Magazines

વસ્ત્રો બદલો એટલી સહેલાઈથી જીવનસાથી બદલી શકાતા નથી

By GS TEAM
15 Sep 20254 mins read
વસ્ત્રો બદલો એટલી સહેલાઈથી જીવનસાથી બદલી શકાતા નથી

આજના આધુનિક યુગલોમાં મોટે ભાગે પ્રેમ પહેલી નજરનો હોય છે. સુંદર દેખાવ હસમુખો સ્વભાવ અને વાતચીતની રીત એકબીજાને આકર્ષતી હોય છે. મારિયા અને રોનિ ડિસિલ્વા ચાર વર્ષ પહેલાં ક્રિસમસમાં મળ્યા ત્યારે મારિયાને રોનીનો દેખાવ અને કામ કરવાની કુશળતા ખૂબ ગમી ગઈહતી. એના હસમુખા સ્વભાવે એને જહાજ સાફ કરનાર, કેટેડમાંથી  વિદેશી જહાજનો એન્જિનિયર બનાવી દીધો હતો. પૈસે ટકે સુખી હોવાને કારણે મારિયાએ  રોની સાથે લગ્ન કર્યાં.   પણ આજે મારિયાને રોનીનો ખુબસૂરત  દેખાવ ખટકે છે.  તે એવુ વિચારતી રહે છે કે રોેનીને બીજી કોઈ સ્ત્રી સાથે લફરા છે.  જે દેખાવ પર તે ફિદા થઈ હતી, આજે એ જ દેખાવ તેનો દુશ્મન બની ગયો છે. જ્યારે પણ રોની જહાજ પરથી ઘરે પાછો ફરે છે ત્યારે મારિયા પ્રેમભર્યા શબ્દોને બદલે આકરા પ્રશ્નોથી તેનું સ્વાગત કરે છે. તેની એક જ ફરિયાદ છે, રોની જરાય બદલાતો નથી.

હવે તો તેણે પરિણીત માણસની જેમ ગંભીર  થવું જોઈએ ને? રીમા અને સુનીલનાં લગ્ન હજી ગયા વર્ષે થયા હતાં. રીમા છેલ્લા છ વર્ષથી એક મલ્ટીનેશનલ કંપનીમાં ઊંચા હોદ્દા પર કામ કરે છે.  અને એક બિઝનેસ  મિટિંગમાં તે સુનીલને મળી. રીમાનું ભણતર મેનેજમેન્ટની કાબેલિયત આ બધાથી સુનીલ રીમા તરફ આકર્ષાયો. બંનેએ લગ્ન કર્યાં પણ ઓફિસમાં કાબેલિયત ધરાવતી રીમા ઘર સંભાળવામાં હોંશિયાર નથી અને  એને સમય કસમયે ઓફિસ જવું આવવું પડે છે, સુનીલના માતા-પિતા પૂજા કરતાં હોય ત્યારે પણ એને સતત ઓફિસના વિચાર કરવા પડે છે. આજે સુનીલ અને રીમા સતત ઝઘડે છે. સુનીલ ઈચ્છે છે કે રીમા સાથે લગ્ન કરવા તેનાં પરંપરાગત વિચારો ધરાવતાં માતા-પિતા સાથે  તે પોતે લડયો ઝઘડયો હતો તો રીમાએ તેને સાચવવા થોડી ઘણી તો બાંધછોડ કરવી જોઈએ. પણ રીમા સમજે છે કે સુનીલ આ રીતે કરીને તેને સાવ  ઘરકૂકડી બનાવી દેવા માંગે છે. દલીલો વધતી રહે છે. અને પ્રેમાળ સંબંધ કડવાશથી ભરાતો જાય છે.

ખરી રીતે તો એક સ્ત્રી અને પુરુષ લગ્ન કરે એટલે તરત જ તેમનાં કાર્યક્ષેત્ર બદલાઈ જતાં હોય છે. રાત્રે બહાર રખડતાં, હોેટેલોમાં ફરતાં, મજાક-મસ્તી કરતાં છોકરાઓ, એ એમનું  પતિ તરીકેનું સાચું સ્વરૂપ હોતું નથી. આવું આપણા માનસમાં નાનપણથી ઠસાવી દેવાયું છે. છોેકરાઓ પોતાની જાતને બહુ ઓછા બદલી શકે છે. મોટે ભાગે સ્ત્રીઓ જ જિંદગીમાં ફેરફારો કરતી હોય છે કે સ્વીકારતા શીખતી હોય  છે. પુરુષોને  તો પોેતાનાં કુટુંબને પણ સાચવવું પડે છે.  જો તેમ  ન કરે તો સમાજ  એને સ્વીકારતો નથી. બહુ ઓછા પુરુષો એવા જોવા મળશે જે પોતાના  કુટુંબના સભ્યોને કહી શકે કે 'લો, આ મારી પત્ની છે.  એ આવી જ રહેશે. તમારે  સ્વીકારવી હોય તો સ્વીકારો નહીં તો અમારી સાથે સંબંધ તોડી નાખો.' કહે છે, દરેક સંબંધોમાં સામેવાળાના મનમાં સત્તા હાંસલ કરવાની હોડ ચાલતી હોય છે. દરેક વ્યક્તિ પોેતાનો પ્રભાવ પાડવા કે પોેતાનો કક્કો ખરો કરવાના પ્રયત્ન કરતાં હોય છે. પોતાનું જીવન સાથી જેવું હોય છે તેવું એને અપનાવી અને એનામાં સંપૂર્ણ વિશ્વાસ મુકવો એ ખૂબ જ અઘરી બાબત છે.' ભારતીય પુરુષો હોય કે બીજા કોઈ પુરુષો હોય, પણ જે વસ્તુથી  ડર લાગે, તેનાં પર કાબૂ મેળવવા પ્રત્યેક વ્યક્તિ ઈચ્છતો હોય છે. એટલે એ બીજાને, પોતાની રીતે ઢાળવાનાં પ્રયત્ન  કર્યાં કરે છે.

પુરુષો જ  સ્ત્રીને પોતાની રીતે જીવતા શીખવે એવું નથી. આજે તો સ્ત્રીઓ પણ એવી ઈચ્છા ધરાવતી થઈ ગઈ છે. જો કોઈ સ્ત્રી પોતાનાં પતિને બદલવા માંગતી હશે તો તે આકાશ-પાતાળ એક કરી નાખશે.  શર્મિલા  સરકારી બેંકમાં મોટા હોદ્દા પર કામ કરતી, ખૂબ ભણેલી ગણેલી અને વાંચન ધરાવતી છોકરી છે. તેણે એક સુંદર ન કહી શકાય તેવા સુશીલ પણ કર્મઠ માણસ સાથે લગ્ન કર્યા છે. લગ્ન પહેલાં તો શર્મિલા દેખાવને મહત્ત્વ  આપતી ન હતી. તેને પતિનું ઓછું વાંચન ખટકતું ન હતું કારણ કે તે તેને ખૂબ જ પ્રેમ કરતો હતો. પણ લગ્ન પછી શર્મિલા તેના પતિને સતત ટોકે છે તમે તમારું વાંચન વધારો અને તમારું અંગ્રેજી બોલવાનું સુધારો. મને મારા મિત્રો સામે નીચાજોણું થાય છે. શર્મિલા એના પતિને એટલો બધો ટોકટોક કરે છે કે એ બિચારો લઘુતાગ્રંથિથી પીડાવા લાગ્યો છે.

લગ્ન સંબંધમાં જે પ્રભાવશાળી હોય તે વ્યક્તિ સામેવાળી વ્યક્તિને મહાત કરે છે. આજે  તો સમાજમાં સ્ત્રીઓ વધુને વધુ મજબૂત બની રહી છે. અને કોણ  આગળ વધે તે સ્પર્ધા ચાલી રહી છે.

ખરી રીતે દરેક જીવનસાથીએ સામી વ્યક્તિની ઈચ્છાઓને સમજતાં શીખવું   જોઈએ. જો તમે પસંદ કરેલી વ્યક્તિ ખૂબ હસમુખી હોય તો એનો અર્થ એ થાય કે એેને વાતવાતમાં  જોક્સ કહેવાની આદત છે તો પછી એવી વ્યક્તિને એ છે  તેવી જ રીતે સ્વીકારતાં શીખો એને ઉતારી પાડવાનો કે બદલવાનો પ્રયત્ન ન કરો. બની શકે ત્યાં સુધી દરેક વ્યક્તિએ પોેતાના મનમાં જીવનસાથી કેવી જોઈએ, એના વિશે કોઈ પૂર્વગ્રહ બાંધેલા હોય તો તેને વળગી રહેવાનું છોડી દેવું જોઈએ. પતિ-પત્ની એક બીજા સાથે જેટલી વધુ વાતચીત કરે તેટલાં જ તેમના સંબંધો મજબૂત અને સ્વસ્થ બની શકે છે. સંબંધોમાં હળવાશ જરૂરી છે.  પતિ અથવા પત્નીને પણ પોતાની રીતે જીવવાનું અને થોડો સમય ગાળવાનું મન થાય. તેમની ઈચ્છાને  માન આપતાં શીખો. લગ્નજીવનનાં ખોટા તણાવમાંથી ચોક્કસપણે મુક્ત થઈ શકશો.