Magazines

હોલિવુડ પર ઘેરાયેલાં એઆઇનાં વાદળો કેવું તોફાન લાવશે ?

By GS TEAM
14 May 20264 mins read
હોલિવુડ પર ઘેરાયેલાં એઆઇનાં વાદળો કેવું તોફાન લાવશે ?

'રનવે' અને 'મીડજર્ની' જેવાં એઆઈ ટૂલ્સ હવે સ્ટોરીબોર્ડથી લઈને કલર ગ્રેડિંગ સુધીનાં કામો પતાવી નાખે છે. તેને કારણે હવે આ કામો કરી શકતા માનવ કર્મચારીઓની જરૂરિયાત ઉત્તરોત્તર ઘટી રહી છે. 

2022 થી 2024 દરમિયાન લોસ એન્જેલસના ફિલ્મ-ટીવી ઉદ્યોગમાંથી ૪૨,૦૦૦ નોકરીઓ ઘટી ગઈ. નવાઈની વાત એ છે કે ત્યારે એઆઈ ટૂલ્સ આટલા સક્રિય નહોતાં. તાજેતરમાં આઇરિશ ફિલ્મમેકર રુએરી રોબિન્સને 'સીડાન્સ ૨.૦' મોડલથી એક ક્લિપ બનાવી, જેમાં હોલિવુડના સુપરસ્ટાર્સ ટોમ ક્ઝ અને બ્રાડ પિટ આબેહૂબ રીતે લડતા દેખાય છે. માત્ર બે લાઈનના પ્રોમ્પ્ટથી બનેલી આ ક્લિપ જોઈને આખા હોલિવુડમાં સોપો પડી ગયો છે.

આ ઘટનાથી મોટો વિવાદ થયો છે. એક તરફ કલાકારોની ઈમેજના ગેરકાયદે વપરાશનો વિરોધ છે, તો બીજી તરફ સ્ક્રીન એક્ટર્સ ગિલ્ડ-અમેરિકન ફેડરેશન ઓફ ટેલિવિઝન એન્ડ રેડિયો આર્ટિસ્ટ્સના લેબર યુનિયન અને અન્ય યુનિયનોએ ચેતવણી આપી છે કે એઆઈ માનવ પ્રતિભાઓની આજીવિકા છીનવી લેશે. અત્યારે હોલિવુડમાં નિરાશા છેત ફિલ્મમેકર્સ સાવચેતીથી પ્રયોગો કરે છે, જ્યારે સ્ટુડિયો ખર્ચ ઘટાડવા એઆઈના રસ્તા શોધે છે. 'કન્ટેન્ટ ઈઝ ન્યૂ ઓઈલ'ના યુગમાં એઆઈ કંપનીઓ હવે હોલિવુડના દિગ્ગજ સ્ટુડિયોને ખરીદવા જંગી ઓફર્સ આપી રહી છે.

જોકે, ટેક કંપનીઓનો ઇતિહાસ તપાસીએ તો ભાવિનો કઇંક સંકેત મળી શકે. આ મામલે ગૂગલના એક બિઝનેસને તપાસતાં હોલિવુડમાં ભાવિ કેવું હશે તેનો સંકેત મળી શકે તેમ છે. ગૂગલે ૨૦૧૪માં એટલે કે એક દાયકાં કરતાં પણ વધારે સમય પહેલાં શોફર નામનો એક પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. ગૂગલે એ પછી એઆઇ મોડેલ્સને ટ્રેઇન કરવા તેના ન્યુરલ નેટવર્કમાં ધરખમ ફેરફારો હાથ ધર્યાં હતા. એક અહેવાલ અનુસાર ગૂગલે એઆઇને ટ્રેઇન કરવા તેના સ્ટાન્ડર્ડ ચીપ ધરાવતાં કમ્પ્યુટરના સ્થાને વધારે ઝડપી અને વધારે અસરકારક તથા વધારે મોંઘા જીપીયુ ધરાવતાં કમ્પ્યુટર્સ પર આ કામ કરવાની શરૂઆત કરી હતી. ગૂગલે આ કામ માટે પહેલી બેચમાં ૧૩૦ મિલિયન ડોલર્સના ખર્ચે ૪૦,૦૦૦ જીપીયુ તહેનાત કર્યા હતાં. આ તમામ ૪૦,૦૦૦ જીપીયુ રાતદિવસ ચાલુ રાખીને ન્યુરલ નેટવર્કને સતત ટ્રેઇન આપવામાં આવ્યું. 

૨૦૧૬માં ગૂગલે તેના પ્રોજેક્ટનું નામ શોફરમાંથી બદલીને વાયમો રાખ્યું અને તે નામની એક અલગ જ કંપની બનાવી. ચાર વર્ષ બાદ ૨૦૨૦માં આ કંપનીએ દુનિયામાં પ્રથમવાર ડ્રાઇવર વગરની ટેક્સી સેવાઓ આપવાની શરૂઆત કરી. આજે વાયમો દર અઠવાડિયે સાડા ચાર લાખ રાઇડ્સ પુરી પાડે છે. 

આ વર્ષે પંદરમી માર્ચે લોસ એન્જેલસના ડોલ્બી થિયેટર્સમાં એકેડમી એવોર્ડઝ યાને ઓસ્કર એવોર્ડ સમારોહ યોજાયો તેમાં આ બાબતની રસપ્રદ નોંધ લેવાઇ હતી. આ સમારોહની શરૂઆતમાં જ કોમેડિયન કોનન ઓ'બ્રિયને તેની લાક્ષણિક સ્ટાઇલમાં જણાવ્યું હતું કે એકેડમી એવોર્ડના છેલ્લા માનવ હોસ્ટ બનવાનું સદભાગ્ય મને મળ્યું છે. આવતા વર્ષે  વાયમો ટ્કસેડો પહેરી મારું કામ કરશે! હોલિવુડ સહિત સમગ્ર લોસ એન્જેલસમાં વાયમોની ડ્રાઇવર વિનાની કારનો ઉપયોગ દર્શકો કરતાં હોઇ આ કટાક્ષ દર્શકોને અસર કરી ગયો હતો.

ઓસ્કર પહેલા પણ ફિલ્મ નિર્માણમાં એઆઈના વધતા વ્યાપને લીધે ચિંતા હતી. વિઝયુઅલ ઈફેક્ટ્સ, સાઉન્ડ ડિઝાઇન અને એનિમેશનમાં એઆઈના કારણે ગણિત બદલાઈ ગયું છે. ફિલ્મ નિર્માણમાં 'રનવે' અને 'મીડજર્ની' જેવાં ટૂલ્સ હવે સ્ટોરીબોર્ડથી લઈને કલર ગ્રેડિંગ સુધીનાં કામો પતાવી દે છે, જેનાથી કર્મચારીઓની જરૂરિયાત ઘટી રહી છે. 

ઓસ્કર સમારોહમાં જ વિલ અર્નેટે બેસ્ટ એનિમેશન ફિચરનો એવોર્ડ આપવા મંચ પર આવીને જણાવ્યું હતું કે આજે આપણે એઆઇના નહીં પણ કળાકારોનાં સર્જનને બિરદાવી રહ્યાં છીએ. એનિમેશન એ પ્રોમ્પ્ટ કરતાં વિશેષ છે. તે એક કળાસ્વરૂપ છે અને તેનું સંરક્ષણ કરવું જરૂરી છે. નવ નોમિનેશન મેળવનારી ફિલ્મ 'ફ્રેન્કેસ્ટાઇન'ના નિર્દેશક ગુલેર્મો ડેલ ટોરોએ તો એમ કહી નાંખ્યું કે મારી ફિલ્મમાં હું જનરેટિવ એઆઇ વાપરવાને બદલે મરી જવાનું વધારે પસંદ કરીશ. મારી ફિલ્મ ફ્રેન્કેસ્ટાઇનની દરેક ફ્રેમમાં માનવકળાકારી છલકાય છે.

આ વર્ષના ઓસ્કરની વિશેષતા એ રહી કે વોર્નર બ્રધર્સ સ્ટુડિયોની ૧૧ ફિલ્મોને ૩૦થી વધુ નોમિનેશન્સ મળ્યા. સૌથી વધુ ચર્ચાયેલી ફિલ્મો 'વન બેટલ આફ્ટર અનધર' અને 'સિનર્સ' બંને વોર્નર પ્રોડક્શન્સની છે, જે રાજકીય ટોન ધરાવે છે. આમ છતાં, આખા સમારોહ પર એઆઈનો પડછાયો વર્તાતો રહ્યો.

૧૯૮૦ના દાયકામાં ૫૦ કંપનીઓ અમેરિકન મિડિયા માર્કેટ પર નિયંત્રણ ધરાવતી હતી. આજે માત્ર પાંચ કંપનીઓ આખા માર્કેટ પર નિયંત્રણ ધરાવે છે. હોલિવૂડની ટોચની આ પાંચ કંપનીઓમાં એક પેરેમાઉન્ટ છે, જેની માલિકી ડેવિડ એલિસનની છે. ડેવિડ એલિસનના પિતા લેરી એલિસન ઓરેકલના માલિક છે અને પ્રમુખ ટ્રમ્પના નજીકના સાથી છે. જ્યારે ટ્રમ્પે ટિકટોકને તેના અમેરિકન ઓપરેશન્સને મર્યાદિત કરવા જણાવ્યું ત્યારે લેરી એલિસને તેમાં મહત્ત્વનો હિસ્સો હસ્તગત કર્યો હતો. તેમના પુત્ર ડેવિડને પેરેમાઉન્ટ ખરીદવા માટે તેમણે મોટી રકમની લોન આપેલી છે. હવે પેરેમાઉન્ટે વોર્નર બ્રધર્સને ખરીદવા માટે ૧૧૧ અબજ ડોલર્સની ઓફર કરી છે. જેની સામે હોલિવુડના મોટાં કળાકારોએ વિરોધ વ્યક્ત કર્યો છે. પેરેમાઉન્ટ વોર્નર બ્રધર્સને હસ્તગત કરવામાં સફળ થાય છે કે કેમ તેના પર હોલિવુડનું અને તેમાં એઆઈની સહભાગિતાનું ભાવિ અવલંબી રહ્યું છે.