Mahisagar

મહીસાગર: વીરપુરના ખાટા ગામે દીવાલ ધરાશાયી થતાં બે બાળકોનું દટાઈ જતાં મોત

By GS Team
13 Aug 20262 mins read
TukuTouch Logo
મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના ખાટા ગામે વરસાદી માહોલ વચ્ચે એક રહેણાંક ઘરની કાચી દીવાલ ધરાશાયી થતાં હૃદયદ્રાવક દુર્ઘટના બની છે. આ અકસ્માતમાં 2 અને 4 વર્ષના બે માસૂમ બાળકો કાટમાળ નીચે દબાઈ જવાથી કરુણ મોતને ભેટ્યા હતા. ભારે વરસાદથી જર્જરિત થયેલી દીવાલ ધસી પડતાં આ ઘટના બની હતી. વિરપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહીસાગર: વીરપુરના ખાટા ગામે દીવાલ ધરાશાયી થતાં બે બાળકોનું દટાઈ જતાં મોત

Mahisagar News: મહિસાગર જિલ્લામાં વિરપુર તાલુકાના ખાટા ગામે એક અત્યંત હૃદયદ્રાવક દૂર્ઘટના સામે આવી છે. સમગ્ર જિલ્લામાં જામેલા વરસાદી માહોલ વચ્ચે આજે એક રહેણાંક ઘરની કાચી દીવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. આ અકસ્માતમાં કાટમાળ નીચે દબાઈ જવાથી બે માસૂમ સગા બાળકોના નીપજેલા કરૂણ મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકની કાલિમા છવાઈ ગઈ છે.

રમી રહેલા બાળકો પર કાળ બનીને ધસી પડી જર્જરિત દીવાલ

મળતી માહિતી અનુસાર, સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે મકાનની કાચી દીવાલ પાણીથી ધોવાઈને અત્યંત જર્જરિત થઈ ગઈ હતી. ઘરમાં બે નાના બાળકો રમી રહ્યા હતા. આ દરમિયાન અચાનક આ દીવાલ ધડાકાભેર ધસી પડી હતી. જેમાં 2 વર્ષ અને 4 વર્ષની ઉંમરના બે માસૂમ બાળકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા.

ધડાકાનો અવાજ સાંભળીને પરિવારજનો અને આસપાસના ગ્રામજનો તાત્કાલિક મદદ અર્થે દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહેમત બાદ કાટમાળ હટાવીને બંને બાળકોને બહાર કાઢ્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે બંને બાળકોએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો. પોતાના કાળજાના ટુકડા જેવા વહાલસોયા બાળકોને આંખ સામે ગુમાવી દેતા પરિવારજનોના કરૂણ આક્રંદથી આખું ગામ ગમગીન બની ગયું હતું.

પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

ઘટનાની જાણ થતાં જ વિરપુર પોલીસનો કાફલો ત્વરિત બનાવ સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે માસૂમ બાળકોના મૃતદેહોનું પંચનામું કરી આગળની કાનૂની પ્રક્રિયા અર્થે ખસેડ્યા હતા. આ અંગે વિરપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.