સમય હોય કે લાગણી તેમાં પોઝ અને રિવાઈન્ડનું ઓપ્શન હોતું નથી

- રિલેશનના રિ-લેશન- રવિ ઇલા ભટ્ટ
- રફતાર પકડેલી જિંદગીને એકાએક પોઝ કરીને આપણાથી ભૂતકાળમાં પરત જઈ શકાય એમ છે જ નહીં. હવે જે ગયું તેને છોડી જ દેવાનું અને જે છે તેનો આનંદ માણવાનો. જિંદગી કોઈ કેસેટ પ્લેયર નથી કે ઈચ્છા થાય ત્યારે ગમે તેવું, જોવા, સાંભળવા માટે ચાલુ છે તેને પોઝ કરીને રિવાઈન્ડ કરવા બેસીએ.
દેવલ અને વૈભવ કોલેજકાળમાં એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. તેમને જોઈને દરેકને એમ જ લાગતું કે આ જોડી ખરેખર ભગવાને બનાવી છે. બંને સાથે હોય ત્યારે ખૂબ જ સોહામણા પણ લાગતા. કોલેજ પૂરી થયા પછી બંને માસ્ટર્સ કરવા માટે અલગ અલગ શહેરમાં ગયા અને ત્યાં દેવલનો પરિચય રોનક સાથે થયો. બંને માસ્ટર્સ પૂરું કરીને પરણી ગયા અને વિદેશ જતા રહ્યા. વૈભવનો તો લાગણીઓનો વૈભવ જ લુંટાઈ ગયો. દેવલ અચાનક છોડીને બીજી વ્યક્તિને પરણી ગઈ, વિદેશ જતી રહી.. આ બધું તેના માટે મોટા આઘાત સમાન હતું. તેમ છતાં વૈભવ આ આઘાત જીરવીને ટકી ગયો. તેણે પોતાની કેરિયર બનાવી, સોનલ નામની સુંદર અને સુશિલ વ્યક્તિ સાથે સંસાર શરૂ કર્યો અને અત્યારે એક દીકરો અને એક દીકરીનો પિતા છે.
આ વૈભવની જિંદગી હાલમાં થોડી ડખે ચડી છે. તેની જે એક્સ હતી તે જીવનમાં પરત આવવા માગે છે. તેની એક્સ દેવલ હવે શહેરમાં પાછી આવી ગઈ છે, સિંગલ, ઈન્ડિપેન્ડન્ટ વકગ વુમન દેવલને ફરીથી વૈભવ સાથે રિલેશનમાં જોડાવું છે. વૈભવ એ સ્થિતિમાં છે કે, પોતાની એક્સને વ્હાય પણ પૂછી શકે તેમ નથી. તેની જિંદગી ગોટાળે ચડી છે. દેવલ એકાદ વખત તો સોનલની હાજરીમાં તેના ઘરે આવીને પણ મળી ગઈ. તેમના સંબંધોની વાત કરી દીધી. સોનલ સમજુ હતી તેથી વૈભવે તેને ખાસ સમજાવવાની જરૂર ન પડી પણ વૈભવ હવે અટવાયેલો છે. તેણે દેવલને સમજાવવાનો પ્રયાસ કર્યો કે તે હવે તેની સાથે કોઈ રિલેશન રાખવા માગતો નથી પણ દેવલ તેની સાથે મિત્રતા રાખવા મથતી હતી અને કદાચ દબાણ કરતી હતી.
વૈભવ અને દેવલની સ્થિતિ જેવી છે તેવી ઘણા લોકોની હશે, કદાચ સ્થિતિ બદલાયેલી પણ હશે અને કંઈક જુદી સ્થિતિમાં પણ આપણે આવતા હોઈશું. આ બધાનો સાર સૌથી પહેલો તો એ આવે છે કે, આપણે ભૂતકાળમાં જે કર્યું, ભૂતકાળમાં જેની સાથે હતા અથવા તો આપણો જે ભૂતકાળ હતો તેને હવે આગળ લઈને ચાલવો કે નહીં તે આપણી પોતાની મરજી છે. તેમાં અન્ય કોઈનું દબાણ ચલાવી લેવાય નહીં. તેમાંય જ્યારે કોઈ વ્યક્તિ છોડીને જતી રહી હોય, તરછોડીને જતી રહી હોય કે અનાયાસ અને અકારણ જતી રહી હોય તો તેને એકાએક આપણી જિંદગીમાં પાછા આવવાનો હક આપી શકાય જ નહીં. જ્યારે તેના નામ, તેની લાગણીઓ, તેના સપના અને તેની હકિકતોથી મુવઓન થઈ ગયા તો પછી તેને ભુલી જવી જ સરળ પડે છે. આવી ખોવાયેલી, ખોટકાયેલી કે પછી કોહવાયેલી લાગણીઓ માટે સુંદર વર્તમાનને પોઝ કરીને ભૂતકાળમાં જઈને રિવાઈન્ડ કરવાનો કોઈ અર્થ નથી.
બે લોકો જ્યારે પ્રેમમાં કે સંબંધમાં હોય ત્યારે તેમની પાસે કોઈ કારણ હોતા નથી. આ લોકો જ્યારે છૂટા પડે ત્યારે હજારો કારણો હોય છે અને તે જ વ્યક્તિ પાછી જીવનમમાં આવવા માગે ત્યારે લાખો કારણો હોય છે... બે વ્યક્તિ છૂટી પડે ત્યારે વત્તે-ઓછે અંશે બંને વ્યક્તિનો વાંક હોય છે. તેનું કારણ એવું છે કે, બે લોકો જ્યારે એકબીજા સાથે રહેવા માગે, પ્રેમ કરવા માગે, સંબંધમાં રહેવા માગે ત્યારે તેમની પાસે એક જ દલિલ હોય છે કે, તું મને ગમે છે, હું તને પ્રેમ કરું છું. તે સમયે વ્યક્તિ કોઈપણ પ્રકારના એડજસ્ટમેન્ટ કરવા, કોમ્પ્રોમાઈસ કરવા તૈયાર હોય છે. તે સમયે ઊભી થતી ગમે તે પરિસ્થિતિને તે સહન કરવા તૈયાર હોય છે. જે ક્ષણે એમ લાગે કે હવે સંબંધ રાખવો નથી ત્યારે પાસા પલટાઈ જાય છે. પછી એક ક્ષણ માટે પણ કોમ્પ્રોમાઈસ કરવા માટે મન માનતું નથી.
હકિકતે આપણી જિંદગી આવી જ છે. પાણી જેવી. તેને જ્યાં... જેવી રીતે... ભરી રાખો તેવો આકાર તેને ધારણ કરવાની આદત પડી જાય છે. પાણીને તપેલીમાં ભરો તો તેના જેવો આકાર, ગ્લાસમાં ભરો તો તેના જેવો આકાર, બોટલમાં ભરો તો તેના જેવો આકાર... જ્યારે વહેતું છોડી દો તો નિરાકાર થઈને વહ્યા કરે છે. જિંદગીને પણ આવી રીતે જ ગમે તે આકારમાં સેટ થઈ જવાની અને છૂટી મૂકો તો વહેતા રહેવાની કૂટેવ છે. આપણને સુખ આવે તો તેમાં વહ્યા કરીએ અને દુ:ખ આવે તો તેમાં વહ્યા કરીએ... આપણે લાંબા સમય સુધી કોઈ એક પરિસ્થિતિમાં રહી શકતા જ નથી. આપણે બધું ભુલી જવાની વાતો કરીએ છીએ પણ ખરેખર આપણે ભુલી શકતા જ નથી. તેમાંય દુ:ખની સાથે જોડાયેલી બાબતો, વ્યક્તિ કે ઘટનાઓને તો ક્યારેય નહીં. મનના ખૂણામાં ક્યારેક ને ક્યારેક તે ફાંસની જેમ ખૂંચ્યા કરે છે.
જીવનના દરેક કે કોઈપણ તબક્કે આપણે મુવઓન કહીએ છીએ પણ હકિકતે તેનું પાલન કરી શકીએ છીએ. જવાબ આપણને ખબર જ છે. મુવ ઓન કહેવું જેટલું સહેલું છે તેટલું જીવવું અઘરું છે. કરિયર માટે, ફયુચર માટે, માતા-પિતા માટે અથવા તો ક્યારેક માત્ર ઈગો અને ગુસ્સાને કારણે છૂટી પડનારી બે વ્યક્તિઓ સમયના આવરણ ચડવાની સાથે ભૂતકાળના તાળા મેળવતી જ હોય છે. તેઓ જ્યારે સંબંધોની બેલેન્સશિટ તપાસે છે ત્યારે કંઈક જૂદા જ તાળા મળતા હોય છે. આ બે વ્યક્તિમાંથી એક સમયનો મલમ લગાવીને ધીમેધીમે ઘા ભુલી જાય છે જ્યારે બીજી વ્યક્તિ પ્રેક્ટિકાલિટીના નામે આગળ વધે છે પણ મન તો કણસતું જ હોય છે.
.આવી વ્યક્તિ અચાનક સામે આવી જાય ત્યારે ખરેખર સમજાતું નથી કે શું કરવું... જે નથી મળ્યું અથવા તો એક તબક્કે જે ગુમાવી દીધું હતું તે મેળવી લેવું છે કે, પછી તેને હવે નકારી જ દેવું છે તેનો નિર્ણય કરવો અઘરો થઈ જાય છે. આપણે એ ભુલી જઈએ છીએ કે લાગણીઓની ચોક્કસ ઋતુ છે. તેને ફ્રોઝન કરીને બીજી સીઝનમાં વાપરવા માટે મુકી રખાતી નથી. જિંદગી સતત આગળ વધતી રહે છે. તેને અટકવામાં કે રિવર્સ જવામાં જરાય રસ નથી. આપણે આ સત્યને સ્વીકારતા જ નથી. કદાચ સામે આવી વ્યક્તિને પામી લેવાની ખેવના થઈ આવે, મનની અધુરી તૃષ્ણા પૂરી કરવાની લાલચ જાગે પણ જ્યારે મનને ભૂતકાળ અને વર્તમાન સાથેની સરખામણી કરાવીએ ત્યારે સમજાશે કે જતું રહેલું હવે ફરીથી ખરેખર ભોગવી શકાશે નહીં. લાગણીઓની તિવ્રતા પહેલાં જેવી હશે જ નહીં અથવા તો રહેશે પણ નહીં. આવી લાગણીઓ માત્ર ટાઈમ મશિન જેવી હોય છે. તેમાં થોડા સમય માટે રહીને તમે ભૂતકાળની ફેન્ટસીને એન્જોય કરી શકો છો પણ તેમાં કાયમ માટે રહી શકતા નથી.
ભૂતકાળમાં જવું કે રહેવું કોઈને પોસાય તેવું નથી અને કોઈ કરી શકે તેમ જ નથી. જે જતું રહ્યું છે તે પાછું આવે ત્યારે તમારી જરૂરિયાતો, જવાબદારી અને જીજીવિશા બદલાઈ ગયા હોય છે. મૂળ વાત એટલી જ છે, જે આપણે ઝંખતા હતા તે ભલે આજે સોનાના તાસકમાં આપણી પાસે સામે ચાલીને આવ્યું છે પણ આપણે તેનો સ્વીકાર કરી શકીએ એમ નથી. આપણે એ ભુલી જઈએ છીએ કે, સમયની સાથે બધું જ બદલાઈ જાય છે. આપણે બદલાયા છીએ, સામેની વ્યક્તિ બદલાઈ છે. મુવ ઓન કહીને નીકળી ગયા હતા ત્યારેથી જ જિંદગી, તેની પ્રાયોરિટિઝ અને લાગણીઓ બધું જ બદલાઈ ગયું હતું. છુટા પડયા ત્યારે જ નક્કી હતું કે હવે ફરી ભેગા થવાનો કોઈ અવસર રહેવાનો નથી. ધારો કે એ અવસર આવી ગયો તો પણ રફતાર પકડેલી જિંદગીને એકાએક પોઝ કરીને આપણાથી ભૂતકાળમાં પરત જઈ શકાય એમ છે જ નહીં. હવે જે ગયું તેને છોડી જ દેવાનું અને જે છે તેનો આનંદ માણવાનો. જિંદગી કોઈ કેસેટ પ્લેયર નથી કે ઈચ્છા થાય ત્યારે ગમે તેવું, જોવા, સાંભળવા માટે ચાલુ છે તેને પોઝ કરીને રિવાઈન્ડ કરવા બેસી જઈએ .








