંતીવાડા તાલુકામાં ૧૨ શાળા માં  ૨૩૮૭ વિદ્યાર્થીઓને રસી આપવામાં આવી હતી.તેમાં વિર્ધાર્થીઓ હર્ષ ભેર ભાગ લઈ વેક્સીન લીધી હતી.

ડીસા સહિત બનાસકાંઠામાં બાળકો માટે વેક્સિન આપવાની શરૃઆત

બનાસકાંઠા જિલ્લામાં નાના બાળકોને કોરોના સામે રક્ષણ પુરુ પાડવા માટે આજથી વેક્સિન આપવાની શરૃઆત કરવામાં આવી છે. ડીસા ખાતે પણ આવેલ આદર્શ હાઇસ્કુલ ખાતે બનાસકાંઠા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખેરની અધ્યક્ષતામાં જ બાળકોને રસીકરણ હાથ ધરાયું હતું તેમજ બાળકોમાં રસીના કારણે કોઈ સાઈડ ઈફેક્ટ ના થાય તે માટે આરોગ્યની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. જ્યારે આજથી શરૃ કરેલ રસીકરણમાં બાળકોએ ઉષ્માભેર રસીકરણ કરાવ્યું હતું.

પાટણ શહેરમાં રસીકરણ મહા અભિયાનનો પ્રારંભ કરાયો

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં શાળા-કોલેજો અને આરટીઆઈઓમાં એકી સાથે સોમવારથી રસીકરણ અભિયાન નો પ્રારંભ કરવામાં આવ્યો હોય ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને કોરોના ની રસી લઇને પાટણ જિલ્લાને કોરોના મુક્ત બનાવવા જિલ્લા કલેકટર દ્વારા અપીલ કરવામાં આવી હતી.

શહેરની બી ડી હાઇસ્કુલ ખાતેથી રસીકરણ મહાઅભિયાન પ્રારંભ કરાવવાના આ પ્રસંગે જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, આરોગ્ય અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી સહિત બી ડી હાઇસ્કુલ આચાર્ય સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને ૧૫ થી ૧૮ વર્ષના વિદ્યાર્થી બાળકોને કોરોનાની રસીકરણ કરવામાં આવ્યું હતું્.

ભીલડી પંથકમાં 15 થી 18 વર્ષના કિશોરો માટે કોરોના રસીકરણ 

બનાસકાંઠા જિલ્લામાં ભીલડી આદર્શ વિધાલય, બી.એમ મહેશ્વરી હાઈસ્કૂલ, એચ,વી વલાણી વિધ્યામંદિર મૂડેઠા તેમજ છત્રાલા, જૂના નેસડા, બળોધર ૧૫ થી ૧૮ વર્ષના કિશોરો માટેના રસીકરણ અભિયાનનો  લોરવાડા મેડિકલ ઓફિસર નિસર્ગ જોશી તેમજ લાખણી એ.પી.એમ.સીના ચેરમેન બાબુભાઈ પાનકુટા,વરનોડા મેડિકલ ઓફિસર તેમજ લોરવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના પરેશભાઈ જોશી, આદર્શવિધ્યાલયના આચાર્ય જીવરામભાઈ જોશી વગેરેની ઉપસ્થિતિમાં કરાયો હતો. ભીલડી પંથકમાં ૬૭૦ વિધ્યાર્થીઓને કોરોનાનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો જેમાં કોઈ આડેસર જોવા મળી ન હતી.  આગામી ૧૦ જાન્યુઆરી-૨૦૨૨ પછી જિલ્લામાં ૨૫,૨૧૯ હેલ્થ વર્કરો અને ૪૭,૦૫૮ ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સને તેમજ ૬૦ વર્ષથી વધુ ઉંમરના સિનિયર સીટીઝનો અને કો-મોબડ કંન્ડીશન ધરાવતા દર્દીઓને બુસ્ટર ડોઝ  આપવામાં આવશે.