મહીસાગર: લુણાવાડા-સંતરામપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માત, દૂધના ટેન્કરે કારને અડફેટે લેતાં એક જ પરિવારના 3 લોકોના મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mahisagar Accident: મહીસાગર જિલ્લામાં આજે (14મી ઓગસ્ટ) ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે.લુણાવાડા-સંતરામપુર હાઇવે પર હરિગરના મુવાડા ગામ નજીક દૂધના ટેન્કર અને કાર વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં કારમાં સવાર એક જ પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે જ કમકામાટીભર્યા મોત નીપજ્યા હતા.
કારનો કચ્ચરઘાણ વળ્યો, દાહોદના પરિવાર પર તૂટી પડ્યો દુઃખનો પહાડ
મળતી માહિતી અનુસાર, મૃતકો દાહોદ જિલ્લાના ફતેપુરાના તળાવ ફળિયું વિસ્તારના રહેવાસી હતા. મૃતકોમાં કાર ચાલક હાર્દિક પ્રજાપતિ, તેની માતા પુષ્પાબહેન પ્રજાપતિ અને દાદી સવિતાબહેન પ્રજાપતિનો સમાવેશ થાય છે. લુણાવાડા તરફથી દૂધનું ટેન્કર સરસણ શીત કેન્દ્ર તરફ જઈ રહ્યું હતું, આ દરમિયાન સામેથી સંતરામપુર તરફથી આવી રહેલી કાર સાથે હરિગરના મુવાડા ગામ નજીક તેની જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે કારનો ભૂક્કો બોલી ગયો હતો અને તેમાં સવાર ત્રણેય લોકોએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો.
ટેન્કરચાલક ફરાર, પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા
અકસ્માત સર્જાયા બાદ ટેન્કરનો ચાલક વાહન મૂકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. બનાવ અંગે જાણ થતાં જ સંતરામપુર પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.









