Magazines

વાસુ ભગનાનીએ તૌરાનીઓ સામે 400 કરોડ રૂપિયાનો દાવો માંડયો

By GS TEAM
18 Jun 20266 mins read
વાસુ ભગનાનીએ તૌરાનીઓ સામે 400 કરોડ રૂપિયાનો દાવો માંડયો

- ફિલ્મી ગીતના કોપીરાઇટ ભંગના કિસ્સાઓમાં એકનો વધારો થયો છે. વાસુ ભગનાનીની કંપની પૂજા એન્ટરટેઇનમેન્ટની ૧૯૯૯ની ફિલ્મ 'બીવી નંબર વન'ના બે ગીત 'ચુનરી ચુન્નરી' અને 'ઈશ્ક સોના હૈ'નો ઉપયોગ ડેવિડ ધવને 'હૈ જવાની તો ઇશ્ક હોના હૈ'માં કરતાં કાનૂની વિવાદ સર્જાયો...

આજકાલ ધુરંધર ફિલ્મ વિવિધ કારણોસર ન્યુસમાં છે. આ ફિલ્મમાં ઓયે ઓયે ગીતનો ટ્રેક વગર પરવાનગીએ વાપરવા બદલ રાજીવ રાયે આ ફિલ્મના નિર્માતાઓ સામે કેસ ઠોકી દેતાં અદાલતે ફિલ્મની ઓટીટી રજૂઆતને અટકાવવાની ના પાડી અરજદારને પોતાના અધિકાર હોવાનું પુરવાર કરવા જણાવ્યું જેથી નુકશાન થયું હોય તો તેનું વળતર ચૂકવી શકાય. આ કેસની શાહી હજી સૂકાઇ નથી ત્યાં બોલીવૂડના બીજા બે માંધાતાઓ વચ્ચે કોપીરાઇટનો જંગ શરૂ થયો છે. 

વાસુ ભગનાનીની કંપની પૂજા એન્ટરટેઇનમેન્ટે  ટીપ્સ ઇન્ડ્સ્ટ્રીઝ લિ.ના માલિકો રમેશ તૌરાની અને કુમાર એસ તૌરાની અને ફિલ્મ મેકર ડેવિડ ધવન સામે બોમ્બે હાઇકોર્ટમાં ૪૦૦ કરોડ રૂપિયાનો દાવો નોંધાવ્યો છે કે આ લોકોએ તેમની ૧૯૯૯ની બ્લોકબસ્ટર હીટ ફિલ્મ બીવી નં.૧ના બે ગીતોનો વરૂણ ધવનની આગામી ફિલ્મ હૈ જવાની તો ઇશ્ક હોના હૈમાં ગેરકાયદઉપયાગ કર્યો છે. આ દાવામાં પાંચ જુને થનારી ફિલ્મની સૂચિત રજૂઆતને અટકાવવાની તથા ફિલ્મ અને તેની પ્રમોશનલ સામગ્રીમાં વિવાદગ્રસ્ત ગીતો ચૂનરી ચૂનરી અને ઇશ્ક સોના હૈનો વેપારી હેતુસર ઉપયોગ કરવામાં ન આવે તેવી માંગણી કરવામાં આવી છે. 

પૂજા એન્ટરટેઇનમેન્ટના જણાવ્યા અનુસાર હૈ જવાની તો ઇશ્ક હોના હૈના મેકર્સ પાસે બીવી નં.૧ના બે ગીતોનો ઉપયોગ કરવા માટે જરૂરી રાઇટ્સ ધરાવતા નથી. પ્રોડકશન હાઉસે માંગણી કરી છે કે આ બંને ગીતો ફિલ્મ તથા તેના પ્રમોશનલ કેમ્પેઇનમાંથી દૂર કરવામાં આવે. આ ઉપરાંત કંપનીએ જો પ્રતિવાદી કંપની તેની માંગણીનો અમલ કરવામાં નિષ્ફળ જાય અને વિવાદાસ્પદ ગીતોનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે તો તેમણે બીજા ૧૦૦ કરોડ રૂપિયા નુકસાની પેટે આપવાના રહેશે. પ્રોડકશન હાઉસે આક્ષેપ કર્યો છે કે બીવી નં.૧ના મૂલ્યવાન ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સનો માન્ય સત્તા કે લાઇસન્સ વિના વેપારી હેતુસર ઉપયોગ કરવામાં આવ્યો છે. 

પૂજા એન્ટરટેઇનમેન્ટના વકીલ વી કે દુબેએ દલીલ કરતાં જણાવ્યું હતું કે બંને પક્ષો વચ્ચે થયેલાં મૂળ કરારમાં માત્ર ઓડિયો રાઇટ્સની જ વાત છે. અગાઉ મૂવીઝના રાઇટ્સ કરાર પર આધારિત રહેતા હતા. આજે મ્યુઝિક કંપનીઓ મોટા નિર્માતાઓ પાસેથી ગીતો જ ખરીદી લે છે. અથવા જાતે જ ગીતો બનાવી લે છે. વકીલે દાવો કર્યો હતો કે પૂજા એન્ટરટેઇનમેન્ટે બાદમાં ટીપ્સને નોટિસ આપી તેના રાઇટ્સ કેન્સલ કરી નાંખ્યા હતા. જો તેઓ મ્યુઝિક રાઇટ્સના કાયદેસર માલિક હોય તો તેમણે ડોક્યુમેન્ટસ દર્શાવવા જોઇએ. આ જ કારણે અમે ટીપ્સ સામે દાવો નોંધાવ્યો છે. આખરે ન્યાય પ્રવર્તશે અને સત્ય બહાર આવશે. 

નોંધપાત્ર બાબત એ છે કે જેનો વિવાદ ઉભો થયો છે તે ચુન્નરી ચુન્નરી અને ઇશ્ક સોના હૈ બંને ગીતો બીવી નં.૧ ફિલ્મના છે. જેનું નિર્દેશન ડેવિડ ધવને કર્યું હતું. હવે આગામી ફિલ્મ હૈ જવાની તો ઇશ્ક હોના હૈનું નિર્દેશન પણ ડેવિડ ધવને જ કર્યું છે. પૂજા એન્ટરટેઇનમેન્ટના વાસુ ભગનાનીએ જણાવ્યું હતું કે ઓડિયો રાઇટ્સ ટીપ્સને વેચવામાં આવ્યા હતા પણ વિડિયો રાઇટ્સ હજી પૂજા એન્ટરટેઇનમેન્ટ પાસે જ છે. ચુન્નરી ચુન્નરી ગીત વરૂણ ધવન, મૃણાલ ઠાકુર અને પૂજા હેગડેને લઇ નવેસરથી રજૂ કરવામાં આવ્યું તે જોઇ મને આઘાત લાગ્યો છે તેમ વાસુ ભગનાનીએ જણાવ્યું હતું. વાસુ ભગનાનીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ડેવિડ ધવને તેમને વિશ્વાસભંગ કર્યો છે. ૨૦૨૦માં કુલી નં.૧ સીધી ઓટીટી પર પ્રિમિયર થતાં તેમાં મોટું નુકસાન થતાં ડેવિડ ધવને આ નુકશાન ભરપાઇ કરી આપવા પૂજા એન્ટરટેઇનમેન્ટ માટે બીવી નં.૧ની સિકવલ ડાયરેક્ટ કરી આપવાની વાત કરી હતી. જો કે પ્રોજેક્ટ ડેવલપ થયા બાદ ડેવિડ ધવન અને વરૂણ ધવને ટીપ્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે હાથ મિલાવી લઇ ઇશ્ક સોના હૈ નામની ફિલ્મ બનાવી તેમાં ચુન્નરી ચુન્નરી ગીત ઉમેરી લીધું હતું. 

ચુન્નરી ચુન્નરી ગીતનું નવું વર્ઝન રિલિઝ કરવામાં આવ્યું તેના બીજા જ દિવસે ટીપ્સ ઇન્ડસ્ટ્રીઝ અને ફિલ્મની ટીમે કડક શબ્દોમાં નિવેદન જારી કરી વાસુ ભગનાનીના દાવાઓને નકારી કાઢ્યા હતા. નિવેદનમાં જણાવ્યું હતું કે તાજેતરમાં વાસુ ભગનાનીએ અમારી સામે શ્રેણીબદ્ધ પાયાવિહોણાં આક્ષેપો કર્યાં છે. આ અંગત વેરઝેરને કારણે ચલાવવામાં આવેલી બદનામીની ઝૂંબેશ છે તે અમે જાણીએ છીએ. જેનો હેતુ અમારી ફિલ્મ હૈ જવાની તો ઇશ્ક હોના હૈની રિલિઝ ખોરવી  નાંખવાનો છે. કંપનીએ ઉમેર્યું હતું કે વાસુ ભગનાની સાથે અમારા સંબંધો ૧૯૯૫થી છે. અમે જે પ્રોજેક્ટ માટે તમામ તૈયારી કરી હતી તેમાં તેમને ૫૦ ટકાની ભાગીદારી અને નિર્માતા તરીકે શ્રેય આપવાની ઉદાર ઓફર કરી હતી. ટીપ્સે આક્ષેપ કર્યો હતો કે ભગનાનીએ સીધી વાત કરવાને બદલે કાનુની દાવો કરવાનો માર્ગ પસંદ કર્યો છે અને આ મામલે ગેરમાર્ગે દોરનારી ખોટી માહિતી પ્રસરાવી છે. ટીપ્સે જણાવ્યું હતું કે અમે આ બંને ગીતોના કાયદેસર માલિક છીએ. આ મામલો હવે કોર્ટમાં હોઇ અમે આ એકમાત્ર નિવેદન કર્યું છે. અમને દેશની ન્યાય વ્યવસ્થામાં સંપૂર્ણ વિશ્વાસ છે અને આખરે ન્યાય પ્રવર્તશે. 

આ કેસનું સૌથી આશ્ચર્યજનક પાસું ફિલ્મનું નામ બદલવાની માંગણી છે. પૂજા એન્ટરટેઇનમેન્ટની દલીલ છે કે ફિલ્મનું નામ હૈ જવાની તો ઇશ્ક હોના હૈ પણ વિવાદાસ્પદ ગીતનો જ હિસ્સો છે માટે તેનું નામ પણ બદલવું જ જોઇએ. જો આ બાબત સ્વીકારવામાં આવે તો ફિલ્મના માર્કેટિંગ અને પ્રમોશનમાં મોટી મુશ્કેલી પડી શકે. કેમ કે ફિલ્મને પાંચ જુને રજૂ કરવાની હોઇ તેની પ્રમોશનલ સામગ્રી તૈયાર છે અને તેમાં છેલ્લી ઘડીએ ફેરફારો કરવા પડે તો આખું પ્રમોશન કેમ્પેઇન નવેસરથી કરવું પડે તેમ છે. 

આ વિવાદમાં ગાયક અભિજિતે પણ ઝુકાવતાં મામલો વધારે પેચીદો બન્યો છે. 

એક ચેનલ સાથે વાત કરતાં ચુન્નરી ચુન્નરી ગીતના મૂળ ગાયક અભિજિતે જણાવ્યું હતું કે ગીતના રીમેક માટે તેની કોઇ મંજૂરી લેવામાં આવી નથી અને નવા ગીતમાં તેનો અવાજ પણ લેવામાં આવ્યો નથી. યે ગીત કે રીમેક કી પરમિશન દેનારા મૈૅ કૌન હોતા હું? ઇન સબ ગાનો સે તો સુપરસ્ટાર બને હૈ. સલમાન ખાન કે કેરિયર કે સબ સે બડે દો ગાને ચુન્નરી ચુન્નરી ઔર ટન ટના ટન.ઐસા હોતા હૈ કી અગર વોઇસ કિસી કો સૂટ કરે તો વો સુપરસ્ટાર બન જાતા હૈ. સલમાન ખાન ઔર વરૂણ ધવન મે ઉતના હી ફર્ક હૈ જિતના અમિતાભ બચ્ચન ઔર અસરાની મેં હૈ. વરૂણ ધવન મેરે ગાયે હુએ ગાને કો નિભા નહીં સકતા. ઉન્હોને મેરે વોઇસ કો ગાને સે નિકાલ કે સહી ડિસિઝન લિયા. ઉસકો ગાલિયા પડતી. સલમાન ખાન ઇસ ગાને સે સુપરસ્ટાર બન ગયા. વરૂણ કુછ નહીં બન શકતા. 

મજાની વાત એ બની કે આ અરસામાં જ ડેવિડ ધવન ફિલ્મ ફેસ્ટિવલ યોજવામાં આવ્યો જેમાં સલમાન ખાને તેની રમતિયાળ શૈલીમાં કહી સંભળાવ્યું કે ઇસને મેરા ઇક ઔર ગાના ઉઠાયા.ઓડિયન્સ જોક સાંભળી અટ્ટહાસ્ય કરી રહ્યું હતું ત્યાં જ વરૂણે કહ્યું ભાઇ રહને દો...સ્વાભાવિક છે કે આ મજાક  સોશ્યલ મિડિયા પર છવાઇ ગઇ. બીવી નં  ૧માં  સલમાનખાન અને સુસ્મિતાસેનપર ફિલ્માવવામાં આવેલું આ ગીત આજે પણ ભારે લોકપ્રિય છે. 

હવે સવાલ એ છે કે આ બધી કાનુની માથાકૂટમાં હૈ જવાની તો ઇશ્ક હોના હૈ પાંચ જુને રજૂ થઇ શકે છે કે કેમ. લેટ્સ કીપ અવર ફિંગર્સ ક્રોસ્ડ!